પંજાબમાં બુધવારે મહત્ત્વપૂર્ણ ભાખરા અને પોંગ ડેમના ગેટ ખોલી દેવાતા તોફાની બનેલી સતુલજ અને વ્યાસ નદીઓના કિનારે આવેલા સેંકડો ગામમાં પૂર આવી ગયું હતું. મૂશળધાર વરસાદને લીધે બંને જળશાયોમાં પાણીનો પ્રવાહ ચિંતાજનક રીતે વધી ગયો હતો. ગત ત્રણ દાયકામાં તેમના જળસંગ્રહ ક્ષેત્રો, ખાસ કરીને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ નોંધાયો હતો.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની ટીમ પૂરમાં ફસાયેલા લોકોને સુરક્ષિત કાઢવાનો પ્રયાસ કરી રહી છે. અધિકારીઓએ કહ્યું કે વરસાદ ધીમો પડવાથી બંને ડેમના પાણીના પ્રવાહમાં ઘટાડો નોંધાયો છે જે રાહતની વાત છે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાનની સિંચાઈની જરૂરિયાતને પૂરી કરવા માટે બંને ડેમમાં પાણીનું સ્તર ઘટાડવાના ઉદ્દેશ્યથી તેના ફ્લડ ગેટ ખોલી નખાયા છે.
ફ્લડ ગેટ ખોલવાને લીધે ખાસ કરીને પંજાબના રોપડ, આનંદપુર સાહિબ અને હોશિયારપુર, ફિરોજપુર જિલ્લા તથા હિમાચલના કાંગડા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પંજાબમાં એક મહિનામાં બીજી વખત ગામમાં પૂર આવ્યું છે. તેનાથી ખેતરોમાં પાકને માઠી અસર થઈ છે. બીજી બાજુ હિમાચલ પ્રદેશમાં તો અનેક જિલ્લામાં આભ ફાટવા, ભૂસ્ખલન અને પૂર જેવી ઘટનાઓને લીધે ઘણાં લોકોના મૃત્યુ થયા છે. ત્યારે બચાવ અભિયાન પણ મોટાપાયે ચાલી રહ્યું છે. તંત્ર દ્વારા શાળા કોલેજાે બંધ રાખવા માટે જ આદેશ આપવામાં આવ્યા હતા. બીજી બાજુ કુદરતી કહેરને લીધે હિમાચલ પ્રદેશને સૌથી વધુ નુકસાન થયું છેે. અહીં આવેલા શિમલા-કાલકા રેલવે ટ્રેક પણ તૂટી પડ્યો છે. જેના લીધે ઐતિહાસિક ટ્રેનની અવર-જવર અટકી ગઈ છે. આ રેલવે ટ્રેક હેરિટેજમાં ગણાય છે.