IT sector : નાણાકીય વર્ષ 2023-24માં દેશની ત્રણ સૌથી મોટી ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) કંપનીઓ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ, ઇન્ફોસિસ અને વિપ્રોમાં લગભગ 64,000 કર્મચારીઓની ઘટાડો કરવામાં આવ્યો છે. વિશ્વભરમાં નબળી માંગ અને ગ્રાહકો દ્વારા ટેક્નોલોજી ખર્ચમાં ઘટાડો થવાને કારણે આ કંપનીઓમાં કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.
શુક્રવારે તેના ચોથા ક્વાર્ટરના નાણાકીય પરિણામોની જાહેરાત કરતી વખતે, વિપ્રોએ જણાવ્યું હતું કે તેના કર્મચારીઓની સંખ્યા માર્ચ 2024 સુધીમાં ઘટીને 2,34,054 થઈ ગઈ છે, જે એક વર્ષ અગાઉના સમાન મહિનાના અંતે 2,58,570 હતી. આ રીતે માર્ચ 2024માં પૂરા થયેલા નાણાકીય વર્ષ દરમિયાન કંપનીના કર્મચારીઓની સંખ્યામાં 24,516નો ઘટાડો થયો છે.
વિપ્રોના ચીફ હ્યુમન રિસોર્સ ઑફિસર સૌરભ ગોવિલે જણાવ્યું હતું કે હેડકાઉન્ટમાં ઘટાડો મુખ્યત્વે બજાર અને માંગની સ્થિતિ તેમજ ઓપરેશનલ કાર્યક્ષમતાને કારણે થયો હતો. વૈશ્વિક મેક્રોઇકોનોમિક અનિશ્ચિતતાઓ અને ભૌગોલિક રાજકીય વધઘટને કારણે ભારતનો IT સેવાઓ ઉદ્યોગ દબાણ અનુભવી રહ્યો છે.
ઇન્ફોસિસ અને ટીસીએસમાં પણ કર્મચારીઓમાં ઘટાડો થયો છે.
દેશની બીજી સૌથી મોટી IT સેવાઓ નિકાસકાર ઇન્ફોસિસે જણાવ્યું હતું કે માર્ચ 2024ના અંતે તેની કુલ કર્મચારીઓની સંખ્યા 317,240 હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 343,234 હતી. આ રીતે કંપનીના કર્મચારીઓની સંખ્યામાં 25,994નો ઘટાડો થયો છે. દેશની સૌથી મોટી IT કંપની TCSમાં કર્મચારીઓની સંખ્યામાં પણ 13,249નો ઘટાડો થયો છે અને ગયા નાણાકીય વર્ષના અંતે તેની પાસે કુલ 601,546 કર્મચારીઓ હતા.