Apple Upgrade Plan: હવે EMI વિના દર મહિને નાનો હપ્તો આપી વાપરો લેટેસ્ટ આઈફોન અને મેકબુક
એપલ (Apple) ના આઈફોન અને અન્ય ગેજેટ્સ પોતાની પ્રીમિયમ ક્વોલિટી અને સ્ટેટસ સિમ્બોલ માટે જાણીતા છે, પરંતુ તેમની ઊંચી કિંમતના કારણે તે સામાન્ય ગ્રાહકોના બજેટથી બહાર થઈ જાય છે. તાજેતરમાં ટેકનોલોજી અને ચિપસેટના ભાવ વધવાને કારણે એપલ પ્રોડક્ટ્સ વધુ મોંઘી થઈ છે. ગ્રાહકોની આ આર્થિક મુશ્કેલીનો ઉકેલ લાવવા માટે એપલ એક નવો ક્રાંતિકારી રસ્તો શોધ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, કંપની એક નવો ‘સબ્સ્ક્રિપ્શન-સ્ટાઈલ લીઝિંગ પ્રોગ્રામ’ (Leasing Program) શરૂ કરવા જઈ રહી છે, જેના હેઠળ ગ્રાહકો પૂરી કિંમત ચૂકવ્યા વિના આઈફોન અને અન્ય એપલ પ્રોડક્ટ્સ લીઝ (ભાડા) પર લઈ શકશે.

કેવી રીતે કામ કરશે એપલનો આ નવો ‘લીઝ’ પ્લાન?
એપલ પોતાના આ નવા પ્રોગ્રામની શરૂઆત અમેરિકાથી કરવા જઈ રહ્યું છે. આ પ્લાન કંપનીના જૂના ‘આઈફોન અપગ્રેડ પ્રોગ્રામ’ અને સામાન્ય ફાઈનાન્સિંગ ઓપ્શન્સનું સ્થાન લેશે.
EMI નહીં પણ ફિક્સ ભાડું: આ પ્રોગ્રામમાં ગ્રાહકોએ બેંકની પરંપરાગત EMI ચૂકવવાની રહેશે નહીં, પરંતુ તે એક પ્રકારના રેન્ટલ/લીઝ કરાર તરીકે કામ કરશે.
માસિક ચુકવણી: પ્રોગ્રામ હેઠળ પ્રોડક્ટ લેનાર ગ્રાહકે દર મહિને એક નક્કી કરેલી ફિક્સ રકમ (Monthly Fee) ચૂકવવાની રહેશે.
લીઝ પૂરી થયા પછીના વિકલ્પો: જ્યારે લીઝનો સમયગાળો પૂરો થઈ જશે, ત્યારે ગ્રાહક પાસે ત્રણ સ્પષ્ટ વિકલ્પો હશે: ૧. બાકીની રકમ ચૂકવીને તે ડિવાઈસ હંમેશા માટે પોતાની પાસે રાખી લેવું. ૨. ડિવાઈસ એપલ કંપનીને પરત કરી દેવું. ૩.જૂનું ડિવાઈસ પરત કરી નવા મોડેલ પર સ્વિચ કરવું (જેના માટે નવો કરાર કરવો પડશે).
આ ફાઈનાન્સિંગ સુવિધા પૂરી પાડવા માટે એપલે વૈશ્વિક ફિન્ટેક કંપની Klarna સાથે ભાગીદારી કરી છે. આ સુવિધા એપલના રિટેલ સ્ટોર્સ અને ઓનલાઈન પ્લેટફોર્મ બંને પર ઉપલબ્ધ થશે.

શું એપલની દરેક પ્રોડક્ટ લીઝ પર મળશે?
ના, એપલની દરેક પ્રોડક્ટ કે દરેક મોડેલ આ પ્રોગ્રામમાં સામેલ કરવામાં આવશે નહીં. કંપનીએ કેટલાક એન્ટ્રી-લેવલ અને ચોક્કસ મોડેલ્સને આ સબ્સ્ક્રિપ્શન પ્લાનથી બહાર રાખ્યા છે.
બહાર રખાયેલા પ્રોડક્ટ્સ: આઈફોન ૧૬, એન્ટ્રી-લેવલ આઈપેડ, એપલ વોચ SE અને મૅકબુક નિયા જેવા મોડેલ્સ આ લીઝિંગ પ્લાન હેઠળ ઉપલબ્ધ થશે નહીં.
લીઝનો સમયગાળો (Duration): પ્રોડક્ટની શ્રેણી મુજબ લીઝનો સમયગાળો અલગ-અલગ રહેશે. આઈફોન (iPhone) અને એપલ વોચ (Apple Watch) માટે ૨૪ મહિના (૨ વર્ષ) નો કરાર રહેશે, જ્યારે મૅકબુક (MacBook) અને આઈપેડ (iPad) માટે ૩૬ મહિના (૩ વર્ષ) નો એગ્રીમેન્ટ કરવાનો રહેશે.
એપલ કેર (AppleCare): નોંધનીય છે કે જૂના અપગ્રેડ પ્રોગ્રામથી વિપરીત આ નવા લીઝિંગ પ્લાનમાં ‘એપલ કેર’ સપોર્ટ ઈન-બિલ્ટ મળશે નહીં. ગ્રાહકોએ તેના વીમા અને મેઈન્ટેનન્સ માટે અલગથી ચુકવણી કરવી પડશે.
મોંઘવારીના સમયમાં એપલની નવી વ્યૂહરચના
એપલ આ યોજના એવા સમયે લોન્ચ કરી રહ્યું છે જ્યારે તેણે હાલમાં જ વૈશ્વિક સ્તરે કમ્પોનન્ટ્સ અને મેમરી ચિપ્સની અછતને કારણે પોતાના મૅકબુક અને આઈપેડના ભાવમાં નોંધપાત્ર વધારો કર્યો છે. આગામી સમયમાં લોન્ચ થનારા નવા આઈફોન મોડેલ્સ પણ ઊંચી કિંમતે લોન્ચ થાય તેવી શક્યતા છે.
આવી સ્થિતિમાં એકસાથે મોટી રકમ ખર્ચવા ન માગતા અથવા દર વર્ષે નવું મોડેલ વાપરવાના શોખીન ગ્રાહકો માટે આ લીઝિંગ મોડેલ અત્યંત આકર્ષક સાબિત થઈ શકે છે.
