શહેરમાં સાયબર ફ્રોડ અને હેકિંગનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગઠિયાએ રેવન્યુની પ્રેક્ટિસ કરતા ૩૫ વકીલના બેન્ક એકાઉન્ટમાંથી ૧૦-૧૦ હજાર રૂપિયા ઉપાડી લીધા હતા. પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે આ ગઠિયાને પકડવામાં પોલીસે ગણતરીના કલાકો લગાવ્યા હતા. તેવામાં ૨૦ કરોડ રૂપિયા આના ખાતામાં હોવાનું જાણવા મળતા અનેક સાયબર ફ્રોડના કિસ્સાઓનો પર્દાફાશ થઈ શકે છે. પહેલા તો બધાની લાગી રહ્યું હતું કે આ એક વેબસાઈટ હેક થવાની ઘટના છે. પરંતુ ત્યારપછી આધારકાર્ડની વિગતો પચાવી પાડી હોવાની આશંકાએ વકીલોને ગઠિયો હજારો રૂપિયાનો ચૂનો લગાવી ગયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.
વકીલો પોતાનું રોજિંદુ કામ કરી રહ્યા હતા તેવામાં અચાનક એક પછી એક એમ ૩૦થી ૩૫ વકીલોના મોબાઈલમાં મેસેજ આવ્યો કે તમારા ખાતામાંથી ૯,૯૯૦ રૂપિયા ઉપાડી દેવામાં આવ્યા છે. હવે પહેલા તો તેમને ક્રોસ વેરિફિકેશન કર્યું અને પ્રાથમિક તપાસ કરતા જાણવા મળ્યું કે કોઈક અજાણ્યા શખસ દ્વારા આ પ્રમાણેનું કૃત્ય કરવામાં આવ્યું છે. હવે આગળ શું કરવું તે આ બધા વિચારી રહ્યા હતા. કારણ કે તેમના એકાઉન્ટમાં વધારે રૂપિયા પણ હતા અને અચાનક જાે બીજી કોઈ ઘટના ઘટે તો મોટો ફટકો પડી શકે તેમ હતું. ત્યારપછી તમામ વકીલોએ સાયબર પોલીસને આ અંગે વિગતો જણાવી દીધી હતી. જાેકે આમાં પ્રાથમિક આશંકા એવી લગાવાઈ રહી છે કે ખરીદનાર-વેચનાર અને સાક્ષી તરીકે સબ રજિસ્ટ્રારમાં નોંધણી થાય છે. જેમાં સાક્ષીના થમ્બ ઈમ્પ્રેશન પણ આપવાના હોય છે. આ દરમિયાન વકીલોના ફિંગરપ્રિન્ટ ચોરાઈ ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સાયબર પોલીસે તપાસ આદરી અને પછી જણાવ્યું કે આ ઘટનાક્રમ અંગે ગુજરાત સરકાર અને રિઝર્વ બેન્કને પણ જાણ કરી દેવામાં આવી છે.
ગઠિયાએ ૧૦ હજાર કરતા ઓછી રકમ જ ઉપાડી હતી. જેથી કરીને અહેવાલો પ્રમાણે જાણવા મળ્યું કે તેને કોઈપણ પ્રકારનો OTP આવ્યો જ નહીં હોય. હવે એક શંકાસ્પદ વ્યક્તિની તપાસ કરતા જાણવા મળ્યું છે કે ભેજાબાજના ખાતામાં ૨૦ કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું છે. એટલે માત્ર વકીલો જ નહીં પણ પોલીસને શંકા છે કે આ ગઠિયાએ દેશ-વિદેશના લોકો તથા NRI પણ શિકાર બનાવ્યા હોઈ શકે છે. જાેકે હજુ સત્તાવાર માહિતી બહાર નથી આવી પરંતુ આના કનેક્શન ઘણી જગ્યાએ નીકળે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે.