FASTag યુઝર્સ માટે મોટા સમાચાર: નિતિન ગડકરીએ લોન્ચ કરી ‘OneTag’ સેવા, ટેગ બદલ્યા વગર જ થશે બેંક પોર્ટ
જો તમે તમારા વાહન માટે ઉપયોગમાં લેવાતા FASTag સાથે જોડાયેલી બેંક બદલવા માંગતા હોવ, તો હવે તમારે તમારી કારની વિન્ડશિલ્ડ પર લાગેલો જૂનો FASTag કાઢીને નવો ચિપકાડવાની ઝંઝટમાંથી મુક્તિ મળી ગઈ છે. મુંબઈ ખાતે યોજાયેલા ‘ગ્લોબલ ફિનટેક ફેસ્ટ’ (GFF) 2026 દરમિયાન કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ ક્રાંતિકારી ‘OneTag’ સુવિધા લોન્ચ કરી છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) અને ઈન્ડિયન હાઈવેઝ મેનેજમેન્ટ કંપની લિમિટેડ (IHMCL) ની આ સંયુક્ત પહેલથી કરોડો NETC FASTag યુઝર્સ પોતાના ફિઝિકલ ટેગને બદલ્યા વગર જ પોતાની પસંદગીની બેંકમાં ખાતું પોર્ટ કરી શકશે.
શું છે OneTag અને તે કેવી રીતે કામ કરશે?
અત્યાર સુધી જો કોઈ વાહન માલિક પોતાના FASTagનું સંચાલન કરતી બેંક બદલવા માંગતો હતો, તો તેણે પહેલાં પોતાનો ચાલુ FASTag કેન્સલ કે બંધ કરાવવો પડતો હતો. ત્યારબાદ નવી બેંક પાસેથી નવો FASTag ખરીદીને વાહન પર ચિપકાડવો પડતો હતો. આ પ્રક્રિયામાં પૈસા, સમય અને શ્રમ બંનેનો બગાડ થતો હતો.
‘OneTag’ સુવિધાએ આ જટિલ પ્રક્રિયાને સરળ બનાવી દીધી છે. હવે વાહન માલિકો પોતાની ગાડી પર રહેલા જૂના FASTag ને હટાવ્યા વિના માત્ર ડિજિટલ માધ્યમથી તેને બીજી બેંકમાં પોર્ટ કરી શકશે. પોર્ટેબિલિટી પ્રક્રિયા પૂરી થયા પછી પણ તમારા FASTagની ટેગ ID અને વાહનો રજિસ્ટ્રેશન નંબર (VRN) યથાવત રહેશે, માત્ર તેની સાથે લિંક થયેલું બેંક એકાઉન્ટ કે વોલેટ બદલાઈ જશે.
#OneTag #FASTag
@NPCI_NPCI
— Nitin Gadkari (@nitin_gadkari) September 11, 2026
‘Rajmargyatra’ મોબાઈલ એપ દ્વારા થશે ઓનલાઈન પોર્ટેબિલિટી
FASTag ની બેંક બદલવાની આ સમગ્ર પ્રક્રિયા NHAI ની સત્તાવાર ‘Rajmargyatra’ (રાજમાર્ગયાત્રા) મોબાઈલ એપ્લિકેશન દ્વારા હાથ ધરવામાં આવશે. આ એપ્લિકેશન પર યુઝરને સૌપ્રથમ પોતાની પાત્રતા (Eligibility) ચકાસવાનો વિકલ્પ મળશે.
ત્યારબાદ સુવિધાયુક્ત અને સુરક્ષિત વેરિફિકેશન, ગ્રાહકની સંમતિ (Consent) અને નવી બેંક પસંદ કરવાની સરળ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. આનો અર્થ એ થયો કે હવે કોઈ પણ વાહન માલિકે FASTag સેન્ટરના ધક્કા ખાવાની કે ગાડી પર નવું સ્ટીકર લગાડવાની જરૂર રહેશે નહીં; સમગ્ર પ્રક્રિયા ઘરબેઠા ડિજિટલી પૂર્ણ થશે.
જૂની અને નવી બેંકોની જવાબદારીઓ
OneTag ની આ નવી પોર્ટેબિલિટી સિસ્ટમમાં જૂની અને નવી બેંક બંનેની જવાબદારીઓ સ્પષ્ટપણે નક્કી કરવામાં આવી છે:
જૂની બેંકની જવાબદારી: ગ્રાહકનું વેરિફિકેશન કરવું, જૂના FASTag વોલેટમાં બાકી રહેલું બેલેન્સ રિફન્ડ કરવું, પેન્ડિંગ ટ્રાન્ઝેક્શન્સ પૂર્ણ કરવાં અને અગાઉના દાવાઓનું નિપટારા કરવાનું કામ જૂની બેંક કરશે.
નવી બેંકની જવાબદારી: યુઝર દ્વારા પસંદ કરવામાં આવેલી નવી બેંક ગ્રાહકના ઓનબોર્ડિંગની ડિજિટલ પ્રક્રિયા પૂરી કરશે અને પોર્ટેબિલિટી સફળ થતાં જ FASTag સંબંધી તમામ સેવાઓ પૂરી પાડવાનું શરૂ કરશે.
આ સમગ્ર પ્રક્રિયા માટે સર્વર અને ટેકનિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવાનું કામ NPCI કરશે.
ખર્ચમાં ઘટાડો અને ડિજિટલ ટોલિંગમાં સુધારો
વારંવાર નવા પ્લાસ્ટિક કે આરએફઆઈડી (RFID) FASTag બનાવવા, તેને ગ્રાહકો સુધી ડિલિવર કરવા અને જૂના ટેગનો નિકાલ કરવામાં સરકારી અને બેંકિંગ સ્તરે મોટો પ્રશાસનિક ખર્ચ થતો હતો. OneTag ના આગમનથી દર વખતે બેંક બદલવા પર નવા ફિઝિકલ ટેગની જરૂરિયાત ઘટશે, જેનાથી FASTag ઓપરેટિંગ કોસ્ટમાં મોટો ઘટાડો થશે.
