I4C ની નવી એડવાઈઝરી: પ્લે સ્ટોર બહારથી ડાઉનલોડ કરેલી APK ફાઈલોથી રહો સાવધાન, સાયબર ઠગો કરી રહ્યા છે ડેટા ચોરી
આજના આધુનિક ડિજિટલ યુગમાં જ્યાં એક તરફ બેંકિંગથી લઈને તમામ જરૂરિયાતો સ્માર્ટફોન અને ઈન્ટરનેટ દ્વારા આંગળીના ટેરવે ઉપલબ્ધ છે, ત્યાં બીજી તરફ સાયબર અપરાધીઓ પણ આ જ ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકોના બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે. તાજેતરમાં સાયબર ઠગો દ્વારા નકલી અને ખતરનાક એન્ડ્રોઈડ એપ્સ (Malware Apps) બનાવીને યુઝર્સના ફોનનો સંપૂર્ણ કંટ્રોલ મેળવવામાં આવી રહ્યો છે. યુઝરની જાણ બહાર કે મંજૂરી વગર તેના એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરી લેવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે.

આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) હેઠળ કાર્યરત ‘ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર’ (I4C) દ્વારા દેશના તમામ એન્ડ્રોઈડ યુઝર્સ માટે એક મહત્વપૂર્ણ એડવાઈઝરી (સાવચેતીનો સંદેશ) જાહેર કરવામાં આવી છે.
I4C અને NCTAU નો નવો ખુલાસો
I4C ની ‘નેશનલ સાયબર ક્રાઇમ થ્રેટ એનાલિટિક્સ યુનિટ’ (NCTAU) એ જણાવ્યું છે કે આવા ખતરનાક એન્ડ્રોઈડ એપ્સ દ્વારા થતા નાણાકીય ફ્રોડના કિસ્સાઓમાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો છે. આ એપ્સનું પ્રમોશન અને પ્રચાર મુખ્યત્વે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર દેખાતી આકર્ષક કે લોભામણી જાહેરાતો (Ads) દ્વારા કરવામાં આવે છે.
ગૃહ મંત્રાલય દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલી એડવાઈઝરીમાં ૭ અતિ ખતરનાક એપ્સની ઓળખ કરવામાં આવી છે, જે યુઝર્સના ડેટા અને પૈસાની ચોરી કરી રહી છે. આ એપ્સના નામ નીચે મુજબ છે: ૧. Night Play
૨. Reloop
૩. Kyss
૪. Vimo
૫. Rivo
૬. Nexo
૭. Vixa
સાયબર એજન્સીઓના જણાવ્યા મુજબ, આ એપ્સ સિવાય અન્ય કેટલાક નવા અને સમાન નામ ધરાવતા નકલી વેરિઅન્ટ્સ પણ ઇન્ટરનેટ પર સક્રિય હોઈ શકે છે.
કેવી રીતે ફસાવે છે આ સાયબર ઠગ? (Modus Operandi)
ગૃહ મંત્રાલયની એડવાઈઝરી મુજબ, સાયબર ગુનેગારો યુઝર્સને પોતાની જાળમાં ફસાવવા માટે ખૂબ જ ચાલાક પદ્ધતિ અપનાવે છે:
લોભામણી જાહેરાતો: યુઝર્સને સૌથી પહેલા સોશિયલ મીડિયા પર દેખાતી એડ્સ દ્વારા આકર્ષવામાં આવે છે, જે તેમને અડલ્ટ અથવા અનધિકૃત કન્ટેન્ટ ધરાવતી વેબસાઈટ્સ પર લઈ જાય છે.
APK ફાઈલ ડાઉનલોડ: ગૂગલ પ્લે સ્ટોરના બદલે આ વેબસાઈટ્સ પરથી યુઝર્સને થર્ડ-પાર્ટી APK (Android Package Kit) ફાઈલ ડાઉનલોડ કરવા માટે પ્રેરિત કરવામાં આવે છે.
સંવેદનશીલ પરમિશન મેળવવી: એકવાર આ એપ ફોનમાં ઈન્સ્ટોલ થઈ જાય, પછી તે યુઝર પાસે કેમેરા, ગેલેરી, એસએમએસ અને ખાસ કરીને ‘એક્સેસિબિલિટી પરમિશન’ (Accessibility Access) માંગે છે.

જેવા યુઝર્સ આ પરમિશન આપે છે, તેવો જ આ માલવેર (વિષાણુ) ફોન પર પૂરો કંટ્રોલ મેળવી લે છે અને બેકગ્રાઉન્ડમાં સતત એક્ટિવ રહીને OTP, બેંકિંગ પાસવર્ડ અને વ્યક્તિગત ડેટા સાયબર ઠગો સુધી પહોંચાડે છે.
આ માલવેર એપ્સથી કેવી રીતે બચવું?
૧. માત્ર પ્લે સ્ટોરનો જ ઉપયોગ કરો: કોઈપણ એપ હંમેશાં અધિકૃત ‘Google Play Store’ પરથી જ ડાઉનલોડ કરો. ક્યારેય પણ અજાણી વેબસાઈટ કે લિંક પરથી APK ફાઈલ ડાઉનલોડ કરશો નહીં.
૨. અજાણી લિંક્સ પર ક્લિક ન કરો: સોશિયલ મીડિયા કે મેસેજમાં મળતી લોભામણી અથવા અશ્લીલ કન્ટેન્ટ વાળી લિંક્સ ખોલવાથી બચો.
૩. પરમિશન તપાસો: કોઈપણ એપ ઈન્સ્ટોલ કરતી વખતે તે ‘Accessibility Services’ કે SMS વાંચવાની પરમિશન માંગે તો તુરંત સાવધાન થઈ જાઓ.
૪. તુરંત અનઈન્સ્ટોલ કરો: જો તમારા ફોનમાં ઉપર દર્શાવેલ ૭ એપ્સમાંથી કોઈ પણ એપ ઈન્સ્ટોલ હોય, તો તેને તુરંત અનઈન્સ્ટોલ કરો અને બેંકિંગ પાસવર્ડ બદલી નાખો.
