કોર્પોરેટ જગતમાં આંચકો: આર્થિક પ્રદર્શન સુધારવા સ્ટારબક્સ કરશે કર્મચારીઓની કાપકૂપ, જાણો સંપૂર્ણ વિગત
દુનિયાની સૌથી મોટી કોફી હાઉસ ચેન ‘સ્ટારબક્સ’ (Starbucks) દ્વારા પોતાના કોર્પોરેટ કર્મચારીઓની છટણી કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વૈશ્વિક આર્થિક મંદી અને મંદ વેચાણ વચ્ચે કંપનીએ આશરે ૨૦૦થી વધુ કર્મચારીઓની નોકરી સમાપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કોર્પોરેટ ક્ષેત્રમાં અચાનક લેવાયેલા આ નિર્ણયથી કર્મચારીઓમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે. કંપની પોતાના બિઝનેસ ગ્રોથ અને આર્થિક પ્રદર્શનને સુધારવા માટે આ રીસ્ટ્રક્ચરિંગ પ્રક્રિયા હાથ ધરી રહી છે.

કેટલા કર્મચારીઓ પર પડી અસર?
‘ફોક્સ બિઝનેસ’ના એક રિપોર્ટ અનુસાર, સ્ટારબક્સ તેના કોર્પોરેટ વિભાગમાંથી લગભગ ૨૦૦ કર્મચારીઓને નોકરીમાંથી મુક્ત કરી રહી છે. આ ઉપરાંત, અન્ય ૧૦૪ કર્મચારીઓને ‘રીસ્ટ્રક્ચરિંગ પ્રોસેસ’ (પુનર્ગઠન પ્રક્રિયા) હેઠળ અન્ય વિભાગોમાં મૂકવામાં આવ્યા છે. કંપનીના મુખ્ય કારોબારી અધિકારી (CEO) બ્રાયન નિકોલના જણાવ્યા અનુસાર, હાલમાં કંપનીના નાણાકીય સ્થિતિ અને બિઝનેસ પરફોર્મન્સને પાટા પર લાવવું અત્યંત જરૂરી છે. આ લક્ષ્યને હાંસલ કરવા માટે કંપનીના ઓપરેશનલ ખર્ચાઓ ઘટાડવાનો આ કઠિન નિર્ણય લેવો પડ્યો છે.
અગાઉ કરાયેલી જાહેરાતનો જ એક ભાગ
સ્ટારબક્સમાં થઈ રહેલી નોકરીઓની આ કાપ મૂકવાની પ્રક્રિયા અચાનક નથી થઈ, પરંતુ તે અમેરિકાના WARN (Worker Adjustment and Retraining Notification) એક્ટ હેઠળ નોંધાયેલી ફાઇલિંગનો જ એક ભાગ છે. કંપનીએ અગાઉ મે ૨૦૨૬માં જ આ મોટા પાયાના ઓર્ગેનાઇઝેશનલ રીસ્ટ્રક્ચરિંગની જાહેરાત કરી દીધી હતી. તે યોજના હેઠળ વૈશ્વિક સ્તરે આશરે ૩૦૦ જેટલી કોર્પોરેટ નોકરીઓ નાબૂદ કરવાનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો, જેનો હવે અમલ કરવામાં આવી રહ્યો છે.
કયા વિભાગના કર્મચારીઓએ નોકરી ગુમાવી?
કંપનીના આ આકરા નિર્ણયની સૌથી વધુ અસર સપોર્ટ ટીમ અને ડિઝાઇનિંગ વિભાગ પર પડી છે. સ્ટારબક્સ કોફી હાઉસના ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, આર્કિટેક્ચર અને સ્ટોર ડેવલપમેન્ટનું કામ સંભાળતી ટીમના ૧૨૦થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી દેવાયા છે. રિપોર્ટ મુજબ, આ છટણી મુખ્યત્વે અમેરિકાના વોશિંગ્ટન, સીએટલ, નેશવિલ અને ટેનેસીમાં આવેલા કોર્પોરેટ હેડક્વાર્ટર અને પ્રાદેશિક કાર્યાલયોમાં થઈ રહી છે.
ઓક્ટોબરથી અમલમાં આવશે નિર્ણય
આ છટણી અંગે વધુ માહિતી આપતા સીઈઓ બ્રાયન નિકોલે સ્પષ્ટ કર્યું હતું કે કર્મચારીઓને છૂટા કરવાની આ પ્રક્રિયા (Separation Process) ૧૯ ઓક્ટોબર ૨૦૨૬થી વિધિવત રીતે શરૂ થઈ જશે. અસરગ્રસ્ત કર્મચારીઓને જરૂરી સેવરન્સ પેકેજ અને મદદ પૂરી પાડવામાં આવશે. નોંધીએ કે કંપની પોતાના નેટવર્કને વધુ મજબૂત કરવા અને ગ્રાહકોના અનુભવને બહેતર બનાવવા માટે આ માળખાકીય ફેરફારો કરી રહી છે, જેથી ભવિષ્યમાં કંપનીની આવકમાં વધારો થઈ શકે.
