Gautam Adani: $૧૦ બિલિયનના રોકાણ સાથે કેસને કોઈ સંબંધ નથી: અફવાઓ પર ગૌતમ અદાણીનો મોટો ખુલાસો
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ અમેરિકાની અદાલતમાં એક મહત્વપૂર્ણ સોગંદનામું (Halafnamu/Affidavit) દાખલ કરીને તે તમામ અફવાઓ અને અટકળોનો અંત આણ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે તેમના પરથી અમેરિકન કેસ હટાવવા પાછળ કોઈ પડદા પાછળની સમજૂતી અથવા ‘ગુપ્ત ડીલ’ થઈ છે.
ગૌતમ અદાણીએ કોર્ટ સમક્ષ સ્પષ્ટ કર્યું છે કે અમેરિકાના ન્યાય વિભાગ (Department of Justice – DoJ) દ્વારા તેમની સામેના ફોજદારી આરોપોને પડતા મૂકવાના નિર્ણય પાછળ કોઈપણ પ્રકારનું વચન, આર્થિક લેવડ-દેવડ કે કોઈ ખાનગી કરાર નહોતો. તેમને આવી કોઈ પણ પ્રકારની બાબતની લેશમાત્ર જાણકારી નથી.

જજ નિકોલસ ગરાઉફિસના આદેશ પર અદાણીનો સીધો જવાબ
આ સોગંદનામું અમેરિકન કોર્ટના ન્યાયાધીશ નિકોલસ ગરાઉફિસ દ્વારા ૮ જુલાઈ ૨૦૨૬ ના રોજ જારી કરાયેલા આદેશના જવાબમાં દાખલ કરવામાં આવ્યું છે. જજે અદાણી પાસે લેખિત ખુલાસો માંગ્યો હતો કે શું તેઓ કેસ બંધ કરવાના બદલામાં કોઈ વાયદા, ઓફર અથવા ગુપ્ત સેટિંગ વિશે જાણે છે?
તેના જવાબમાં ગૌતમ અદાણીએ સ્પષ્ટતા કરી કે, “મને એવી કોઈ બાબતની માહિતી નથી, જેમાં આ કેસ બંધ કરવાના બદલામાં કોઈને કંઈ આપવાની, લેવાની, વચન આપવાની કે સ્વીકારવાની વાત થઈ હોય. કોઈ કિંમતી વસ્તુ, રોકાણ કે અન્ય કોઈ ફાયદાના બદલામાં કેસ હટાવવામાં આવ્યો હોવાની વાતો તદ્દન ખોટી અને પાયાવિહોણી છે.”
$10 બિલિયનના રોકાણ અને કેસ વચ્ચે કોઈ સંબંધ નથી
અગાઉ કેટલાક આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે અદાણી ગ્રુપે અમેરિકામાં જે ૧૦ અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી હતી, તેના બદલામાં અમેરિકન સરકારે તેમના પરથી કેસ હટાવી લીધો છે.
આ અફવાઓનો છેદ ઉડાડતા ગૌતમ અદાણીએ જણાવ્યું કે, “અદાણી ગ્રુપે અમેરિકામાં આટલું મોટું રોકાણ કરવાનો નિર્ણય ૧૩ નવેમ્બર ૨૦૨૪ના રોજ જ જાહેર કરી દીધો હતો. જ્યારે અમારા પર યુએસ કોર્ટનો આ કેસ તેના ઘણા સમય પછી સામે આવ્યો હતો. આ બંને બાબતો સંપૂર્ણપણે અલગ છે અને તેને એકબીજા સાથે કોઈ સંબંધ નથી.”

વકીલોની રજૂઆત અને અમેરિકન સરકારનો રૂખ
કોર્ટ ફાઈલિંગ અનુસાર, અદાણીના વકીલો (સુલીવન એન્ડ ક્રોમવેલ એલએલપી) એ અમેરિકન સત્તાવાળાઓ સાથે બેઠકો યોજી હતી અને એક પ્રસ્તાવ મૂક્યો હતો કે જો યુએસ વહીવટીતંત્ર ઈચ્છે તો આ અગાઉથી નક્કી કરાયેલા રોકાણને કેસના શાંતિપૂર્ણ ઉકેલનો ભાગ ગણી શકે છે. જોકે, અમેરિકી ન્યાય વિભાગે વકીલોને તે સમયે જ સ્પષ્ટ કહી દીધું હતું કે કેસ હટાવવાના કાયદાકીય નિર્ણયમાં આ રોકાણની કોઈ ભૂમિકા રહેશે નહીં. આથી, અદાણીએ ફરી એકવાર ભારપૂર્વક જણાવ્યું છે કે રોકાણ યોજના અને કેસની સમાપ્તિ વચ્ચે કોઈ કડી નથી.
અમેરિકી ન્યાય વિભાગે પણ અફવાઓ નકારી
અદાણીના સોગંદનામા પહેલાં, ૪ જુલાઈ ૨૦૨૬ ના રોજ અમેરિકી સરકારી વકીલોએ પણ કોર્ટ સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે ઇન્વેસ્ટમેન્ટના બદલામાં કેસ રદ કરવાની વાતો તદ્દન ખોટી છે. આ કેસ પાછો ખેંચવાની ભલામણ કરનાર મુખ્ય અમેરિકન કાનૂની અધિકારી આર. ટ્રેન્ટ મેકકોપ્ટરે કોર્ટને જણાવ્યું હતું કે, આ કેસ કાયદાકીય દ્રષ્ટિએ મજબૂત ન હોવાને કારણે અને કોર્ટમાં ટકી શકે તેમ ન હોવાથી તેને હટાવવાની માગણી કરવામાં આવી હતી, કોઈ રાજકીય કે આર્થિક દબાણ હેઠળ નહીં.
