Gautam Adani: ૨૧મી સદીની સાચી આઝાદી એટલે ઉર્જા અને એઆઈ પર અધિકાર: CII સમિટમાં ગૌતમ અદાણીનો હુંકાર.
૧૧ મે ૨૦૨૬ના રોજ નવી દિલ્હીમાં આયોજિત CII એન્યુઅલ બિઝનેસ સમિટ ૨૦૨૬માં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ દેશના ભાવિ આર્થિક અને તકનીકી માળખા પર મહત્વપૂર્ણ મંતવ્યો રજૂ કર્યા. આ વર્ષની સમિટનો વિષય ‘ધ ફ્યુચર- ગ્લોબલ ઇકોનોમી, ઇન્ડસ્ટ્રી, સોસાયટી’ રાખવામાં આવ્યો છે, જ્યાં ભારતને ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટેના રોડમેપ પર ઊંડી ચર્ચા કરવામાં આવી રહી છે.

રાષ્ટ્રીય શક્તિના બે મુખ્ય સ્તંભ
પોતાના સંબોધનમાં ગૌતમ અદાણીએ ભારપૂર્વક જણાવ્યું કે વર્તમાન ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિમાં કોઈ પણ દેશની તાકાત હવે બે બાબતો પર નિર્ભર છે: ઉર્જા સુરક્ષા (Energy Security) અને ડિજિટલ સુરક્ષા (Digital Security). પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, “જે દેશ ઉર્જા અને કોમ્પ્યુટિંગ ટેકનોલોજી પર નિયંત્રણ રાખશે, તે જ આગામી સદીને નવો આકાર આપશે.” ભારત દ્વારા ૫૦૦ ગીગાવોટ વીજ ક્ષમતા હાંસલ કરવી એ આ દિશામાં એક માઈલસ્ટોન છે.
‘ફ્લેટ’ નહીં પણ ‘ફ્રેક્ચરડ’ દુનિયા
અદાણીએ એક નવી વિભાવના રજૂ કરતા કહ્યું કે હવે દુનિયા ‘ફ્લેટ’ રહી નથી પણ ‘ફ્રેક્ચરડ’ (વહેંચાયેલી) થઈ ગઈ છે. હવે સપ્લાય ચેઈન માત્ર કાર્યક્ષમતાના આધારે નહીં, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહી છે.
અમેરિકા અને ચીનનું ઉદાહરણ: તેમણે સમજાવ્યું કે અમેરિકાએ પહેલા ઉર્જા ક્ષેત્રે સ્વાયત્તતા મેળવી અને હવે તે ‘કોમ્પ્યુટ’ પર કબજો મેળવવા માંગે છે. તેવી જ રીતે, ચીને ઔદ્યોગિક ક્ષમતાની સાથે ‘એઆઈ સાર્વભૌમત્વ’ (AI Sovereignty) ને પ્રાથમિકતા આપી છે.
સાચી આઝાદી: અદાણીએ કહ્યું કે, “જો ૧૯૪૭ની આઝાદી રાજકીય હતી, તો ૨૧મી સદીની સાચી આઝાદી એટલે આપણા ઘરને રોશન કરતી ઉર્જા અને આપણી બુદ્ધિને માર્ગદર્શન આપતા ઇન્ટેલિજન્સ (AI) પર આપણો પોતાનો અધિકાર હોવો.”

ભારત બનશે ગ્લોબલ એઆઈ હબ
પશ્ચિમ એશિયાના સંકટ અને હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માં સર્જાયેલી નાકાબંધી જેવી સ્થિતિએ ભારત માટે ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા અનિવાર્ય બનાવી દીધી છે. આ લક્ષ્યને હાંસલ કરવા માટે ગૌતમ અદાણીએ મોટી જાહેરાત કરતા જણાવ્યું કે:
૧૦૦ અબજ ડોલરનું રોકાણ: વર્ષ ૨૦૩૫ સુધીમાં સોવરિન એઆઈ (Sovereign AI) અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આશરે ૮.૪ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.
ગ્રીન ડેટા સેન્ટર્સ: આ રોકાણનો મોટો હિસ્સો ગ્રીન એનર્જી આધારિત ડેટા સેન્ટર્સ સ્થાપવા માટે વપરાશે. એઆઈ માટે જે પ્રચંડ વીજળીની જરૂર પડે છે, તેને પર્યાવરણને અનુકૂળ બનાવીને ભારતને ગ્લોબલ એઆઈ હબ બનાવવાનું લક્ષ્ય છે.
