દેશભરમાં સતત પડી રહેલા વરસાદે શાકભાજી અને ફ્રૂટના ભાવમાં આસમાની વધારો કરી દીધો છે. મોંઘવારીના ભયાનક ઓવરડોઝથી આમ જનતા રીતસર ત્રાહિમામ્ પોકારી ગઈ છે. ટામેટા અને શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થતા ગૃહિણીઓને રોજ શું બનાવું તેની ચિંતા વધી છે. ટામેટાના ભાવને લઈને પૂછવામાં આવેલા સવાલનો રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ચોંકાવનારો જવાબ આપ્યો છે. સરકારના પ્રવક્તા મંત્રીને પ્રેસ કોન્ફરન્સમાં ટામેટાના વધતા ભાવને લઈને સવાલ પૂછવામાં આવ્યો હતો.
જેના જવાબમાં તેઓએ જણાવ્યું કે આમ તો જાેવા જઈએ તો ટામેટા એકમાત્ર ખાવાની ચીજ નથી. પરંતુ ટામેટા, બટાકા, શાકભાજી આ તમામે તમામ વસ્તુઓ જે જીવન જરૂરિયાત અને સવારના કોઈપણ ગૃહિણીને જરૂર પડે એવી તમામ બાબતો ડિમાન્ડ સપ્લાયના આધારે પણ નક્કી થતી હોય છે. પરંતુ જેમ જેમ સમય બદલાય અને આ પણ તમે આગામી સમયમાં જાેશો તો શાકભાજીના ભાવ હોય કે બીજા સપ્લાય વધતાથી સાથે જ ભાવ કંટ્રોલમાં આવી જશે.