ટ્રમ્પથી લઈને કિમ જોંગ ઉન સુધી: વિશ્વના 5 સૌથી વધુ વજન ધરાવતા ગ્લોબલ લીડર્સ અને તેમની દિનચર્યા
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દિનચર્યા, શારીરિક ક્ષમતા અને સ્વાસ્થ્યને લઈને આંતરરાષ્ટ્રીય મીડિયામાં ફરી એકવાર ચર્ચા જાગી છે. તાજેતરના મેડિકલ રિપોર્ટ્સ અને વ્હાઇટ હાઉસના અપડેટ્સ અનુસાર, વર્ષ 2023 પછી ટ્રમ્પના વજનમાં નોંધપાત્ર વધારો થયો છે. 6 ફીટ 3 ઇંચની લંબાઈ ધરાવતા ટ્રમ્પનું વજન હવે એવી સીમા તરફ વધી રહ્યું છે, જેને તબીબી વિજ્ઞાનમાં ‘ઓબેસિટી’ અથવા મેદસ્વિતાની શ્રેણી (BMI 30+) ગણવામાં આવે છે.

વિશ્વના સૌથી શક્તિશાળી અને વ્યસ્ત પદ પર બિરાજમાન વ્યક્તિ માટે આ મુદ્દો માત્ર અંગત સ્વાસ્થ્ય પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમની કાર્યક્ષમતા સાથે પણ સીધો જોડાયેલો છે.
ટ્રમ્પનું વધતું વજન અને તબીબી સૂચનો
‘વોશિંગ્ટન પોસ્ટ’ અને અન્ય અગ્રણી મીડિયા અહેવાલો મુજબ, મે મહિનામાં ટ્રમ્પનું નોંધાયેલું વજન 238 પાઉન્ડ (લગભગ 107.9 કિલોગ્રામ) હતું. ઓગસ્ટ 2023માં જ્યોર્જિયા ચૂંટણી કેસ દરમિયાન તેમનું સત્તાવાર વજન 215 પાઉન્ડ (લગભગ 97.5 કિલોગ્રામ) નોંધાયું હતું. આમ, ત્રણ વર્ષથી ઓછા સમયમાં તેમના વજનમાં આશરે 10.4 કિલોગ્રામનો વધારો થયો છે.
BMI ના ધોરણો મુજબ:
સામાન્ય BMI: 18.5 થી 24.9
ઓવરવેઇટ (વધારે વજન): 25 થી 29.9
ઓબેસ (મેદસ્વિતા): 30 કે તેથી વધુ
107.9 કિલોથી વધુ વજન સાથે ટ્રમ્પનો BMI 29.7 ની નજીક પહોંચી ગયો છે. તબીબોએ તેમને જીવનશૈલી સુધારવા, ફાસ્ટ ફૂડ પર નિયંત્રણ રાખવા અને નિયમિત કસરત કરવાની કડક સલાહ આપી છે, જોકે વ્હાઇટ હાઉસનું કહેવું છે કે રાષ્ટ્રપતિ સંપૂર્ણપણે સ્વસ્થ છે.
શારીરિક લક્ષણો અને ઐતિહાસિક સંદર્ભ
ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન તેમના શારીરિક હાવભાવ પર સતત નજર રાખવામાં આવી રહી છે. જાહેરમાં તેમના હાથ પર વાદળી ડાઘ અને પગમાં હળવા સોજા (Edema) જોવા મળ્યા છે. લાંબી રેલીઓ દરમિયાન તેમની થાક પણ ચર્ચાનો વિષય બની છે.

પોતે પણ ટ્રમ્પ પોતાના વજન પર હળવા અંદાજમાં વાત કરતા રહ્યા છે. તાજેતરમાં યુએસ સેકન્ડ લેડી ઉષા વેન્સ સાથેના પોડકાસ્ટમાં તેમણે અમેરિકાના 27મા રાષ્ટ્રપતિ વિલિયમ હોવર્ડ ટાફ્ટનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, “તેઓ આપણા સૌથી વધુ વજન ધરાવતા રાષ્ટ્રપતિ હતા. મારે સાવચેત રહેવું પડશે કારણ કે હું તેમનો રેકોર્ડ તોડવા નથી માંગતો.” વિલિયમ હોવર્ડ ટાફ્ટનું વજન 330 પાઉન્ડ (આશરે 150 કિલો) થી વધુ હતું અને તેમના માટે વ્હાઇટ હાઉસમાં ખાસ મોટો બાથટબ બનાવવો પડ્યો હતો.
વિશ્વના 5 સૌથી વધુ વજન ધરાવતા વર્તમાન રાજકીય નેતાઓ
ટ્રમ્પના વજનની ચર્ચા વચ્ચે હાલમાં વિશ્વના સૌથી ભારે નેતાઓની યાદી નીચે મુજબ છે:
કિમ જોંગ ઉન (ઉત્તર કોરિયા): દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્સી મુજબ, અતિશય દારૂ અને ચેઇન-સ્મોકિંગને કારણે 5 ફીટ 7 ઇંચ ધરાવતા કિમ જોંગ ઉનનું વજન 130 થી 140 કિલોગ્રામ વચ્ચે હોવાનું મનાય છે.
ડોનાલ્ડ ટ્રમ્પ (અમેરિકા): 6 ફીટ 3 ઇંચની કદ-કાઠી ધરાવતા ટ્રમ્પનું વજન 108 થી 115 કિલોગ્રામ છે. ફાસ્ટ ફૂડ અને કોકા-કોલા પ્રત્યેનો તેમનો પ્રેમ જાણીતો છે.
અલેક્ઝાન્ડર લુકાશેન્કો (બેલારૂસ): 6 ફીટ 2 ઇંચથી વધુ ઊંચાઈ ધરાવતા બેલારૂસના રાષ્ટ્રપતિનું વજન 110 થી 115 કિલોગ્રામ છે.
વિક્ટર ઓરબાન (હંગરી): હંગરીના વડાપ્રધાનનું અનુમાનિત વજન 100 થી 110 કિલોગ્રામ દર્શાવવામાં આવ્યું છે.
સિરીલ રામાફોસા (દક્ષિણ આફ્રિકા): દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિનું વજન 100 થી 105 કિલોગ્રામ છે, જોકે તેઓ સવારની સેર દ્વારા સક્રિય રહેવાનો પ્રયાસ કરે છે.
