પીએમ કેઅર્સ ફંડ ઓડિટ રિપોર્ટ: 93% નાણાં FD માં સુરક્ષિત, જાણો 2024-25 માં ક્યાં થયો કેટલો ખર્ચ
ઇમરજન્સી અને આપત્તિના સમયમાં નાગરિકોની મદદ માટે બનાવવામાં આવેલા ‘પીએમ કેઅર્સ ફંડ’ (PM CARES Fund) ના નાણાકીય વર્ષ 2024-25 ની ઓડિટ રિપોર્ટના નવા આંકડા સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર, આ વર્ષે ફંડને મળતા ઘરેલુ અને વિદેશી દાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. છતાં પણ વ્યાજ અને અગાઉના જમા ભંડોળના કારણે માર્ચ 2025 સુધીમાં પીએમ કેઅર્સ ફંડની કુલ બેલેન્સ વધીને ₹8,452 કરોડના સ્તરે પહોંચી ગઈ છે.

દાનની રકમમાં નોંધપાત્ર ઘટાડો
તાજેતરના ઓડિટ રિપોર્ટ દર્શાવે છે કે નાણાકીય વર્ષ 2024-25 માં પીએમ કેઅર્સ ફંડને દેશભરમાંથી (ઘરેલુ દાન) આશરે ₹479 કરોડનું ચંદો મળ્યો છે. આ રકમ વિતેલા નાણાકીય વર્ષ 2023-24 ના ₹681.8 કરોડના દાન કરતાં આશરે 30% ઓછી છે. આ જ રીતે વિદેશમાંથી મળતા ડોનેશનમાં પણ 18% નો ઘટાડો નોંધાયો છે. 2024-25 દરમિયાન વિદેશમાંથી માત્ર ₹92.8 લાખનું દાન મળ્યું છે, જે 2023-24 માં ₹1.13 કરોડ હતું.
કોરોના મહામારીના સમયગાળા (2020-21) માં જ્યારે આ ફંડ શરૂ થયું ત્યારે દેશમાંથી ₹7,184 કરોડ અને વિદેશમાંથી ₹495 કરોડનું રેકોર્ડ બ્રેક દાન મળ્યું હતું. તે પછીના વર્ષોમાં દાનની રકમ સતત ઘટી રહી છે.
ફંડની 93% રકમ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) માં સુરક્ષિત
ઓડિટ રિપોર્ટની વિગતો મુજબ, 31 માર્ચ 2025 સુધીમાં PM CARES Fund માં કુલ ₹8,452 કરોડની સંપત્તિ જમા હતી, જે એક વર્ષ પહેલાં ₹7,173 કરોડ હતી. આ જમા રકમમાંથી આશરે 93% જેટલી મોટી રકમ એટલે કે ₹7,846 કરોડ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) માં રાખવામાં આવ્યા છે, જેથી તેના પર નિયમિત વ્યાજ મળતું રહે. આ સિવાય બાકીના ₹605 કરોડ વિવિધ સેવિંગ્સ બેંક એકાઉન્ટ્સમાં ઓપરેશનલ ખર્ચ અને જરૂરિયાતો માટે રાખવામાં આવ્યા છે.

નાણાકીય વર્ષ 2024-25 માં કેટલો થયો ખર્ચ?
નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન પીએમ કેઅર્સ ફંડમાંથી કુલ ₹87.85 લાખની ચૂકવણી કરવામાં આવી હતી. આમાંથી મોટાભાગનો હિસ્સો એટલે કે ₹87.8 લાખ ‘PM CARES for Children Scheme’ હેઠળ અનાથ થયેલા બાળકોના કલ્યાણ અને શિક્ષણ માટે ખર્ચવામાં આવ્યા હતા. તેની સરખામણીએ નાણાકીય વર્ષ 2023-24 માં આ યોજના પર ₹15.37 કરોડ સહિત કુલ ₹15.6 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
કોરોના કાળમાં થયો હતો બમ્પર ખર્ચ
પીએમ કેઅર્સ ફંડની સ્થાપના કુદરતી આપત્તિઓ અને આરોગ્ય વિષયક કટોકટીમાં તાત્કાલિક રાહત આપવા માટે કરવામાં આવી હતી. કોવિડ-19 મહામારીના પરાકાષ્ઠાના સમયે આ ફંડનો મોટા પાયે ઉપયોગ દેશના આરોગ્ય માળખાને મજબૂત કરવા માટે થયો હતો. નાણાકીય વર્ષ 2021-22 માં હોસ્પિટલોમાં મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે ₹1,703 કરોડ અને દર્દીઓ માટે વેન્ટિલેટર ખરીદવા પાછળ ₹835 કરોડ ખર્ચાયા હતા. તે વર્ષે ફંડમાંથી કુલ ₹1,938 કરોડનો મોટો ખર્ચ રાહત કામગીરી માટે કરવામાં આવ્યો હતો.
