લદ્દાખની મુલાકાતે ગયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે બાઇક દ્વારા પેંગોંગ લેકની મુલાકાત લીધી હતી. કોંગ્રેસે ટિ્વટર હેન્ડલ પર બાઇક સવાર રાહુલ ગાંધીની તસવીરો શેર કરી હતી. રાહુલ ગાંધીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો પણ શેર કરી હતી. તસવીરો શેર કરતા રાહુલ ગાંધીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, “પૈંગોંગ લેકના આ માર્ગ વિષે મારા પિતા કહેતા હતા કે, તે વિશ્વની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક છે.”
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે પૂર્વી લદ્દાખના પેંગોંગ લેક પર બાઇક રાઇડ પર નીકળ્યા હતા, જ્યાં તેઓ પ્રવાસી શિબિરમાં રાત્રી રોકાણ કરશે. કોંગ્રેસના સુત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ૨૦ ઓગસ્ટે પેંગોંગ લેક પર તેમના પિતા અને પૂર્વ પીએમ રાજીવ ગાંધીનો જન્મદિવસ ઉજવશે. રાહુલ ગાંધીએ ગઈકાલે લદ્દાખની તેમની પ્રથમ મુલાકાત દરમિયાન લેહમાં ૫૦૦ થી વધુ યુવાનો સાથે ઇન્ટરેક્ટિવ સેશનનું આયોજન કર્યું હતું.