શુક્રવારે મુંબઈ અને દિલ્હી એરપોર્ટ પર બોમ્બ વિસ્ફોટના ધમકીભર્યા કોલ કરવા બદલ પુડુચેરીમાંથી એક યુટ્યુબરની ધરપકડ કરવામાં આવી છે. ફોન કરનારે પોતાને ફક્ત ‘પરીખ’ તરીકે ઓળખાવ્યો હતો, તેણે બપોરે ૩.૩૦થી ૯ વાગ્યાની વચ્ચે બંને એરપોર્ટને ઉડાવી દેવાની ચેતવણી આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે ફોન કરનારે દાવો કર્યો હતો કે વિસ્ફોટ દેશની લોકશાહી અને સાંપ્રદાયિક સંવાદિતાને ખલેલ પહોંચાડશે. આ કોલ શુક્રવારે બપોરે ૩.૧૯ કલાકે કરવામાં આવ્યો હતો.
સહાર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ હજુ એ જાણવાનું બાકી છે કે ધરપકડ કરાયેલો યુવક જતીન પ્રજાપતિ (૧૯)એ શા માટે કોલ કર્યા હતા. ધોરણ ૧૦ પાસ આઉટ, આરોપીએ દાવો કર્યો કે તે આવકના અભાવે આર્થિક સંકટમાં હતો અને હતાશ હતો. આરોપીને મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને એક દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો.
પૂછપરછમાં પ્રજાપતિએ પોલીસને જણાવ્યું કે, તે તેના ફોન પર આવી રહેલા મેસેજ પાસ કરી રહ્યો હતો. આ અંગે પોલીસે કહ્યું કે, તેના ફોનમાં આવા કોઈ મળ્યા નથી. કોલ ડિટેલ્સ મેળવવા ફોનને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો છે.
આ દરમિયાન મુંબઈ પોલીસને હરિયાણામાંથી પણ બપોરે ૩.૩૦ વાગ્યાની આસપાસ મળેલા ધમકીભર્યા કોલ વિશે માહિતી મળી હતી. પોલીસના ડેપ્યુટી કમિશનર દીક્ષિત ગેડમે જણાવ્યું હતું કે તેમને જાણવા મળ્યું છે કે પુડુચેરી સ્થિત એક જ મોબાઈલ નંબર પરથી મુંબઈ અને હરિયાણામાં કોલ કરવામાં આવ્યા હતા. મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ કોન્ટેક્ટ સેન્ટર કે જેને કોલ મળ્યો તેણે સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સને જાણ કરી જેણે તેમની બોમ્બ ધમકી પેનલની સલાહ લીધી અને એરપોર્ટ પરિસરને સ્કેન કર્યા પછી સહાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ સમગ્ર મામલે આરોપીની આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે. જેમાં ચોંકાવનારા ખુલાસાઓ થાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ આવા અનેક બનાવ સામે આવ્યા છે, જેમાં એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી.