ગુજરાતભરમાં રોજ લાખો લોકો એસટી બસમાં મુસાફરી કરતા હોય છે. લગભગ રોજ ૨૫ લાખ જેટલા મુસાફરો એસટી બસનો લાભ લે છે. તમે પણ એસટી બસમાં મુસાફરી જરૂર કરી હશે. એસટી બસમાં મુસાફરી કરતી વખતે કેટલીકવાર કોઈ વ્યક્તિને તમે લેપટોપ પર કામ કરતા પણ જાેયા જ હશે. ત્યારે આજે અરવલ્લી જિલ્લાના મોડાસામાંથી વિચિત્ર ઘટના સામે આવી છે. વાસ્તવમાં એસટી બસમાં લેપટોપનો ઉપયોગ કરવા બદલ મુસાફર પાસેથી ૮૮ રૂપિયા ભાડું વસુલવામાં આવતા એસટી બસના કંડક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
અંતોલી-અમદાવાદની જી્ બસમાં મોડાસાના બેંક કર્મચારીને ખરાબ અનુભવ થયો. મોડાસાથી અમદાવાદ જતી બસમાં કંડક્ટરે બેંક કર્મચારી પાસેથી બસમાં લેપટોપ વાપરવા બદલ ૮૮ રૂપિયા ભાડું લીધું હતું. બસમાં લેપટોપ વાપરવા બદલ ભાડું લેવામાં આવતા બેંક કર્મચારી હચમચી ગયા હતા. જે બાદ તેઓએ સોશિયલ મીડિયા દ્વારા સમગ્ર મામલો બહાર લાવવા પ્રયાસ કરાયો હતો. આ અંગેની જાણ જી્ વિભાગને થતાં એસટી વિભાગ દ્વારા બસના કંડક્ટર સામે કાર્યવાહી કરવામાં આવી છે.
આ અંગે મોડાસા એસટી બસ સ્ટેન્ડના ડેપો મેનેજર એચ.આર. પટેલે જણાવ્યું કે, તારીખ ૫/૦૮/૨૦૨૩ના રોજ અંતોલી-અમદાવાદ લોકલ બસમાં કંડક્ટર દ્વારા લેપટોપની જે ટિકિટ આપવામાં આવેલ છે. તે બાબતે આમ તો નિયમ અનુસાર લેપટોપની ટિકિટ આપવાની થતી હોતી નથી. પરંતુ ઈલેક્ટ્રિક વીજ ઉપકરણ કે જે સીટની જગ્યા રોકે છે, તેની ટિકિટ આપવાની થતી હોય છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સોશિયલ મીડિયા દ્વારા જે ફરિયાદ મળી છે તેનું રિફંડ કરવામાં આવશે અને ફરજ પર હાજર કંડક્ટરનું નિવેદન લેવાની તજવીજ હાલ હાથ ધરવામાં આવી છે. હાલ જેમની પાસેથી લેપટોપનું ભાડું વસુલવામાં આવ્યું છે, તેમનો અત્રેથી સંપર્ક કરવામાં આવશે.