સમગ્ર ભારત દેશ આજે ૧૫મી ઑગસ્ટે પોતાનો ૭૭મો સ્વતંત્રતા દિવસ ખૂબ જ ગર્વ અને આનંદ સાથે ઉજવી રહ્યો છે. આ દિવસે આપણે દેશના મહાન નેતાઓને યાદ કરીએ છીએ કે, જેમણે આપણી આઝાદી માટે બહાદૂરીપૂર્વક લડત આપી હતી. રાષ્ટ્રધ્વજ ઊંચો ફરકાવવાથી વિવિધતામાં એકતાની યાદ અપાવે છે. આ દિવસ આપણને આપણા રાષ્ટ્ર પ્રત્યે યોગદાન આપવાની નાગરિક તરીકેની આપણી જવાબદારીની યાદ અપાવે છે. આ ખાસ દિવસે બોલિવૂડ સેલિબ્રિટીઝે સોશિયલ મીડિયા દ્વારા શુભેચ્છા પાઠવી હતી. આલિયા ભટ્ટ, શાહરૂખ ખાન, સલમાન ખાનથી લઈ કેટરિના કૈફ-વિક્કી કૌશલ સુધી, ઘણી હસ્તીઓએ તેમના ફેન્સને શુભેચ્છા પાઠવી હતી. ઉપરાંત અભિનેત્રી કરિશ્મા કપૂર સહિતના અનેક બોલિવુડ સેલિબ્રિટીઝે પોતપોતાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી તેમના ફેન્સને શુભેચ્છા પાઠવી હતી.
બોલિવુડના દબંગ સલમાન ખાને પોતાના ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર રાષ્ટ્રીય ધ્વજ સાથે પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો છે. આ રીતે તેણે પોતાના ફેન્સને ૭૭મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી. ફિલ્મ અભિનેત્રી કેટરિના કૈફે પોતાના પતિ વિક્કી કૌશલ સાથે ઘરેથી દરિયા તરફ પોઝ આપતી તસવીર શેર કરી છે અને તેમની સામે એક મોટો રાષ્ટ્રધ્વજ જાેઈ શકાય છે. બોલિવુડના કિંગ શાહરૂખ ખાને તેની પત્ની અને બાળકો સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવતો એક વીડિયો અને તસવીર શેર કરી છે. સિદ્ધાર્થ મલ્હોત્રાએ આપણા રાષ્ટ્રધ્વજ સાથે પોઝ આપતા પોતાનો એક વીડિયો શેર કર્યો હતો. કાર્તિક આર્યને પોતાના પાલતુ શ્વાન સાથે એક વીડિયો શેર કર્યો અને લખ્યું, હેપ્પી ઇન્ડીપેન્ડન્સ ડે અને અરિજિત સિંહનું ગીત દેશ મેરે મુક્યું હતું. શિલ્પા શેટ્ટીએ પોતાના બાળકો અને પરિવારના સભ્યો સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. વીડિયોને શેર કરતા અભિનેત્રીએ હિન્દીમાં લખ્યું, વંદે માતરમ્.