બિલ ભરતી વખતે નાની ભૂલ પણ પડશે મોંઘી, માત્ર પૈસાના તફાવતમાં લાગી શકે છે ભારે ચાર્જ
ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે જો બિલ ભરવામાં થોડા પૈસા પણ ઓછા રહી જાય, તો શું બેંક તમારી પાસેથી હજારો રૂપિયા વસૂલી શકે છે? સોશિયલ મીડિયા પર હાલમાં જ આવો જ એક ચોંકાવનારો કિસ્સો ભારે ચર્ચામાં આવ્યો છે. ડૉ. સમીર કાગલકર નામના એક ગ્રાહકે એક્સ (X) પર એચડીએફસી (HDFC) બેંકને ટેગ કરીને પોતાની આપવીતી શેર કરી છે. તેમનો દાવો છે કે માત્ર 46 પૈસા ઓછા જમા કરાવવા બદલ બેંકે તેમની પાસે લેટ પેમેન્ટ ફી અને અન્ય ચાર્જીસ પેટે ₹1,200થી વધુ રકમ વસૂલી લીધી છે.
Dear HDFC Bank. @HDFC_Bank
You sent me a credit card bill for INR 10,649 – 46 (paise)
By error – I paid INR 10,649/-00 (missing out 46 paise)And you have slapped me with over INR 1200/- late payment charges etc for miss of 46 PAISE??
And your customer service people are as…
— Dr Samir Kagalkar (@SamirKagalkar) August 18, 2026
માત્ર 46 પૈસાની ભૂલ અને ₹1200નો દંડ?
સમીર કાગલકરે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે બેંક દ્વારા તેમને ₹10,649.46નું ક્રેડિટ કાર્ડ બિલ મોકલવામાં આવ્યું હતું. પરંતુ ચૂકવણી કરતી વખતે ભૂલથી તેમણે ₹10,649.00 ચૂકવ્યા હતા, એટલે કે કુલ બિલમાંથી માત્ર 46 પૈસા ઓછા ભરાયા હતા. આમ છતાં, બેંકે તેમના પર ₹1,200થી વધુનો લેટ ચાર્જ લગાવી દીધો. તેમણે બેંકની ગ્રાહક સેવા (Customer Care) પર સવાલો ઉઠાવતા આ ફી પરત ખેંચવાની માગ કરી છે. જોકે, આ દાવો ગ્રાહક દ્વારા કરવામાં આવ્યો છે અને આ અંગે બેંક તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.
સમગ્ર બિલની ચૂકવણી કરવી કેમ જરૂરી છે?
ક્રેડિટ કાર્ડના સ્ટેટમેન્ટમાં દર મહિને બે પ્રકારની રકમ દર્શાવવામાં આવે છે: ‘ટોટલ અમાઉન્ટ ડ્યુ’ (Total Amount Due) અને ‘મિનિમમ અમાઉન્ટ ડ્યુ’ (Minimum Amount Due). જો ગ્રાહક નિયત તારીખ સુધીમાં સંપૂર્ણ બાકી રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય, તો કાર્ડના નિયમો મુજબ સમગ્ર રકમ પર વ્યાજ અને લેટ પેમેન્ટ ફી લાગુ થઈ શકે છે. તેથી જ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે માત્ર “અંદાજિત રકમ” ભરી દેવી પૂરતી નથી, પરંતુ પૈસે-પૈસાનો હિસાબ ચૂકવવો જરૂરી બને છે.
ક્રેડિટ કાર્ડનું બિલ ભરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો
સંપૂર્ણ રકમ જમા કરો: બિલમાં દર્શાવેલી છેલ્લી પાઈ સુધીની પૂરી રકમ ચૂકવવાનો આગ્રહ રાખો, થોડા પૈસા પણ ઓછા ન છોડો.
છેલ્લી તારીખની રાહ ન જુઓ: ડ્યુ ડેટ (Due Date) ના 2-3 દિવસ પહેલાં જ પેમેન્ટ કરી દો જેથી ટેકનિકલ ખામીના કારણે મોડું ન થાય.
ટ્રાન્ઝેક્શન સ્ટેટસ ચકાસો: પેમેન્ટ કર્યા પછી તે સફળ (Successful) થયું છે કે નહીં તે એપ્લિકેશન કે મેસેજ દ્વારા ચોક્કસ કન્ફર્મ કરો.
સ્ટેટમેન્ટનું નિરીક્ષણ કરો: જો બેંકે કોઈ અજાણ્યો ચાર્જ લગાવ્યો હોય તો તરત જ કસ્ટમર કેરનો સંપર્ક કરો અને સ્ટેટમેન્ટ તપાસો.
