Apple એ રજૂ કર્યું નવું સિક્યુરિટી અપડેટ: 29 સાયબર ખામીઓ દૂર, AI ની લેવાઈ મદદ
એપલે પોતાના આઇફોન, આઇપેડ અને મેક યુઝર્સની ડિવાઇસ સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ સિક્યુરિટી અપડેટ જાહેર કર્યું છે. કમ્પનીએ તાજેતરમાં જ iOS, iPadOS અને macOS માટે નવા અપડેટ્સ રોલઆઉટ કર્યા છે. આ નવા અપડેટ્સ રોલઆઉટ કરવા પાછળનો મુખ્ય હેતુ યુઝર્સના ડેટાની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને સિસ્ટમમાં રહેલી ક્ષતિઓને સુધારવાનો છે. ટેક રિપોર્ટ્સ અનુસાર, આ વર્ઝનમાં કુલ ૨૯ જેટલી ગંભીર સિક્યુરિટી ખામીઓને દૂર કરવામાં આવી છે. આ અપડેટની સૌથી ખાસ વાત એ છે કે તેમાંથી કેટલીક સુરક્ષા ક્ષતિઓની ઓળખ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની મદદથી કરવામાં આવી છે.

ત્રણ અઠવાડિયામાં ત્રીજું મોટું સિક્યુરિટી અપડેટ
એપલ તરફથી જાહેર કરવામાં આવેલું આ તાજેતરનું અપડેટ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. છેલ્લા લગભગ ત્રણ અઠવાડિયાના ટૂંકા ગાળામાં કમ્પની દ્વારા મોટો સિક્યુરિટી પેચ રોલઆઉટ કરવામાં આવ્યો હોય તેવી આ ત્રીજી ઘટના છે. આનાથી સ્પષ્ટ થાય છે કે ડિવાઇસ સુરક્ષા પ્રત્યે કમ્પની કેટલી ગંભીર છે. જો તમે પણ એપલ ડિવાઇસનો ઉપયોગ કરો છો, તો આ અપડેટને નજરઅંદાજ કરવું અથવા વિલંબ કરવો તમારા માટે જોખમી સાબિત થઈ શકે છે. કમ્પનીએ વિવિધ ઓપરેટિંગ સિસ્ટમ્સ માટે આ પેચ રજૂ કર્યા છે જેથી સંભવિત સાયબર હુમલાઓના તમામ રસ્તાઓ સમયસર બંધ કરી શકાય.
AI દ્વારા શોધવામાં આવી ૯ ગંભીર ખામીઓ
આ સિક્યુરિટી અપડેટમાં સૌથી રસપ્રદ બાબત એ છે કે કુલ ૨૯ સુરક્ષા ક્ષતિઓમાંથી ૯ ખામીઓની શોધ એઆઈ ટૂલ્સ દ્વારા કરવામાં આવી છે. આ ખામીઓને ઓળખવામાં OpenAI ટેકનોલોજીની મદદ લેવામાં આવી હતી. આ ઘટના એ વાતનો સ્પષ્ટ પુરાવા આપે છે કે હવે ડિજિટલ અને સાયબર સિક્યુરિટી ક્ષેત્રે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ભૂમિકા ખૂબ જ ઝડપથી વધી રહી છે અને તે જટિલ કોડિંગ સમસ્યાઓ શોધવામાં સફળ રહી છે.
વેબકિટ (WebKit) માં મળી સૌથી વધુ ક્ષતિઓ
અહેવાલો મુજબ, શોધાયેલી ૨૯ સિક્યુરિટી ખામીઓમાંથી ૨૧ ખામીઓ એકલા વેબકિટ (WebKit) સાથે જોડાયેલી હતી. આપને જણાવી દઈએ કે વેબકિટ એ એપલનું બ્રાઉઝર એન્જિન છે, જેનો ઉપયોગ સફારી (Safari) બ્રાઉઝર તેમજ અન્ય ઘણી ઇન-બિલ્ટ એપ્સ અને ફીચર્સમાં થાય છે. જો આ ખામીઓને સુધારવામાં ન આવી હોત, તો હેકર્સ અને સાયબર અપરાધીઓ યુઝર્સની અંગત માહિતી ચોરી કરવા માટે તેનો દુરુપયોગ કરી શક્યા હોત. કેટલાક કિસ્સામાં સફારી બ્રાઉઝર અચાનક ક્રેશ થઈ જવાની સમસ્યા પણ સર્જાતી હતી.

જૂના મોડેલ્સ માટે પણ વિશેષ સિક્યુરિટી સપોર્ટ
એપલે માત્ર નવા કે અદ્યતન ડિવાઇસ પૂરતું જ ધ્યાન કેન્દ્રિત નથી કર્યું, પરંતુ જે જૂના આઇફોન અને આઇપેડ મોડેલ્સમાં નવીનતમ ઓપરેટિંગ સિસ્ટમ સપોર્ટ નથી કરતી, તેમના માટે પણ અલગથી સિક્યુરિટી અપડેટ ઉપલબ્ધ કરાવ્યા છે. આ દર્શાવે છે કે કમ્પની પોતાના તમામ જૂના અને નવા ગ્રાહકોની ડિજિટલ સુરક્ષા પ્રત્યે સંપૂર્ણપણે કટિબદ્ધ છે.
યુઝર્સે તુરંત શું કરવું જોઈએ?
જો તમારા આઇફોન, આઇપેડ કે મેક ડિવાઇસમાં નવું અપડેટ નોટિફિકેશન દેખાઈ રહ્યું હોય, તો તેને વહેલી તકે ઇન્સ્ટોલ કરી લેવું હિતાવહ છે. એપલનું નવું અપડેટ ઇન્સ્ટોલ કરવા માટે સૌથી પહેલા ડિવાઇસના ‘Settings’ માં જાવ. ત્યાંથી ‘General’ ઓપ્શન પર ક્લિક કરો. ત્યારબાદ ‘Software Update’ નો વિકલ્પ જોવા મળશે, તેના પર ટેપ કરો. અહીં તમને ઉપલબ્ધ નવું અપડેટ દેખાશે. ‘Download and Install’ પર ક્લિક કરતા જ નવી સિક્યુરિટી સિસ્ટમ તમારા ડિવાઇસમાં સેટ થઈ જશે. આ અપડેટને ટાળવાથી તમારું ડિવાઇસ સાયબર હુમલાખોરોના નિશાના પર આવી શકે છે.
