સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ ઓછું થાય તે માટે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. છતાં પણ કેટલાક સરકારી બાબુઓ એવા છે કે જે હજી પણ સુધરવાનું નામ નથી લઇ રહ્યાં. એસીબીના ચોપડે એક પછી એક બનાવો નોંધાઇ રહ્યા છે. ત્યારે વધુ એક પીએસઆઇ રૂપિયા ૫૦ હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ગયેલ છે. આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ એન યુ ટાપરીયાએ આરોપીને માર નહિ મારવા અને પાસા ન કરવા માટે ૫૦ હજારની લાંચ માંગી હતી. જે ૫૦ હજારની લાંચ સ્વીકારતા તેઓ એસીબીના હાથે રંગેહાથ ઝડપાઇ ગયા છે. શહેરના આનંદનગર પોલીસસ્ટેશનની હદમાં આવતા જાેધપુર ગામ વિસ્તારના ગોપાલ આવાસ ખાતે એક બનાવ બન્યો હતો.
રાયોટિંગ, છેડતી, મારામારીની આ ઘટનાની આનંદનગર પોલીસસ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઇ હતી. જે ગુનાની તપાસ દરમિયાન આનંદનગર પોલીસસ્ટેશનના પીએસઆઇ નરેશદાન ઉમેદસિંહ ટાપરિયાએ મહિલાના પતિને પકડ્યો હતો. જેમાં મહિલાના પતિ સામે ૧૫૧ કરી જામીન લેવડાવી માર નહીં મારવા અને અને પાસા નહી કરવા પેટે પીએસઆઇ ટાપરીયાએ રૂ. ૫૦ હજારની માંગ કરી હતી. જાેકે મહિલા ૫૦ હજાર આપવા ન માંગતા હોવાથી તેઓએ લાંચ રૂશ્વત બ્યુરોનો સંપર્ક સાધ્યો હતો. જેથી એસીબીએ જાેધપુર ગામ પોલીસ ચોકી ખાતે છટકુ ગોઠવી પીએસઆઇ નરેશદાન ઉમેદસિંહ ટાપરીયાને ૫૦ હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. આ અગાઉ પણ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મચારીઓ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ચૂક્યા છે. ત્યારે વધુ એક પીએસઆઇ હવે લાંચ લેતા ઝડપાયા છે. હાલમાં એસીબીએ આ સમગ્ર મામલે પીએસઆઇને ઝડપીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.