એરબસના A321neo વિમાનોમાં ટેકનિકલ ખામી: ફ્લાઇટ્સ ચાલુ રહેશે, જાણો ગ્રાહકો પર શું પડશે અસર
વિમાન નિર્માતા કંપની એરબસ (Airbus)ના લોકપ્રિય A321neo મોડેલમાં ફ્યુઝલેજની સરફેસ પ્રોટેક્શન કોટિંગ (Surface Protection Coating) સાથે જોડાયેલી એક ટેકનિકલ ક્વોલિટીની ખામી સામે આવી છે. અહેવાલો મુજબ, વિશ્વભરમાં લગભગ ૫૦૦ જેટલા A321neo વિમાનો આ સમસ્યાથી અસરગ્રસ્ત હોવાની આશંકા છે, જેમાં ભારતીય એરલાઇન ઇન્ડિગો (IndiGo)ના આશરે ૧૨ વિમાનોનો પણ સમાવેશ થાય છે. જોકે, એરબસે સ્પષ્ટતા કરી છે કે આ ફ્લાઇટ સુરક્ષા સાથે જોડાયેલી સમસ્યા નથી.

શું છે ફ્યુઝલેજ કોટિંગની સમસ્યા?
એરબસ દ્વારા કરવામાં આવેલી નિયમિત તપાસ દરમિયાન વિમાનના ફ્યુઝલેજ (શરીર)ના નીચેના આગળના ભાગમાં વપરાતા કેટલાક સ્પેરપાર્ટ્સની સરફેસ પ્રોટેક્શનમાં ખામી જોવા મળી હતી.
સરળ ભાષામાં સમજીએ તો, વિમાનના વિવિધ ધાતુના ભાગોને કટાણ (Rusting), ભેજ અને વાતાવરણના અન્ય નુકસાનથી બચાવવા માટે તેના પર એક ખાસ રક્ષણાત્મક કોટિંગ કરવામાં આવે છે. આ પ્રોટેક્ટિવ કોટિંગ નિર્ધારિત ગુણવત્તાના ધોરણો મુજબ નહોતું લાગ્યું. એરબસે જણાવ્યું છે કે આ ખામીનું મુખ્ય કારણ શોધી લેવામાં આવ્યું છે અને હવે ઉત્પાદન પ્રક્રિયામાં તેને સુધારી દેવાયું છે.
૫૦૦ વિમાનો અસરગ્રસ્ત: ઇન્ડિગોના ૧૨ પ્લેન સામેલ
ઉપલબ્ધ વિગતો મુજબ, આ ક્વોલિટી સમસ્યાની અસર વિશ્વભરમાં અંદાજે ૫૦૦ એરબસ A321neo વિમાનો પર થઈ શકે છે. આમાંથી કેટલાંક વિમાનો એરલાઇન્સને સોંપી દેવામાં આવ્યા છે અને હાલ સેવામાં છે, જ્યારે કેટલાંક વિમાનો હજુ ઉત્પાદનના અલગ-અલગ તબક્કામાં છે.
એરલાઇન વર્તુળોના જણાવ્યા અનુસાર, ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોના લગભગ ૧૨ વિમાનો આ યાદીમાં આવી શકે છે. જોકે, આ આંકડા અંગે એરબસ કે ઇન્ડિગો દ્વારા હજુ સુધી કોઈ અલગથી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

સુરક્ષા સામે કોઈ ખતરો નથી: એરબસ
એરબસે આ બાબતને “ક્વોલિટી ઇશ્યૂ, નોટ અ સેફ્ટી ઇશ્યૂ” (ગુણવત્તા સંબંધિત મુદ્દો, સુરક્ષાનો ખતરો નહીં) ગણાવ્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ ખામીને કારણે અસરગ્રસ્ત A321neo વિમાનોને તાત્કાલિક ધોરણે ગ્રાઉન્ડ કરવાની કે ઉડાન ભરતા રોકવાની કોઈ જરૂર નથી.
બધા વિમાનો પોતાની નિર્ધારિત ફ્લાઇટ શેડ્યૂલ મુજબ સુરક્ષિત રીતે ઉડાન ચાલુ રાખી શકે છે. હાલમાં પ્લાન્ટમાં નવી પ્રક્રિયા હેઠળ તૈયાર થઈ રહેલા વિમાનો તમામ સુરક્ષા અને ગુણવત્તાના માપદંડો પૂર્ણ કરે છે.
વિમાનના ભાગો ખોલવાની જરૂર નહીં પડે
આ ટેકનિકલ ખામીને સુધારવા માટે વિમાનના ફ્યુઝલેજના મુખ્ય ભાગોને અલગ કરવા કે સ્ટ્રિન્ગર્સ (Stringers)ને હટાવવાની કોઈ જરૂર રહેશે નહીં. એરબસે સ્પષ્ટ કર્યું છે કે નિર્ધારિત ટેકનિકલ પ્રોટોકોલ મુજબ વિમાન જે તે જગ્યાએ હોય ત્યાં જ જરૂરી રિપેરિંગ કે રીવર્ક (Rework) કરી શકાય છે. આ કામ પૂર્ણ થયા બાદ વિમાન તેની મૂળ ડિઝાઇનની સ્થિતિમાં આવી જશે.
મુસાફરો અને ફ્લાઇટ શેડ્યૂલ પર શું અસર પડશે?
હાલના તબક્કે આ સમસ્યાને કારણે સામાન્ય હવાઈ મુસાફરો કે ફ્લાઇટના સમયપત્રક પર કોઈ તાત્કાલિક અસર પડવાની શક્યતા નથી. કારણ કે વિમાનોને સેવામાંથી હટાવવાના નથી, એરલાઇન્સ કંપનીઓ પોતાના નિયમિત મેઇન્ટેનન્સ (રખાપખાવ) શેડ્યૂલ દરમિયાન જ આ વિમાનો પર જરૂરી સુધારો કે રીવર્કનું કામ પૂર્ણ કરી શકશે. આથી મુસાફરો માટે ઉડાન સેવાઓ સામાન્ય રીતે ચાલુ રહેશે.
