ભક્તિમાં ભાન ભૂલ્યા? અયોધ્યા ટ્રસ્ટને આપ્યો ₹4 કરોડનો ચેક, એકાઉન્ટમાં બેલેન્સ જ ન નીકળ્યું
અયોધ્યામાં અયોધ્યાપતિ શ્રીરામલલાના દર્શને પહોંચેલી એક મહિલા શ્રદ્ધાળુનો કિસ્સો હાલ ભારે ચર્ચામાં આવ્યો છે. કહેવત છે કે ‘તેતે પાંવ પસારીએ, જેતે ચા દર હોએ’ એટલે કે માણસે પોતાના ગજા અને ક્ષમતા મુજબ જ વ્યવહાર કરવો જોઈએ. પરંતુ ચેન્નઈની એક મહિલાએ પોતાની આર્થિક સ્થિતિ વિચાર્યા વગર એવું પગલું ભર્યું કે જેને કારણે તે હવે મોટી કાનૂની મુશ્કેલીમાં ફસાય તેવી શક્યતા ઊભી થઈ છે.

૪ કરોડ રૂપિયાનો દાનમાં આપ્યો ચેક
તમિલનાડુના કોઈમ્બતુરથી અયોધ્યા પહોંચેલી એસ. નાગ લક્ષ્મી નામની મહિલાએ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને રૂ. 4 કરોડથી વધુની રકમનો ચેક સુપ્રત કર્યો હતો. તેમણે રામલલાની પૂજા-અર્ચના માટે ₹10,000 અને મંદિર પરિસરમાં સેવા આપતા કર્મચારીઓના પગાર તથા સુવિધાઓ વધારવા માટે ₹4 કરોડનો અલગ ચેક આપ્યો હતો. એટલી મોટી રકમનો ચેક જોઈને ટ્રસ્ટના સભ્યો પણ એક તબક્કે આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
તપાસમાં થયો મોટો ખુલાસો
આટલી મોટી માતબર રકમનો ચેક મળતાં જ બેંકિંગ પ્રક્રિયા અનુસાર તેની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સામે આવેલા અહેવાલો મુજબ, મહિલાના બેંક ખાતામાં એ રકમ જ નહોતી જેટલાનો ચેક આપવામાં આવ્યો હતો. કેટલાક અહેવાલો તો ત્યાં સુધી દાવો કરે છે કે ખાતામાં માત્ર નામમાત્રના જ રૂપિયા જમા છે. ટ્રસ્ટ દ્વારા જ્યારે આ ચેક ક્લિયરન્સ માટે બેંકમાં જમા કરાવવામાં આવશે અને જો તે અપૂરતા ભંડોળને કારણે અસ્વીકૃત થશે, તો મહિલા સામે મોટો કાનૂની સંકટ ઊભો થશે.

ચેક બાઉન્સ થવાના કાનૂની પરિણામો
ભારતીય કાયદા મુજબ ખાતામાં બેલેન્સ ન હોવા છતાં ચેક આપવો અને તે બાઉન્સ થવો એ એક ગંભીર ગુનો છે. જો રામ મંદિર ટ્રસ્ટ કાનૂની કાર્યવાહી કરવાનો નિર્ણય લે છે, તો મહિલા સામે નીચે મુજબના ગંભીર પરિણામો આવી શકે છે:
નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ (સેક્શન 138): અપૂરતા ફંડના કારણે ચેક બાઉન્સ થવા પર નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ, 1881 ની કલમ 138 હેઠળ ગુનો નોંધાઈ શકે છે. આ ગુનામાં દોષિત ઠરવા પર 2 વર્ષ સુધીની જેલની સજા અથવા ચેકની રકમથી બમણો દંડ થઈ શકે છે.
છેતરપિંડીનો કેસ (BNS): ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ આયોજનબદ્ધ રીતે ખોટો ચેક આપીને ટ્રસ્ટને ગુમરાહ કરવા બદલ છેતરપિંડી (Fraud) નો ગુનો દાખલ થઈ શકે છે, જે બિનજામીનપાત્ર પણ બની શકે છે.
સિબિલ સ્કોર (CIBIL Score) પર અસર: 4 કરોડ જેવી મોટી રકમનો ચેક અસ્વીકૃત થવાને કારણે મહિલાનો ક્રેડિટ રેકોર્ડ સંપૂર્ણપણે ખરાબ થઈ જશે. ભવિષ્યમાં કોઈપણ બેંક કે નાણાકીય સંસ્થા તરફથી તેમને લોન મળવી અશક્ય બની જશે.
શ્રદ્ધા અને ભક્તિ પોતાની જગ્યાએ શ્રેષ્ઠ છે, પરંતુ ભક્તિના આવેશમાં આવીને કે પબ્લિસિટી મેળવવા કાયદાકીય નિયમોનો અનાદર કરવો કોઈ પણ નાગરિક માટે ગંભીર મુશ્કેલીઓ નોતરી શકે છે.
