પુણેમાં સાયબર ઠગોનો આતંક: ૧૩૬ કિસ્સાઓમાં વરિષ્ઠ નાગરિકો બન્યા ડિજિટલ અરેસ્ટનો ભોગ
દેશભરમાં ટેકનોલોજીના વ્યાપ સાથે સાયબર ગુનાખોરીના પ્રમાણમાં ચિંતાજનક વધારો થયો છે. ખાસ કરીને ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે લોકોને ડરાવી-ધમકાવીને લૂંટવાની નવી મોડસ ઓપરેન્ડી સાયબર ઠગો માટે કમાણીનું સાધન બની ગઈ છે. મહારાષ્ટ્રના પુણે શહેરમાંથી સામે આવેલા આંકડા અત્યંત ચોંકાવનારા છે, જ્યાં છેલ્લા ૧૯ મહિનાના ટૂંકા ગાળામાં જ ડિજિટલ અરેસ્ટની જાળમાં ફસાવીને સાયબર ગલત તત્વોએ રૂ. ૧૦૦ કરોડથી વધુની રકમ પડાવી લીધી છે. આ પ્રકારની ઠગાઈનો સૌથી વધુ ભોગ વરિષ્ઠ નાગરિકો (સીનિયર સિટીઝન્સ) બની રહ્યા છે.

૧૩૬ કિસ્સાઓ અને કરોડોનું નુકસાન
પુણે સાયબર પોલીસના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી ૨૦૨૫ થી જૂન ૨૦૨૬ સુધીના સમયગાળામાં ડિજિટલ અરેસ્ટના કુલ ૧૩૬ જેટલા કિસ્સાઓ નોંધાયા છે. સાયબર ઠગોનો હુમલો એટલી હદે વધી ગયો છે કે સમગ્ર ૨૦૨૫ના વર્ષ દરમિયાન જેટલી રકમ લોકોએ ગુમાવી હતી, તેટલી જ રકમ ૨૦૨૬ના માત્ર શરૂઆતના ૭ મહિનામાં જ લોકો ગુમાવી ચૂક્યા છે.
વર્ષ ૨૦૨૫માં ડિજિટલ અરેસ્ટના ૮૫ બનાવો સામે આવ્યા હતા, જેમાં નાગરિકોને રૂ. ૫૩.૫૨ કરોડનું આર્થિક ફટકો પડ્યો હતો. જ્યારે વર્ષ ૨૦૨૬ના માત્ર ૭ મહિનાના ગાળામાં ૫૧ બનાવો નોંધાઈ ચૂક્યા છે, જેમાં લોકોએ રૂ. ૪૬.૨૭ કરોડ ગુમાવવાનો વારો આવ્યો છે. આ આંકડા દર્શાવે છે કે સાયબર ભયાનક રીતે વધુ આક્રમક બન્યા છે.
વરિષ્ઠ નાગરિકો સરળ નિશાન
ડિજિટલ અરેસ્ટના મોટાભાગના કિસ્સાઓમાં નિવૃત્ત અને એકલા રહેતા વરિષ્ઠ નાગરિકોને ટાર્ગેટ કરવામાં આવે છે. પુણેમાં નોંધાયેલા કેસોમાં સૌથી મોટો કિસ્સો એક ૮૨ વર્ષના બુઝુર્ગનો છે, જેમની પાસેથી સાયબર ઠગોએ રૂ. ૧૦.૭૫ કરોડ સરી લીધા હતા. આ ફ્રોડ ૨૩ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન થયો હતો. ઉત્તર ભારતથી ૧૫ વર્ષ પહેલાં પુણેમાં સ્થાયી થયેલા આ બુઝુર્ગે પોતાની જીવનભરની કમાણી, બચત અને ફિક્સ ડિપોઝિટ (FD) ની તમામ રકમ ગુમાવવી પડી હતી.
આવો જ બીજો કિસ્સો મે ૨૦૨૬માં સામે આવ્યો હતો, જેમાં ૮૭ વર્ષના એક નિવૃત્ત એક્ઝિક્યુટિવને સાયબર ઠગોએ રૂ. ૩.૪૬ કરોડનો ચૂનો લગાવ્યો હતો. આ કિસ્સામાં ઠગોએ સીબીઆઈ (CBI) ના નકલી અધિકારી બનીને ફોન કર્યો હતો અને વૃદ્ધને મની લોન્ડરિંગના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને સમગ્ર રકમ પડાવી લીધી હતી.

કેવી રીતે થાય છે ‘ડિજિટલ અરેસ્ટ’?
આ પ્રકારની ઠગાઈમાં ફ્રોડસ્ટર્સ પોતાને સીબીઆઈ, મુંબઈ પોલીસ, કસ્ટમ્સ કે ટેલિકોમ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ તરીકે ઓળખાવે છે. તેઓ ભોગ બનનારને વિડીયો કોલ (જેમ કે વોટ્સએપ કે સ્કાયપ) કરવા મજબૂર કરે છે અને બેકગ્રાઉન્ડમાં નકલી પોલીસ સ્ટેશન કે સરકારી ઓફિસ જેવું સેટઅપ ઊભું કરે છે.
ત્યારબાદ તેઓ એવો દાવો કરે છે કે નાગરિકના નામે મોકલેલા પાર્સલમાં ડ્રગ્સ, નકલી પાસપોર્ટ કે ગેરકાયદેસર સામાન મળ્યો છે અથવા તેમના એકાઉન્ટનો ઉપયોગ મની લોન્ડરિંગમાં થયો છે. જેલ ભેગા કરી દેવાની ધમકી આપીને તેઓ વ્યક્તિને માનસિક રીતે ડરાવી દે છે અને ડિજિટલ રીતે ‘અરેસ્ટ’ કરી લે છે, એટલે કે વિડીયો કોલ બંધ ન કરવા દેતાં સતત નજર હેઠળ રાખે છે અને નિર્દોષ સાબિત થવાના નામે ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરાવી લે છે.
પુણે સાયબર પોલીસે સામાન્ય નાગરિકો અને ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને અત્યંત સાવધ રહેવાની અપીલ કરી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે દેશની કોઈ પણ કાયદાકીય એજન્સી, સીબીઆઈ કે પોલીસ ક્યારેય પણ વિડીયો કોલ પર કોઈની ધરપકડ કરતી નથી કે નાણાંની માંગણી કરતી નથી.
કોઈપણ અજાણ્યા વ્યક્તિ સાથે ફોન કે વિડીયો કોલ પર પોતાની અંગત કે બેંકિંગ વિગતો શેર ન કરવી. જો કોઈ વ્યક્તિ પોતાને સરકારી અધિકારી બતાવીને ધમકાવે, તો ગભરાયા વગર તુરંત જ નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અથવા ૧૯૩૦ સાયબર હેલ્પલાઈન પર ફરિયાદ નોંધાવવી.
