AI વાયરસથી મટાડી શકાશે અસાધ્ય રોગો? સ્ટેનફોર્ડના વૈજ્ઞાનિકોની નવી શોધે વિશ્વભરમાં મચાવી ચર્ચા
કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) ના ઉપયોગથી અત્યાર સુધી વિવિધ એપ્લિકેશન્સ, સોફ્ટવેર અને વેબસાઈટ્સ બનાવવામાં આવતી હતી, પરંતુ હવે વૈજ્ઞાનિકોએ AI ની મદદથી જીવંત વાયરસ (Living Viruses) તૈયાર કરીને વિજ્ઞાન જગતમાં નવો ઈતિહાસ રચ્યો છે. આ એવા વાયરસ છે જે પૃથ્વી પર અગાઉ ક્યારેય અસ્તિત્વમાં નહોતા.
સ્ટેનફોર્ડ યુનિવર્સિટી અને કેલિફોર્નિયાની આર્ક ઈન્સ્ટિટ્યૂટ (Arc Institute) ના સંશોધકોની ટીમે આ અકલ્પનીય સિદ્ધિ મેળવી છે. વિજ્ઞાનના ઈતિહાસમાં આ પ્રથમ વાર બન્યું છે કે કોઈ AI મોડેલે કોઈ જીવંત જીવનું સંપૂર્ણ ‘ઇન્સ્ટ્રક્શનલ મેન્યુઅલ’ (ડીએનએ કોડ) લખ્યું હોય. રાહતની વાત એ છે કે આ AI વાયરસ માત્ર બેક્ટેરિયા પર જ હુમલો કરે છે અને તે મનુષ્યો, પ્રાણીઓ કે વનસ્પતિઓને કોઈ નુકસાન પહોંચાડી શકતા નથી.

Evo-1 અને Evo-2 મોડેલ કેવી રીતે કામ કરે છે?
આ પ્રક્રિયામાં Evo 1 અને Evo 2 નામના આધુનિક AI મોડેલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મોડેલ્સના કામ કરવાની પદ્ધતિ AI ચેટબોટ જેવી જ છે. જે રીતે ચેટબોટ એ અંદાજ લગાવે છે કે વાક્યમાં આગળ કયો શબ્દ આવશે, તે જ રીતે Evo મોડેલ એ શોધી કાઢે છે કે DNA ની સાંકળમાં આગળ કયો કેમિકલ લેટર (જનીનિક અક્ષર) આવશે.
સંશોધકોની ટીમે આ મોડેલને કરોડો કુદરતી જીનોમ (Natural Genomes) પર ટ્રેન કર્યું હતું અને ત્યારબાદ તેને ΦX174 નામના જાણીતા વાયરસ પર કેન્દ્રિત કર્યું હતું. Evo મોડેલે હજારો સંભવિત ડીએનએ ડિઝાઇન આપી, જેમાંથી વૈજ્ઞાનિકોએ 300 પસંદ કરીને લેબોરેટરીમાં વાસ્તવિક DNA તૈયાર કર્યો હતો. પ્રયોગ દરમિયાન 16 AI વાયરસ બેક્ટેરિયાનો નાશ કરવામાં સફળ રહ્યા હતા.
વાયરસ જીવંત હોવાની ખબર કેવી રીતે પડી?
સંશોધકોએ જણાવ્યું કે એક સવારે જ્યારે તેમણે લેબની ‘પેટ્રી ડિશ’ (કાચની પ્લેટ) માં ઉછેરાઈ રહેલા બેક્ટેરિયા જોયા, ત્યારે તેમાં કેટલાક સ્પષ્ટ પારદર્શક દાગા (Clear Spots) જોવા મળ્યા. આવું ત્યારે જ થાય છે જ્યારે વાયરસ બેક્ટેરિયાને ચેપ લગાડીને તેને ખાઈ રહ્યો હોય.
આ સફળતા તબીબી ક્ષેત્રે મોટો બદલાવ લાવી શકે છે. આજકાલ ઘણા બેક્ટેરિયા પર એન્ટિબાયોટિક દવાઓની અસર થતી નથી (Antibiotic Resistance). આવા ખતરનાક ઈન્ફેક્શનને ઠીક કરવા માટે આ AI વાયરસનો ઉપયોગ ‘બેક્ટેરિયોફેજ થેરાપી’ તરીકે કરી શકાશે.
શું આ વાયરસ મનુષ્યો માટે જોખમી છે?
સંશોધકોએ આ વાયરસને માનવજાત માટે સંપૂર્ણપણે સુરક્ષિત રાખવા ખાસ કાળજી લીધી છે. AI મોડેલની ટ્રેનિંગમાં એવો કોઈ ડેટા ઉમેરવામાં આવ્યો નહોતો જે મનુષ્યોને નુકસાન પહોંચાડી શકે. તેથી આ AI મોડેલ માટે ‘માનવ રોગકારક’ (Human Pathogens) જેવી કોઈ વસ્તુ અસ્તિત્વ ધરાવતી જ નથી.

જોકે, વૈશ્વિક નિષ્ણાતો આ નવી શોધ અંગે ચિંતા પણ વ્યક્ત કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે હવે AI ની મદદથી જૈવિક વાયરસ બનાવવાની ક્ષમતા આવી ગઈ છે, પરંતુ તેને નિયંત્રિત કરવા માટે વૈશ્વિક સ્તરે કોઈ કડક નિયમો કે કાયદા ઉપલબ્ધ નથી.
સારવારના નવા દરવાજા ખુલશે અને સાથે સુરક્ષાના પડકારો
AI દ્વારા વાયરસ બનાવવાની આ ઘટનાને મેડિકલ ક્ષેત્રે એક ક્રાંતિકારી સિદ્ધિ માનવામાં આવે છે. આનાથી અસાધ્ય રોગોની નવી દવાઓ અને એન્ટિબાયોટિક્સ શોધવાની પ્રક્રિયા ઝડપી બનશે.
બીજી તરફ, સુરક્ષા નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે Evo મોડેલ ‘ઓપન સોર્સ’ (Open Source) છે, એટલે કે તેને ઈન્ટરનેટ પરથી કોઈ પણ ડાઉનલોડ કરી શકે છે. જો આ ટેકનોલોજી ખોટા હાથમાં જાય તો તેનો દુરુપયોગ થઈ શકે છે. જોકે, સંશોધક ટીમના મતે જટિલ અને મોટા વાયરસ બનાવવા હજુ પણ ખૂબ મુશ્કેલ છે. ભવિષ્યમાં આ ટેકનોલોજીનો ઉપયોગ માનવકલ્યાણ માટે જ થાય તે માટે કડક આંતરરાષ્ટ્રીય નિયમો બનાવવા જરૂરી બનશે.
