રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ના કોન્સ્ટેબલ ચેતન સિંહે ૩૧ જુલાઈની સવારે દોડતી ટ્રેનમાં કરેલા ગોળીબારમાં ચાર જણે જીવ ગુમાવ્યાની ઘટનાની તપાસના ભાગ રૂપે ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)ની ટીમે કાર શેડમાં ઊભેલી જયપુર-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં ક્રાઈમ સીન રિક્રીએટ કર્યો હતો. બોરીવલી રેલવે પોલીસ સ્ટેશનની જીઆરપીની ટીમ મંગળવારે મુંબઈ સેન્ટ્રલના કાર શેડમાં પહોંચી હતી. કાર શેડમાં ઊભેલી ટ્રેનના જે કોચમાં આરપીએફના એએસઆઈ અને ત્રણ પ્રવાસીઓની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી તેમાં જીઆરપીની ટીમ ગઈ હતી. મુખ્ય સાક્ષીદારો અને આરપીએફના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં જીઆરપીની ટીમે ક્રાઈમ સીન રિક્રીએટ કર્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
જાેકે આરપીએફના કોન્સ્ટેબલ ચેતન સિંહને આ કવાયત દરમિયાન હાજર રખાયો નહોતો. નોંધનીય છે કે ચેતને તેના ઉપરી એએસઆઈ ટીકારામ મીણા અને અલગ અલગ કોચના ત્રણ પ્રવાસીની તેની ઓટોમેટિક રાઈફલથી ગોળીબાર કરી હત્યા કરી હતી. સિંહ અત્યારે જીઆરપીની કસ્ટડીમાં છે. સિંહની પોલીસ કસ્ટડી વધારવાની માગણી કરતી સોમવારે કરાયેલી અરજીમાં જીઆરપીએ નોંધ્યું હતું કે તપાસ માટે સિંહને ગુનાના સ્થળે લઈ જવાનો છે. તપાસ કરનારી ટીમે ટ્રેનમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ પ્રાપ્ત કર્યાં હતાં અને હત્યાકાંડની વધુ વિગતો મેળવવા તેની ચકાસણી કરી હતી. ટીમે સાક્ષીઓનાં નિવેદન પણ નોંધ્યાં હોવાનું અધિકારીનું કહેવું છે.