અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલ અકસ્માત બાદ રાજ્યમાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે અને જુદા જુદા શહેરોમાં ટ્રાંફિક દ્વારા શરૂ કરાઈ છે. આવી સ્થિતિ વચ્ચે પોલીસે ટૂંકાગાળામાં નિયમભંગ બદલ ૧૫ હજારથી વધુ કેસ પણ કર્યા છે. છતાં પણ અમુક વાલીઓ સુધરવાનું નામ લેતા નથી. સગીરોને આડેધડ વાહન ચલાવવા આપી દેતા હોય છે. ત્યારે સુરતમાંથી વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં બાઈક પર ૩ સગીર જાેખમી રિતે સવારી કરી રહ્યા છે. જે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. રાજ્યમાં અકસ્માતની વણઝાર વચ્ચે સુરતમાં એક બાઈક પર ત્રણ સગીરનો વીડિયો સામે આવ્યો છે. વાયરલ વીડિયોમાં સગીર પૂરઝડપે બાઈક હંકારતો જાેવા મળી રહ્યો છે અને બાઈક પર અન્ય ૨ પણ સગીર વયના જ સવાર હોવાનું દ્રશ્યમાન થઈ રહ્યું છે.
જેને લઈને જાેખમી સવારી દરમિયાન કોઈ મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ તેવા લોકોમાં સવાલ ઉભા થયા છે. આ બાબતે વાલીઓ જાગૃત બને તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે. અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત ઘટના બાદ સુરત શહેર ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે. સુરતમાં ઓવરસ્પીડમાં વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહી કરતા છેલ્લા ૧૪ દિવસમાં ૧૩ હજારથી વધુ કેસ કર્યા છે. જેમાં ડ્રિંક એન્ડ ડ્રાઇવના ૩૨૭ કેસ કરીને ૧૯૧ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. તો બીજી તરફ ભયજનક રીતે વાહન ચલાવવા મામલે ૩ હજાર ૩૮૯ કેસ કર્યા છે. આમ સુરતમાં હવે નશો કરીને બેફામ ડ્રાઇવિંગ કરનારા સામે પોલીસે તવાઇ બોલાવી છે.