Bank of Baroda: ડાર્ક વેબ પર બેંક ઓફ બરોડાનો ડેટા લીક થવાના અહેવાલ, ગ્રાહકોએ તાત્કાલિક કરવા જેવા સુરક્ષાના ઉપાયો
ભારતની અગ્રણી જાહેર ક્ષેત્રની બેંક, બેંક ઓફ બરોડા (BoB) એક ગંભીર સાયબર અટેક અને ડેટા લીકની આશંકાને કારણે ચર્ચામાં આવી છે. તાજેતરના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક હેકરે ડાર્ક વેબ પર બેંકનો અંદાજે 1TB (ટેરાબાઈટ) જેટલો અત્યંત સંવેદનશીલ ડેટા મફતમાં લીક કરવાનો દાવો કર્યો છે.
હેકરના દાવા મુજબ, તેણે બેંકના મુખ્ય સર્વરમાંથી આ વિશાળ ડેટાની ચોરી કરીને તેને ઓનલાઇન ઉપલબ્ધ કરાવી દીધો છે, જ્યાંથી કોઈપણ વ્યક્તિ આ ડેટા ડાઉનલોડ કરીને તેનો ઉપયોગ કરી શકે છે. જો આ દાવો સાચો સાબિત થાય છે, તો લાખો ગ્રાહકોની નાણાકીય અને વ્યક્તિગત સુરક્ષા સામે મોટો ખતરો ઊભો થઈ શકે છે.

શું છે આ દાવો અને વર્તમાન સ્થિતિ?
રિપોર્ટ અનુસાર, લીક થયેલા ડેટામાં ગ્રાહકોના અંગત રેકોર્ડ્સ, ટ્રાન્ઝેક્શનની વિગતો, બેંકના આંતરિક દસ્તાવેજો, ઓડિટ રિપોર્ટ્સ અને કમ્પ્લાયન્સ રેકોર્ડ્સ સામેલ હોવાનું કહેવાય છે.
જોકે, આ સમાચાર લખાયા ત્યાં સુધી બેંક ઓફ બરોડા, ભારતીય રિઝર્વ બેંક (RBI) કે ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) દ્વારા આ સાયબર અટેક કે ડેટા લીકની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ જો આ ડેટા અસલી હશે, તો ગ્રાહકોને ફિશિંગ એટેક, આઈડેન્ટિટી થેફ્ટ (ઓળખની ચોરી) અને નાણાકીય ફ્રોડનો સામનો કરવો પડી શકે છે.
લીક થયેલા ડેટામાં કઈ-કઈ વિગતો સામેલ હોવાનો દાવો?
ડાર્ક વેબ પર પોસ્ટ કરવામાં આવેલી લિંક્સ અને માહિતિ અનુસાર, આ 1TB ડેટામાં દેશભરની વિવિધ શાખાઓમાંથી એકત્રિત કરાયેલી મહત્વપૂર્ણ માહિતિનો સમાવેશ થાય છે:
ગ્રાહકોની વ્યક્તિગત માહિતિ: ગ્રાહકોના નામ, મોબાઈલ નંબર અને સરકારી ઓળખપત્રોની વિગતો.
બેંકિંગ વિગતો: સેવિંગ્સ અને કરંટ એકાઉન્ટની ડિટેલ્સ તેમજ નેટબેંકિંગ વપરાશકર્તાઓની માહિતિ.
નાણાકીય દસ્તાવેજો: ગ્રાહકોના લોન દસ્તાવેજો, એનઆરઆઈ (NRI) બેંકિંગ રેકોર્ડ્સ અને કોર્પોરેટ બેંકિંગ સંબંધિત ફાઈલો.
બેંકની આંતરિક ફાઈલો: આંતરિક ઓડિટ રિપોર્ટ્સ, બ્રાંચ વિજિલન્સ તપાસ અને બેંકિંગ એપ સાથે જોડાયેલા સિક્યોરિટી ઓડિટ રિપોર્ટ્સ.
સરળ શબ્દોમાં કહીએ તો, જો તમે બેંક ઓફ બરોડાના ગ્રાહક છો, તો તમારી બેંકિંગ વિગતો આ લીક થયેલા ડેટામાં હોવાની શક્યતાને નકારી શકાય નહીં.

ગ્રાહકોએ તાત્કાલિક કરવા જેવા સુરક્ષાના ઉપાયો
જો તમારું એકાઉન્ટ આ બેંકમાં છે, તો સાયબર ફ્રોડથી બચવા માટે તમારે તાત્કાલિક નીચે મુજબના પગલાં ભરવા જોઈએ:
પાસવર્ડ બદલો: તમારી ઈન્ટરનેટ બેંકિંગ અને મોબાઈલ બેંકિંગ એપના લોગિન આઈડી અને પાસવર્ડ તાત્કાલિક બદલી નાખો.
બાયોમેટ્રિક્સ લોક કરો: વ્યક્તિગત ઓળખપત્રોની વિગતો સુરક્ષિત કરવા માટે સંબંધિત સત્તાવાર પોર્ટલ અથવા એપ (જેમ કે mAadhaar) પર જઈને તમારા બાયોમેટ્રિક્સ ડેટાને લોક કરો.
અજાણ્યા કોલ્સથી સાવધાન: કોઈ પણ સંશયાસ્પદ કોલ, SMS કે ઈમેઈલ પર વિશ્વાસ ન કરો, જેમાં સામે વાળી વ્યક્તિ પોતાને બેંકનો કર્મચારી ગણાવીને વિગતો માંગતી હોય. બેંક ક્યારેય પાસવર્ડ કે OTP માંગતી નથી.
એકાઉન્ટ સ્ટેટમેન્ટ તપાસતા રહો: તમારા બેંક એકાઉન્ટની નિયમિત તપાસ કરતા રહો જેથી કોઈ પણ અજાણ્યા ટ્રાન્ઝેક્શન કે શંકાસ્પદ પ્રવૃત્તિની તરત જ ખબર પડી શકે.
