માર વરસાદને કારણે જળાશયો છલોછલ ભરાઈ ગયા છે. જેમાં રજવાડા વખતો રણજીત સાગર ડેમ પણ પ્રથમ વરસાદે ભરાઇ જતાં જામનગરવાસીઓમાં હરખની હેલી જાેવા મળી રહી છે. જામનગર શહેરની ૨૦થી ૨૫ ટકા પાણીની જરૂરિયાત આ ડેમ પૂરો પાડે છે, ઉલ્લેખનીય છે કે, જામનગરની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ પણ છલકાઇ જતા શહેરવાસીઓમાં અનોખી ખુશી જાેવા મળી છે. રણજીત સાગર એક ડેમ હોવાની સાથે સાથે જામનગરના જાણીતા પ્રવાસન સ્થળોમાંથી એક છે. અહીં ચોમાસા દરમિયાન પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. શહેરના લોકો ખાસ રણજીત સાગર ડેમ માત્ર ફરવા આવે છે. વિકેન્ડમાં પિકનિક માટે આ સ્થળ ખુબ જ બેસ્ટ હોવાનું શહેરવાસીઓ જણાવે છે. ત્યારે આ ડેમમાં શું શું જાેવા જેવું છે જાણીશું. જામનગરની ભાગોળે આવેલા રણજીત સાગર ડેમમાં પાણીની સ્થિતિ અંગે માહિતી આપતા મહાનગરપાલિકાના કમિશનરે જણાવ્યું કે, પ્રથમ વરસાદમાં જ રણજીત સાગર ડેમ છલકાઇ જતા શહેરવાસીઓની પાણીની સમસ્યાનો ઉકેલ આવી ગયો છે. હાલ બે ઇંચની સપાટીથી ડેમની ઉપરથી પાણી વહી રહ્યું છે.
ઉપરવાસમાં સતત વરસાદને કારણે ડેમ છલકાય રહ્યો છે. રણજીત સાગર ડેમ જામનગર શહેરની પીવાના પાણીની ૨૫ ટકા પાણી પુરૂ પાડે છે. તો જામનગરના તળાવોમાં પણ નવા નીર આવ્યા છે. મોટાભાગના તળાવો છલકાઈ રહ્યા છે. તળાવ છલકાતા શહેરમાં ભૂગર્ભ જળ સ્તર ઊંચું આવ્યું છે. એટલે આગામી ચાર મહિના સુધી પીવાના પાણીની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. જામનગરથી માત્ર ૧૩ કિમીના અંતરે રાજાશાહી વખતનો ડેમ આવેલો છે, જેનું નામ રણજીત સાગર ડેમ રાખવામાં આવ્યું છે. વર્ષ ૧૯૩૦માં આ ડેમના બાંધકામની શરૂઆત બિકાનેરના રાજા સર ગંગાસિંહના હસ્તે થયું હતું. એ વખતે આ ડેમનું નામ ગંગા સાગર ડેમ રાખવામાં આવ્યું હતું.
જાે કે ત્યારબાદ વર્ષ ૧૯૩૫માં જામસાહેબ દિગ્વિજયસિંહજીના કાર્યકાળમાં ડેમ સંપૂર્ણ તૈયાર થઈ ગયો હતો.ત્યારબાદથી આ ડેમનું નામ રણજીતસાગર ડેમ રાખવામાં આવ્યું હતું. આ ડેમમાં ૧૨૦૦૭ લાખ ઘનફૂટ પાણી સંગ્રહ થઇ શકે છે. રણજીત સાગર ડેમ જામનગર જિલ્લાને પાણી તો પૂરું પાડે જ છે, સાથે સાથે આ ડેમની આસપાસ અદભૂત કુદરતી સૌંદર્ય પણ છે. જેનો ચોમાસા દરમિયાન લ્હાવો લેવા જેવો છે. ડેમ ખાતે પ્રવાસીઓ આવતા ગયા તેમ તેમ મહાનગરપાલિકા દ્વારા આસપાસ પાર્ક, ગાર્ડન વગેરે સુવિધાઓ પણ વધારવામાં આવે ડેમ નજીક એક સુંદર ગાર્ડન પણ છે જ્યાં વડીલો, બાળકો માટે જરૂરી તમામ સગવડતા છે.