ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી છેલ્લા ૨૫ વર્ષ કરતા પણ વધુ સમયથી સત્તામાં છે અને પાર્ટીએ છેલ્લી વિધાનસભામાં રેકોર્ડ બ્રેક સીટો મેળવીને જીત નોંધાવી હતી, ત્યારે પાર્ટીએ વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીમાં રુપિયા ૨૦૯ કરોડથી વધુનો ખર્ચ કર્યો હતો. આ માહિતી પાર્ટીએ ચૂંટણી પંચને સોંપેલી વિગતોમાં આપી છે. ચૂંટણી સંસ્થા દ્વારા ખર્ચનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો હતો.
ગુજરાત ચૂંટણી પરના ૧૫ જુલાઈના રોજ પાર્ટી દ્વારા રજૂ કરવામાં આવેલા મુખ્ય ચૂંટણી ખર્ચના અહેવાલ મુજબ સામાન્ય પાર્ટીના પ્રચાર અને ઉમેદવારોના ભંડોળ પર રૂપિયા ૨૦૯.૯૭ કરોડનો ખર્ચ કર્યો હતો.
આ ખર્ચમાં પાર્ટીએ ચૂંટણી લડતા ઉમેદવારોને આશરે રૂપિયા ૪૧ કરોડ ચૂકવ્યા હતા અને એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરના ઉપયોગ સહિત મુસાફરી ખર્ચમાં રૂપિયા ૧૫ કરોડથી વધુનો ખર્ચ કર્યો હતો. પાર્ટીએ સામાન્ય પ્રચાર પાછળ ૧૬૦.૬૨ કરોડ રૂપિયા ખર્ચ્યા છે.
ભાજપે ગત વર્ષના ડિસેમ્બરમાં જંગી જીત સાથે રેકોર્ડ તોડ્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ૧૫૬ બેઠકો જીતીને ઐતિહાસિક જીત નોંધાવી હતી. આ પહેલા રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં માત્ર ભાજપ જ નહીં અન્ય કોઈ પક્ષે આટલી બેઠકો જીતી નથી. અગાઉ માત્ર કોંગ્રેસનો ૧૪૯ બેઠકોનો એક રેકોર્ડ હતો જે ભાજપે તોડી નાખ્યો હતો.
આ પહેલા ભાજપનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન વર્ષ ૨૦૦૨માં જાેવા મળ્યું હતું જ્યારે પાર્ટીએ ૧૮૨માંથી ૧૨૭ બેઠકો જીતી હતી. જાે કે ભાજપે ૨૦૦૭ વિધનાસભાની ચૂટણીમાં ૧૧૫, ૨૦૧૨ની ચૂંટણીમાં ૧૧૫ અને ૨૦૧૭ની ચૂંટણીમાં ૯૯ બેઠકો જીતી હતી.