સાવધાન! EPF માં જોડાવાની કે છોડવાની ખોટી તારીખ તમારા પેન્શનને ડૂબાડી શકે છે
તમારા પીએફ અને પેન્શનનું આખું ગણિત તમારી નોકરીના સમયગાળા પર આધારિત હોય છે. જો આ ડેટામાં ભૂલ હોય તો શું નુકસાન થઈ શકે અને તેને કેવી રીતે સુધારવી તે અહીં વિગતવાર સમજો:
બ્યાજ અને બેલેન્સમાં ઘટાડો
EPF માં મળતું વ્યાજ તમારા માસિક યોગદાન અને નોકરીના સમયગાળા પર આધાર રાખે છે. જો જોડાવાની તારીખ ખોટી હોય, તો સિસ્ટમમાં તમારી નોકરીનો સમય ઓછો દેખાશે, પરિણામે તમને વ્યાજ ઓછું મળશે અને તમારું કુલ પીએફ બેલેન્સ પણ ઓછું થઈ શકે છે.
પેન્શન પર મોટું જોખમ
પેન્શન સ્કીમ (EPS) માં પેન્શન મેળવવા માટે ઓછામાં ઓછી ૧૦ વર્ષની નોકરી હોવી ફરજિયાત છે. જો એક્ઝિટ ડેટમાં ભૂલ હોય અને તેના કારણે તમારી સર્વિસ ૧૦ વર્ષથી ઓછી દેખાય, તો તમે આજીવન મળવાપાત્ર પેન્શનનો હક ગુમાવી શકો છો.
પીએફ ટ્રાન્સફર અને ક્લેમમાં વિલંબ
જ્યારે તમે જૂની કંપનીમાંથી પીએફ નવી કંપનીમાં ટ્રાન્સફર કરવા માંગો છો અથવા પૈસા ઉપાડવા માંગો છો, ત્યારે EPFO સિસ્ટમ તારીખોની ચકાસણી કરે છે. જો તારીખો મેચ ન થાય, તો તમારો ક્લેમ રિજેક્ટ થઈ શકે છે. ખાસ કરીને જ્યારે એક કંપની છોડીને બીજી કંપનીમાં જોડાઓ છો, ત્યારે જો જૂની કંપનીએ ‘એક્ઝિટ ડેટ’ અપડેટ ન કરી હોય, તો ઓનલાઈન ટ્રાન્સફર અટકી જાય છે.
ભૂલ સુધારવાની પદ્ધતિ
સદનસીબે, હવે EPFO એ આ પ્રક્રિયા સરળ બનાવી છે:
ઓનલાઈન અપડેટ: જો તમારો UAN નંબર આધાર સાથે લિંક હોય, તો તમે જાતે જ UAN પોર્ટલ પર જઈને ‘Manage’ મેનૂમાં ‘Mark Exit’ વિકલ્પ દ્વારા એક્ઝિટ ડેટ અપડેટ કરી શકો છો.
જરૂરી દસ્તાવેજો: જો ભૂલ મોટી હોય અને કંપનીની મંજૂરીની જરૂર પડે, તો તમારી પાસે એપોઈન્ટમેન્ટ લેટર, સેલેરી સ્લિપ અને રિલીવિંગ લેટર જેવા દસ્તાવેજો હોવા જરૂરી છે.
સાવચેતી: નોકરી છોડ્યાના ૨ મહિના પછી જ એક્ઝિટ ડેટ અપડેટ કરી શકાય છે. તેથી, સમયાંતરે તમારી પાસબુક અને પ્રોફાઈલ ચેક કરતા રહેવું જોઈએ જેથી સમયસર સુધારો થઈ શકે.
