Aviation
Aviation: રોયલ જોર્ડનિયન એરલાઇન્સે જાહેરાત કરી છે કે તે આ વર્ષે અમ્માનને મુંબઈ અને દિલ્હી સાથે જોડતી નોન-સ્ટોપ ફ્લાઇટ્સ શરૂ કરશે. એરલાઇને બુધવારે જણાવ્યું હતું કે મુંબઈ માટે ફ્લાઇટ્સ 17 એપ્રિલથી શરૂ થશે, જ્યારે દિલ્હી માટે સેવાઓ 17 સપ્ટેમ્બરથી શરૂ થશે. ફાઇનાન્શિયલ એક્સપ્રેસ અનુસાર, આ રૂટ પર ડ્યુઅલ-ક્લાસ A320neo એરક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવશે. આ ફ્લાઇટમાં મનોરંજન અને વાઇફાઇ સેવાઓ જેવી સુવિધાઓ સાથે ઇકોનોમી અને બિઝનેસ ક્લાસ વિકલ્પો પ્રદાન કરશે.આ નવો રૂટ રોયલ જોર્ડનિયન દ્વારા વ્યૂહાત્મક વિકાસ પહેલના ભાગ રૂપે શરૂ કરવામાં આવી રહ્યો છે. તેનો ઉદ્દેશ્ય જોર્ડનને ભારતીય પ્રવાસીઓ માટે એક મુખ્ય પર્યટન સ્થળ તરીકે સ્થાપિત કરવાનો છે. રોયલ જોર્ડનિયન એરલાઇન્સના ચીફ કોમર્શિયલ ઓફિસર કરીમ મખલોફે જણાવ્યું હતું કે: “મુંબઈ અને નવી દિલ્હી માટે અમારા નવા રૂટનો પ્રારંભ એ ભારતીય બજારમાં જોર્ડનને પ્રવાસન સ્થળ તરીકે પ્રમોટ કરવાની અમારી વ્યૂહરચનામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.
એરલાઇને જણાવ્યું હતું કે પ્રવાસન ઉપરાંત, સીધી ફ્લાઇટનો હેતુ ભારત અને જોર્ડન વચ્ચે દ્વિપક્ષીય વેપાર અને આર્થિક સંબંધોને મજબૂત બનાવવાનો પણ છે. અમ્માનમાં એરલાઇનનું કેન્દ્ર ભારતીય પ્રવાસીઓ માટે યુરોપ, ઉત્તર અમેરિકા અને મધ્ય પૂર્વના પ્રવેશદ્વાર તરીકે સેવા આપશે. આનાથી વિવિધ સ્થળો સાથે સીમલેસ કનેક્શન સુનિશ્ચિત થશે. રોયલ જોર્ડનિયન 2025-26માં 19 નવા વિમાનો રજૂ કરવાની યોજના ધરાવે છે, જેમાં A320neos અને બોઇંગ 787નો સમાવેશ થાય છે.
મુંબઈ અને નવી દિલ્હીથી રોયલ જોર્ડનિયન ફ્લાઇટ્સ આકર્ષક ભાવે શરૂ થશે. એક તરફી મુસાફરી માટે ભાડું રૂ. ૧૯,૯૯૯ અને રાઉન્ડ ટ્રીપ માટે રૂ. ૩૩,૩૩૩ થી શરૂ થશે. ફ્લાઇટનો સમયગાળો ફક્ત 5 કલાકનો રહેશે.
મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે એમ પણ કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટથી મુંબઈ અને અમ્માનને જોડતી પ્રથમ સેવા શરૂ કરતી રોયલ જોર્ડનિયન એરલાઈન્સનું સ્વાગત કરતાં તેઓ રોમાંચિત છે.