રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્વ પ્રભારી અને અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પૂર્વ સંગઠન પ્રધાન મદન દાસ દેવીનું આજે વહેલી સવારે બેંગલુરુમાં ખાતે વૃદ્ધાવસ્થાને કારણે નિધન થયું છે. ઉમંરના ૮૧માં વર્ષે તેમણે છેલ્લો શ્વાસ લીધો હતો. એક વર્ષ પહેલાં જ તેમના પર હરિદ્વારના પાલમપુરની આયુર્વેદીક સંસ્થા દ્વારા પંચકર્મ પણ કરવામાં આવ્યું હતું. તેમના અંતિમ સંસ્કાર આવતી કાલે એટલે કે ૨૫મી જુલાઇના રોજ સવારે ૧૧ વાગે પુણેમાં કરવામાં આવશે. મદન દાસ દેવીએ બાળપણથી જ પોતાનું જીવન રાષ્ટ્રસેવા અને સંઘના કાર્યમાં સમર્પીત કર્યું હતું. જીવનના લગભગ ૭૦ વર્ષ તેમણે સંઘના પ્રચાર માટે કામ કર્યું. સંઘથી લઇને ભાજપ સુધી તેમણે રાજકીય નિરિક્ષક તરીકે કામ કર્યું હતું. વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય સંગઠન પ્રધાન તરીકે કામ કરતી વખતે તેમણે અનેક નેતા બનાવ્યા. અરુણ જેટલી, અનંત કુમાર, સુસીલ મોદી, શિવરાજ સિંહ ચવ્હાણ, ધર્મેન્દ્ર પ્રધાન, વિનોદ તાવડે જેવા અનેક ભાજપના નેતાઓએ તેમની પાસેથી સમાજકાર્ય અને સંગઠનનો અભ્યાસ કર્યો છે.
કેન્દ્રિય પ્રધાન નિતીન ગડકરીએ પણ મદન દાસ દેવીને શ્રદ્ધાંજલી અર્પણ કરતાં લખ્યું કે, રાષ્ટ્રીય સ્વયંસેવા સંઘના વરિષ્ઠ પ્રચારક આદરનીય મદન દાસ દેવીજીના નિધનના સમાચાર સાંભળીને બહૂ દુઃખ થયું છે. હું વિદ્યાર્થી હતો ત્યારથી મને મદન દાસજી સાથે કામ કરવાનો અને તેમની પાસેથી સંગઠન કૌશલ્ય શીખવાનો મોકો મળ્યો હતો. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ પણ તેમણે સંઘના પ્રચારક તરીકે પોતાની જાતને દેશ અને સમાજને સમર્પીત કરી કામ શરુ કર્યું. સ્ટુડન્ટ કાઉન્સીલના માધ્યમથી તેમણે દેશના કરોડો યુવાનોને પ્રેરણા આપી. તેમના નિધનથી દેશે એક દિગ્ગજ ગુમાવ્યો છે. મદનદાસજીનું કાર્ય, તેમના મુલ્યો મારા જેવા કરોડો કાર્યકર્તાઓને હંમેશા પ્રેરણા આપતાં રહેશે. ભગવાન તેમની આત્માને શાંતી આપે. ગડકરીએ આવું ટ્વીટ કરી શ્રદ્ધાંજલી આપી હતી.