રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી રાહુલ ગાંધીએ કહ્યું- સંવિધાન અને લોકશાહીની રક્ષા એ આપણી જવાબદારી
ભારત આજે પોતાનો 80મો સ્વાતંત્ર્ય દિવસ અત્યંત ઉત્સાહ અને ગૌરવ સાથે મનાવી રહ્યો છે. આ રાષ્ટ્રીય પર્વના ઐતિહાસિક પ્રસંગે દેશની રાજધાની નવી દિલ્હી સ્થિત કોંગ્રેસ મુખ્યાલય (AICC) ખાતે વિશેષ ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી તેમજ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સહિત પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ પહેલાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પોતાના સત્તાવાર નિવાસસ્થાન 10 રાજાજી માર્ગ ખાતે તિરંગો ફરકાવીને તમામ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
ઇતિહાસ બધું જ નોંધે છે: મલ્લિકાર્જુન ખડગેનો કેન્દ્ર પર નિશાનો
કોંગ્રેસ મુખ્યાલય ખાતે આયોજિત સંબોધનમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકારની નીતિઓ અને દાવાઓ સામે તીખા પ્રહારો કર્યા હતા. તેમણે દેશના વિકાસમાં કોંગ્રેસના ઐતિહાસિક યોગદાનને યાદ અપાવતા જણાવ્યું હતું કે, ભૂતકાળની કોંગ્રેસ સરકારોએ દેશના સામાન્ય નાગરિકોને સશક્ત બનાવવા માટે ‘અન્નનો અધિકાર’, ‘શિક્ષણનો અધિકાર’ અને ‘રોજગારનો અધિકાર’ (MGNREGA) જેવા ક્રાંતિકારી અને મૂળભૂત અધિકારો આપ્યા છે.
#WATCH | Speaking at Congress office on Independence Day, party president Mallikarjun Kharge says, “We brought right to Food, Right to Education, Right to Work but the current government has not done any such work. Yet some people have the habit of taking credit for the work they… pic.twitter.com/6PeHSlGIMr
— ANI (@ANI) August 15, 2026
તેમણે વર્તમાન શાસકો સામે નિશાનો સાધતા કહ્યું કે, “વર્તમાન સરકારે જનહિત માટે આવા કોઈ યુગપ્રવર્તક કાર્યો કર્યા નથી. તેમ છતાં કેટલાક લોકોની એવી આદત હોય છે કે જે કામ તેમણે પોતે નથી કર્યું, તેનો શ્રેય પણ પોતાની ઝોળીમાં લેવાનો પ્રયાસ કરે છે. પરંતુ દેશની જનતા બધું જાણે છે અને ઇતિહાસ દરેક બાબતની નોંધ રાખે છે.”
સંવિધાન અને લોકશાહીની રક્ષા એ આપણી જવાબદારી: રાહુલ ગાંધી
બીજી તરફ, લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ તમામ દેશવાસીઓને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, આઝાદી એ માત્ર આપણા મહાન સ્વતંત્રતા સેનાનીઓ તરફથી મળેલી અમૂલ્ય ભેટ જ નથી, પરંતુ તે દેશના દરેક નાગરિક માટે એક ખૂબ જ મોટી જવાબદારી પણ છે.
રાહુલ ગાંધીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ જવાબદારી સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલવાની છે, ભારતીય બંધારણ અને તિરંગાના મૂલ્યોને આપણા હૃદયમાં સ્થાન આપવાની છે અને કોઈપણ ભોગે દેશની લોકશાહીનું રક્ષણ કરવાની છે. તેમણે ગૌરવ વ્યક્ત કરતા કહ્યું કે દેશની જનતા, ખાસ કરીને યુવા પેઢી, આ લોકતાંત્રિક મૂલ્યો અને સંવિધાનની રક્ષા માટે એકજૂથ થઈને આગળ આવી રહી છે. તેમણે પોતાના આહ્વાનનો અંત “જય હિંદ!” ના નારા સાથે કર્યો હતો.
