દિવાળી પહેલા ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. મોદી સરકારે ખેડૂતોને મોટી રાહત આપી છે.
કેન્દ્રીય મંત્રીમંડળે આજે ચાલુ રવી સિઝનમાં ખેડૂતોને વ્યાજબી ભાવે ખાતર આપવા માટે પીએન્ડકેખાતરો પર રૂ. ૨૨,૩૦૩ કરોડની સબસિડી આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે મંત્રી મંડળની બેઠક બાદ મીડિયાને આ ર્નિણયની માહિતી આપી છે.
મંત્રી મંડળે નાઈટ્રોજન, ફોસ્ફોરસ, પોટાશ અને સલ્ફર જેવા વિભિન્ન માટી પોષક તત્વો પર પોષણ આધારિત સબસિડી આપવાનો ર્નિણય કર્યો છે. આ સબસિડી ૧ ઓક્ટોબર ૨૦૨૩થી ૩૧ માર્ચ ૨૦૨૪ના રવી પાક સિઝન પર લાગુ થશે. અનુરાગ ઠાકુરે કહ્યું કે, ડાઈ-એમોનિયમ ફોસ્ફેટ ખાતર પહેલાની જેમ ૧,૩૫૦ રૂપિયા પ્રતિ બોરીના દરે ખેડૂતોને આપવામાં આવશે. બીજી તરફ પોટાશ મ્યૂરિએટના દરોમાં ઘટાડો કરવામાં આવશે.
સરકારે નાઈટ્રોજન પર ૪૭.૦૨ રૂપિયા પ્રતિ કિલોગ્રામ, ફોસ્ફોરસ પર ૨૦.૮૨ રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને પોટાશ પર તે ૨.૩૮ રૂપિયા પ્રતિ કિલોગ્રામ સબસિડી મંજૂર કરી છે. બીજી તરફ સલ્ફર માટે સબસિડી ૧.૮૯ રૂપિયા પ્રતિ કિલોગ્રામ મંજૂર કરવામાં આવી છે.