AI Chatbot: AI ચેટબોટ પ્રાઇવેસી સેટિંગ્સ: ChatGPT, Gemini અને Claude પર ડેટા કલેક્શન બંધ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત
આજના આધુનિક યુગમાં સ્માર્ટફોનની જેમ જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ચેટબોટ્સ પણ આપણા દૈનિક જીવનનો એક અવિભાજ્ય અંગ બની ગયા છે. સવારથી સાંજ સુધી ઘરના કામકાજ હોય, શાળા-કોલેજના પ્રોજેક્ટ્સ હોય કે ઓફિસની વ્યાવસાયિક કામગીરી, દરેક જગ્યાએ આ એઆઈ ચેટબોટ્સનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. ઘણા લોકો માટે તો આ ચેટબોટ્સ એક મિત્ર, શિક્ષક, માર્ગદર્શક કે પર્સનલ કોચની ભૂમિકા પણ ભજવી રહ્યા છે.

પરંતુ, ખૂબ જ ઓછા લોકો એ વાતથી વાકેફ છે કે જ્યારે તમે આ ચેટબોટ્સ સાથે વાતચીત કરો છો, ત્યારે તમારા દ્વારા શેર કરવામાં આવેલી અંગત માહિતી અને ડેટાનો ઉપયોગ આ એઆઈ મોડલ્સને વધુ સ્માર્ટ બનાવવા અને ભવિષ્યની તાલીમ (AI Training) માટે થઈ શકે છે. જો તમે તમારા ડેટાની પ્રાઇવેસીને લઈને ચિંતિત હોવ, તો અહીં કેટલીક એવી સરળ રીતો દર્શાવવામાં આવી છે જેના દ્વારા તમે તમારા ડેટાને એઆઈ ટ્રેનિંગમાં વપરાતો રોકી શકો છો.
ChatGPT માં ડેટા કલેક્શન કેવી રીતે બંધ કરવું?
જો તમે ઓપનએઆઈ (OpenAI) ના ચેટજીપીટીનો ઉપયોગ કરો છો, તો તમારા ડેટાને સુરક્ષિત રાખવા માટે નીચેના પગલાં અનુસરો:
૧. સૌથી પહેલા તમારા ChatGPT એકાઉન્ટમાં લોગ-ઇન (Sign-in) કરો.
૨. સ્ક્રીન પર દેખાતા તમારા પ્રોફાઇલ આઇકન પર ટેપ કરો અને સેટિંગ્સ (Settings) ઓપન કરો.
૩. સેટિંગ્સની અંદર તમને ડેટા કંટ્રોલ (Data Controls) નો વિકલ્પ જોવા મળશે, તેના પર ક્લિક કરો.
૪. અહીં તમારે ‘ઇમ્પ્રૂવ ધ મોડલ ફોર એવરીવન’ (Improve the model for everyone) ના ઓપ્શનને ટર્ન ઓફ (Disable) કરી દેવાનો રહેશે.
આ ઓપ્શન બંધ કર્યા પછી તમારી નવી વાતચીતનો ઉપયોગ ઓપનએઆઈના ભવિષ્યના મોડલ્સને ટ્રેન કરવા માટે નહીં થાય. આ જ સેક્શનમાં જઈને તમે તમારી જૂની ચેટ હિસ્ટ્રી પણ ડિલીટ કરી શકો છો. જોકે, યાદ રાખજો કે હિસ્ટ્રી ડિલીટ કરવાથી ચેટબોટ પાસે તમારી જૂની વાતોનો સંદર્ભ (Context) રહેશે નહીં.

Google Gemini માટે શું કરવું?
ગુગલ જેમિની પર તમારા ડેટાનું કલેક્શન રોકવા માટે તમારે બે અલગ-અલગ જગ્યાએ ફેરફાર કરવા પડશે:
માય એક્ટિવિટી પેજ દ્વારા: સૌથી પહેલા તમારા વેબ બ્રાઉઝરમાં
myactivity.google.comલિંક ઓપન કરો. ત્યાં જઈને તમારે ‘વેબ એન્ડ એપ એક્ટિવિટી’ (Web & App Activity) નો ઓપ્શન બંધ કરવો પડશે. આનાથી તમારો નવો ડેટા અને એપ એક્ટિવિટી એઆઈ ટ્રેનિંગ માટે વપરાતા બંધ થઈ જશે.જૂનો ડેટા ડિલીટ કરવા: જૂની એક્ટિવિટીને હટાવવા માટે ત્યાં આપેલા ‘ડિલીટ’ ઓપ્શન પર ટેપ કરી સમયગાળો (Time Range) પસંદ કરીને ડેટા સાફ કરી શકો છો. આ ઉપરાંત, તમે સીધા જેમિની એપ કે વેબસાઇટના સેટિંગ્સમાં જઈને પણ એક્ટિવિટી ઓફ કરી શકો છો.
Claude પાસે ડેટા જતા કેવી રીતે અટકાવવો?
જો તમે એન્થ્રોપિક (Anthropic) ના ક્લોડ (Claude) એઆઈ ચેટબોટનો વધુ ઉપયોગ કરતા હોવ, તો તેની પ્રાઇવેસી સેટિંગ્સમાં ફેરફાર કરીને ડેટા સુરક્ષિત કરી શકાય છે:
૧. ક્લોડમાં સાઇન-ઇન કરીને પ્રોફાઇલ આઇકન પર ક્લિક કરો.
૨. સેટિંગ્સ ઓપન કરી પ્રાઇવેસી (Privacy) સેક્શનમાં જાઓ. ૩. અહીં ‘હેલ્પ ઇમ્પ્રૂવ એઆઈ મોડલ્સ’ (Help improve AI models) ના ઓપ્શનને બંધ કરી દો.
તમે ચેટ સેક્શનમાં જઈને તમારી જૂની ચેટ્સ પણ મેન્યુઅલી ડિલીટ કરી શકો છો. તમારા દ્વારા ડિલીટ કરાયાના ૩૦ દિવસ પછી આ ચેટ્સ સિસ્ટમમાંથી કાયમી ધોરણે (Permanently) દૂર થઈ જાય છે.
શું મેટા એઆઈ (Meta AI) પર પણ ડેટા રોકી શકાય છે?
ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સએપમાં આવતા મેટા એઆઈ પર અન્ય ચેટબોટ્સની જેમ ડેટા કલેક્શન સીધું બંધ કરવાનો કોઈ સરળ ઓપ્શન ઉપલબ્ધ નથી. જોકે, તમે મેટાના પ્રાઇવેસી સેન્ટરમાં જઈને ડેટાનો ઉપયોગ ન કરવા માટેની ‘પ્રાઇવેસી રિક્વેસ્ટ’ (Privacy Request) સબમિટ કરી શકો છો.
મહત્વની ટીપ: તમારા પર્સનલ ડેટા પ્રોટેક્શન માટે તમારા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટ્સને ‘પ્રાઇવેટ’ (Private) રાખવા વધુ હિતાવહ છે, જેથી તમારી પબ્લિક પોસ્ટ્સ અને કન્ટેન્ટનો ઉપયોગ એઆઈ મોડલને ટ્રેન કરવા માટે આપોઆપ ન થઈ શકે.
