Adani Group
અદાણી ગ્રુપ સાથે જોડાયેલા એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. અદાણી એન્ટરપ્રાઇઝિસની પેટાકંપની અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની જાળવણી, સમારકામ અને ઓવરહોલ (MRO) કંપની એર વર્ક્સમાં 85.8% હિસ્સો હસ્તગત કરવા માટે કરાર કર્યો છે. આ કરાર 23 ડિસેમ્બર 2024ના રોજ થયો હતો.
400 કરોડનો સોદો
આ અધિગ્રહણની કુલ કિંમત 400 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે. અદાણી ડિફેન્સ સિસ્ટમ્સ એન્ડ ટેક્નોલોજીસ લિમિટેડ (ADSTL) એ એર વર્ક્સ ઈન્ડિયા (એન્જિનિયરિંગ) પ્રાઈવેટ લિમિટેડ (AWIEPL) અને તેના વર્તમાન શેરધારકો સાથે શેર ખરીદી કરાર પર હસ્તાક્ષર કર્યા. કંપનીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)માં આ માહિતી આપી હતી.
અદાણી એરપોર્ટ્સના ડાયરેક્ટર જીત અદાણીએ જણાવ્યું હતું કે, “MRO સેક્ટરમાં અમારી હાજરી માત્ર એક વ્યૂહાત્મક ચાલ નથી, પરંતુ તે ભારતના ઉડ્ડયન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા છે. તેમણે એમ પણ કહ્યું કે આગામી વર્ષોમાં 1,500થી વધુ એરક્રાફ્ટ ભારતને ડિલિવર કરવામાં આવશે.
અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસનો ઉદ્દેશ્ય એક વ્યાપક એમઆરઓ સર્વિસ સિસ્ટમ બનાવવાનો છે જે વાણિજ્યિક અને સંરક્ષણ બંને ક્ષેત્રોની લાઇન, બેઝ, કમ્પોનન્ટ અને એન્જિનની જાળવણીની જરૂરિયાતોને પૂરી કરી શકે.
એર વર્ક્સ ભારતમાં અને વૈશ્વિક સ્તરે ઉડ્ડયન સેવાઓ પ્રદાન કરે છે. તેની સેવાઓમાં લાઇન મેન્ટેનન્સ, હેવી ચેક્સ, ઇન્ટિરિયર રિફર્બિશમેન્ટ, પેઇન્ટિંગ, રિડિલિવરી ચેક્સ, એવિઓનિક્સ અને એસેટ મેનેજમેન્ટનો સમાવેશ થાય છે. એર વર્ક્સ પાસે 1,300 કર્મચારીઓની મજબૂત ટીમ છે અને તે ફિક્સ્ડ-વિંગ અને રોટરી-વિંગ એરક્રાફ્ટની સર્વિસિંગમાં નિષ્ણાત છે.
અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ ભારતમાં સંરક્ષણ ઉત્પાદનોની ડિઝાઇન, વિકાસ અને ઉત્પાદન કરે છે. કંપની સ્ટાર્ટઅપ્સ અને MSME માટે એક મજબૂત ઇકોસિસ્ટમ પણ બનાવી રહી છે, જે સંરક્ષણ ઉદ્યોગમાં વૃદ્ધિ તરફ દોરી શકે છે.
સંપાદનથી લાભ
આ એક્વિઝિશન દ્વારા અદાણી ડિફેન્સ અને એરોસ્પેસ ભારતના ઉડ્ડયન ક્ષેત્રમાં તેની પકડ વધુ મજબૂત કરશે. આ પગલું અદાણીના ઉડ્ડયન ઉદ્યોગમાં નવા યુગની શરૂઆત કરી શકે છે અને ઉડ્ડયન સેવાઓ માટે નવી તકો ઊભી કરી શકે છે.
તમને જણાવી દઈએ કે, સોમવારના ટ્રેડિંગ સેશનમાં અદાણી એન્ટરપ્રાઇઝના શેર 0.13%ના ઘટાડા સાથે રૂ. 2,341.95 પર બંધ થયા હતા.