AI: AI પર નિયંત્રણ રાખવું બનશે મુશ્કેલ? એન્થ્રોપિકનો ચોંકાવનારો રિપોર્ટ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની દુનિયામાં એક એવી ઘટના બની છે જેણે વૈશ્વિક ટેક જગતમાં હલચલ મચાવી દીધી છે. AI કંપની ‘એન્થ્રોપિક’ (Anthropic) એ એક ગંભીર ચેતવણી આપી છે, જે આવનારા સમયના જોખમો અને ટેકનોલોજીની અપરંપરાગત ગતિ તરફ ધ્યાન દોરે છે. કંપનીનું કહેવું છે કે, હવે AI માત્ર માણસો દ્વારા બનાવેલ એક સાધન નથી રહ્યું, પરંતુ તે પોતાની જાતને સુધારવા અને પોતાના કરતા વધુ શક્તિશાળી AI સિસ્ટમ બનાવવાની ક્ષમતા કેળવી રહ્યું છે. જો આ પ્રક્રિયા બેકાબૂ બનશે, તો ભવિષ્યમાં માનવજાત માટે AI પર નિયંત્રણ રાખવું એક મોટી ચિંતાનો વિષય બની શકે છે.

AI ની વધતી સ્વાયત્તતા: એક નવો તબક્કો
એન્થ્રોપિકના અહેવાલ મુજબ, આપણે એક એવી સ્થિતિ તરફ આગળ વધી રહ્યા છીએ જ્યાં AI ને પોતાના આગલા અને વધુ બુદ્ધિશાળી વર્ઝન બનાવવા માટે માનવીય હસ્તક્ષેપની જરૂર નહીં પડે. આ તર્કને પુષ્ટિ આપતા કંપનીએ એક ચોંકાવનારો આંકડો રજૂ કર્યો છે: મે ૨૦૨૬ સુધીમાં, એન્થ્રોપિકના પોતાના જ કોડબેઝનો ૮૦% થી વધુ હિસ્સો ‘ક્લાઉડ’ (Claude) AI દ્વારા જ લખવામાં આવ્યો હતો. આ આંકડો સ્પષ્ટ કરે છે કે સોફ્ટવેર ડેવલપમેન્ટ અને પ્રોગ્રામિંગમાં AI હવે એક સહાયક નહીં, પરંતુ એક સક્રિય નિર્માતા તરીકે ઉભરી આવ્યું છે.
વિકાસની ઝડપ અને સુરક્ષાના પડકારો
નિઃસંદેખ, AI ની આ ક્ષમતા માનવજાત માટે અકલ્પનીય ફાયદાઓ લાવી શકે છે. સ્વાસ્થ્ય સેવાઓ, જટિલ રોગો માટે નવી દવાઓની શોધ, અને વૈજ્ઞાનિક સંશોધનોમાં AI ની મદદ ક્રાંતિકારી સાબિત થઈ શકે છે. ફ્યુચર શિફ્ટ લેબ્સના કો-ફાઉન્ડર સાગર વિષ્ણોઈ જેવા ટેક નિષ્ણાતોનું માનવું છે કે, AI દ્વારા AI નું નિર્માણ ઇનોવેશનની ઝડપને અનેકગણી વધારી શકે છે. પરંતુ આ સિક્કાની બીજી બાજુ પણ છે. જેટલી વધુ શક્તિશાળી સિસ્ટમ બનશે, તેટલી જ વધુ જવાબદારી, સુરક્ષા અને નૈતિક માળખાની જરૂર પડશે. સાગર વિષ્ણોઈના મતે, હવે પડકાર AI બનાવવાનો નથી, પરંતુ તેને સુરક્ષિત અને માનવતાના હિતમાં નિયંત્રિત કરવાનો છે.

શું AI પર બ્રેક લગાવવી જરૂરી છે?
એન્થ્રોપિકે એક સૂચન આપ્યું છે જે વૈશ્વિક ટેક કંપનીઓ માટે વિચારવા જેવું છે. કંપનીએ સૂચવ્યું છે કે વિશ્વની ટોચની તમામ AI કંપનીઓએ એકજૂથ થઈને એક એવી મિકેનિઝમ બનાવવી જોઈએ કે જેનાથી જ્યારે જરૂર પડે ત્યારે સૌથી વધુ અત્યાધુનિક (Cutting-edge) AI ના વિકાસને કામચલાઉ ધોરણે રોકી શકાય. આ ‘પોઝ’ (Pause) બટનનો હેતુ સુરક્ષાના ધોરણો અને નિયમોને વધુ મજબૂત બનાવવાનો છે.
જોકે, આંતરરાષ્ટ્રીય રાજકારણ અને સ્પર્ધાની દ્રષ્ટિએ તમામ દેશો અને કંપનીઓને એકસાથે લાવવા એ એક અત્યંત મુશ્કેલ કાર્ય છે. દરેક દેશ પોતાની ટેકનિકલ શ્રેષ્ઠતા સાબિત કરવા માંગે છે, જે સુરક્ષાના નિયમોને ક્યારેક ગૌણ બનાવી દે છે.
