ગ્રીનલેન્ડ વિવાદનો અંત: અમેરિકા, ડેનમાર્ક અને ગ્રીનલેન્ડ વચ્ચે ઐતિહાસિક કરાર
આર્કટિક પ્રદેશમાં વ્યાપારી અને સૈન્ય પ્રભાવ વધારવાની વૈશ્વિક હોડ વચ્ચે એક મોટો રાજનૈતિક વિકાસ સામે આવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ડેનમાર્કના વડાપ્રધાન અને ગ્રીનલેન્ડના વડાપ્રધાન વચ્ચે મંગળવારે ન્યૂયોર્કમાં એક મહત્વપૂર્ણ ત્રિપક્ષીય કરાર પર હસ્તાક્ષર થવા જઈ રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ની બેઠક દરમિયાન થનારા આ કરારથી ગ્રીનલેન્ડને લઈને લાંબા સમયથી ચાલી રહેલો મનોમાલિન્ય અને ભૂ-રાજકીય ગતિરોધ ઉકેલાવાની શક્યતા છે.

આર્કટિકમાં અમેરિકી સૈન્યની હાજરી વધશે
આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રોઇટર્સના અહેવાલ મુજબ, આ સમજૂતીથી અમેરિકાને ગ્રીનલેન્ડમાં પોતાની સૈન્ય શક્તિ અને હાજરી વિસ્તૃત કરવાની મોટી તક મળશે. આ કરાર હેઠળ આર્કટિક ક્ષેત્રમાં બે નવા અમેરિકી સૈન્ય અડ્ડાઓ (Military Bases) શરૂ કરવાની યોજના છે.
જેમાં પ્રથમ અડ્ડો ‘નારસારસુઆક’ ખાતે બનશે, જે શીત યુદ્ધ (Cold War) ના સમયનો એક જૂનો એરબેઝ છે અને હાલ ત્યાં ખૂબ જ ઓછી વસ્તી વસે છે. જ્યારે બીજો અડ્ડો ‘મેસ્ટર્સવિગ’ ખાતે સ્થાપિત કરવામાં આવશે. હાલમાં આ સ્થળનો ઉપયોગ ડેનમાર્કની ખાસ સ્પેશિયલ ફોર્સ યુનિટ ‘ડૉગ સ્લેજ પેટ્રોલ’ દ્વારા કરવામાં આવે છે. આ બેઝ સક્રિય થવાથી આર્કટિક ઝોનમાં અમેરિકાની વ્યૂહાત્મક પકડ વધુ મજબૂત બનશે.
નાટો (NATO) ની સામૂહિક સુરક્ષા અને સાર્વભૌમત્વ
આ ત્રિપક્ષીય બેઠકમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ડેનમાર્કના વડાપ્રધાન મેટે ફ્રેડરિકસેન અને ગ્રીનલેન્ડના વડાપ્રધાન જેન્સ-ફ્રેડરિક નિલ્સન ભેગા મળીને આ કરાર આખરી ઓપ આપશે.
ડેનમાર્કના વિદેશ મંત્રી લાર્સ લોકે રાસમુસેને આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આ નવા કરારથી આર્કટિક પ્રદેશની સુરક્ષા હવે માત્ર વોશિંગ્ટન કે કોપનહેગન પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ તે નાટો (NATO) ના સામૂહિક નિરીક્ષણ હેઠળ આવી જશે. ડેનમાર્ક સરકારના જણાવ્યા મુજબ, આ કરાર ડેનિશ સામ્રાજ્યના સાર્વભૌમત્વ અને ગ્રીનલેન્ડના લોકોના સ્વ-નિર્ણયના અધિકારનું પૂરેપૂરું સન્માન કરે છે.
ટ્રમ્પનો દાવો અને ખરીદવાની નીતિમાંથી પીછેહટ
બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે આ કરારથી અમેરિકાને ગ્રીનલેન્ડમાં સુરક્ષા અને અન્ય તમામ જરૂરિયાતો પર સંપૂર્ણ નિયંત્રણ મળી જશે. જોકે, આ કરારનો મૂળ લખાણ (Text) હજુ સાર્વજનિક કરવામાં આવ્યો નથી.

રાજકીય વિશ્લેષકોના મતે, આ સમજૂતી એ વાતનો પણ સંકેત આપે છે કે ટ્રમ્પ ગ્રીનલેન્ડને સંપૂર્ણપણે “ખરીદી લેવાની” પોતાની જૂની અને વિવાદાસ્પદ મહત્વાકાંક્ષાથી પાછળ હટ્યા છે. અગાઉ તેમણે ગ્રીનલેન્ડને અમેરિકા માટે ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેનો ડેનમાર્કે સખત વિરોધ કર્યો હતો.
ગ્રીનલેન્ડનું વ્યૂહાત્મક અને કુદરતી મહત્વ
ગ્રીનલેન્ડ ભૂતકાળમાં ડેનમાર્કની એક કોલોની (વસાહત) હતું, પરંતુ હાલમાં તે એક અર્ધ-સ્વાયત્ત પ્રદેશ (Semi-autonomous territory) છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગ્રીનલેન્ડ અમેરિકાના ટેક્સાસ રાજ્ય કરતાં ત્રણ ગણું મોટું છે, પરંતુ તેની વસ્તી માત્ર ૫૭,૦૦૦ ની આસપાસ છે, જે તેના પહાડી અને વિષમ દરિયાકાંઠાના વિસ્તારોમાં રહે છે.
