Air India: ટાટા ગ્રુપની કડક કાર્યવાહી: સ્મગલિંગ અને ટિકિટ સિસ્ટમના દુરુપયોગ બદલ કર્મચારીઓ પર એક્શન, CEO કેમ્પબેલ વિલ્સનનું કડક વલણ
ટાટા ગ્રુપની માલિકીની એરલાઇન કંપની એર ઈન્ડિયાએ છેલ્લા ત્રણ વર્ષમાં કાર્યસ્થળ પર નૈતિકતા અને શિસ્તના નિયમો (Ethical Breaches) ના ઉલ્લંઘન બદલ મોટી કાર્યવાહી કરી છે. કંપનીએ અત્યાર સુધીમાં 1000થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી દીધા છે. એર ઈન્ડિયાના CEO અને મેનેજિંગ ડિરેક્ટર કેમ્પબેલ વિલ્સને તાજેતરમાં કર્મચારીઓ સાથેની એક ટાઉનહોલ મીટિંગમાં આ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

કેવા પ્રકારના આરોપો હેઠળ થઈ કાર્યવાહી?
બિનનૈતિક વ્યવહારમાં સંડોવાયેલા આ કર્મચારીઓ પર અત્યંત ગંભીર આરોપો હતા. CEO વિલ્સને જણાવ્યું હતું કે, બરતરફ કરાયેલા કર્મચારીઓમાંથી કેટલાક વિમાન દ્વારા સામાનની તસ્કરી (Smuggling) માં સામેલ હતા. આ ઉપરાંત, ઘણા કર્મચારીઓ મુસાફરો પાસેથી વધારાના સામાન (Extra Baggage) માટે શુલ્ક લીધા વગર તેમને પરવાનગી આપતા હતા, જેના કારણે કંપનીને આર્થિક નુકસાન થતું હતું.
સૌથી મોટો મામલો ‘એમ્પ્લોયી લેઝર ટ્રાવેલ’ (ELT) સિસ્ટમના દુરુપયોગનો છે. આ સિસ્ટમ હેઠળ કર્મચારીઓને મુસાફરીની જે સુવિધા મળે છે, તેનો ખોટો ઉપયોગ કરવા બદલ 4000 થી વધુ કર્મચારીઓની તપાસ કરવામાં આવી હતી. તપાસના અંતે ઘણા પર દંડ લાદવામાં આવ્યો હતો, જ્યારે ગંભીર ગેરરીતિ બદલ અનેકને ઘરભેગા કરવામાં આવ્યા હતા.
કરોડોનું નુકસાન અને નાણાકીય કટોકટી
એર ઈન્ડિયાની આ કડક કાર્યવાહી એવા સમયે આવી છે જ્યારે કંપની ભારે આર્થિક દબાણ હેઠળ છે. એક અંદાજ મુજબ, નાણાકીય વર્ષ 2026 માં એર ઈન્ડિયા ગ્રુપને ₹22,000 કરોડથી વધુનું નુકસાન થવાની સંભાવના છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના કારણે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) એટલે કે વિમાનના બળતણના ભાવમાં પણ ધરખમ વધારો થયો છે. આ નાણાકીય ખાધને પૂરવા માટે કંપની કર્મચારીઓના વાર્ષિક ઈન્ક્રીમેન્ટ રોકવા અને બિનજરૂરી ખર્ચ ઘટાડવા જેવા આકરા પગલાં લઈ રહી છે.

ટાટા કોડ ઓફ કન્ડક્ટ: શિસ્ત સર્વોપરી
CEO કેમ્પબેલ વિલ્સને સ્પષ્ટ કર્યું હતું કે, “કર્મચારીઓએ ત્યારે પણ સાચો આચરણ રાખવો જોઈએ જ્યારે તેમના પર કોઈ નજર ન રાખી રહ્યું હોય.” એર ઈન્ડિયામાં હાલમાં લગભગ 24,000 કર્મચારીઓ છે. વિલ્સને દુઃખ સાથે જણાવ્યું કે ‘ટાટા કોડ ઓફ કન્ડક્ટ’ પર હસ્તાક્ષર કર્યા હોવા છતાં ઘણા કર્મચારીઓ તેનું પાલન કરી રહ્યા નથી. તેમણે ચેતવણી આપી છે કે શિસ્ત અને નૈતિકતા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન હવે સહન કરવામાં આવશે નહીં.
ટાટા ગ્રુપ દ્વારા એર ઈન્ડિયાનું સંચાલન સંભાળ્યા બાદ કંપનીને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે, પરંતુ આંતરિક ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ કંપનીની પ્રગતિમાં અવરોધ ઊભો કરી રહી છે.
