રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો નિર્ણય: ટોલ પ્લાઝાના સ્માર્ટ કેમેરાથી આતંકવાદી પ્રવૃત્તિઓ અને વાહન ચોરી પર વાગશે બ્રેક
કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે દેશભરના રાષ્ટ્રીય રાજમાર્ગો (National Highways) પર આવેલા ટોલ પ્લાઝા અંગે અત્યંત મહત્ત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી છે. આ નવી સિસ્ટમ હેઠળ ટોલ પ્લાઝા પર સ્થાપિત ફાસ્ટેગ (FASTag) અને ઓટોમેટિક નંબર પ્લેટ રિકોગ્નિશન (ANPR) કેમેરા હવે માત્ર વાહનો પાસેથી ટોલ ટેક્સ વસૂલવાનું સાધન નહીં રહે, પરંતુ તેનો ઉપયોગ વાહન ચોરી, સંગઠિત અપરાધ, હથિયારોની તસ્કરી અને આતંકવાદી પ્રવૃત્તિઓ પર લગામ લગાવવા માટે એક સુરક્ષા કવચ તરીકે કરવામાં આવશે.

આતંકી પ્રવૃત્તિઓ અને વાહન આધારિત વિસ્ફોટો પર કડક નજર
વિશ્વભરમાં અને દેશના વિવિધ વિસ્તારોમાં આતંકવાદી હુમલાઓ દરમિયાન કાર, ટ્રક, વાન કે બાઇક જેવા વાહનોમાં વિસ્ફોટક સામગ્રી ભરીને તેનો વાહનજનિત આઇઇડી (VBIED) તરીકે ઉપયોગ કરવાના કિસ્સા બનતા રહ્યા છે. આ સિવાય અસામાજિક તત્વો અને ચોર ગિરોહ અવારનવાર નકલી નંબર પ્લેટ લગાવીને ગુનાહિત પ્રવૃત્તિઓ આચર્યા બાદ વાહનો લઈને ફરાર થઈ જાય છે. નેશનલ હાઇવેના તમામ ટોલ પ્લાઝા પર ડિજિટલ સર્વેલન્સ મજબૂત થવાથી આ પ્રકારની ગેરકાયદેસર અને ખતરનાક પ્રવૃત્તિઓ પર તાત્કાલિક રોક લગાવી શકાશે.
રિયલ ટાઇમ એલર્ટ અને ઇન્ટેલિજન્સ ફીડથી સુરક્ષા વધશે
નવી માર્ગદર્શિકા મુજબ, દેશની તમામ મુખ્ય વિદેશી અને આંતરિક ગુપ્તચર એજન્સીઓ તથા પોલીસ કંટ્રોલ રૂમને આ ANPR કેમેરા અને ફાસ્ટેગ ટ્રેકિંગ સિસ્ટમનું ડાયરેક્ટ ફીડ આપવામાં આવશે. જ્યારે પણ કોઈ બ્લેકલિસ્ટ થયેલું, શંકાસ્પદ કે ચોરીનું વાહન કોઈ પણ ટોલ પ્લાઝા પરથી પસાર થશે, ત્યારે સિસ્ટમમાં ઓટોમેટિક રિયલ ટાઇમ એલર્ટ જનરેટ થશે. આ રિયલ ટાઇમ ડેટાને કારણે સંવેદનશીલ વિસ્તારો અને સીમાવર્તી વિસ્તારોમાં શંકાસ્પદ વાહનોની અવરજવર પર સતત નજર રાખી શકાશે અને કોઈ અનિચ્છનીય ઘટના બન્યા બાદ પણ આરોપીઓને ત્વરિત ટ્રેક કરી શકાશે. મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા મુજબ આ નિર્ણય દેશની આંતરિક સુરક્ષા માટે ગેમ-ચેન્જર સાબિત થશે.

હિટ એન્ડ રન, ચોરી અને તસ્કરીના કેસમાં ઝડપી તપાસ
માર્ગ અકસ્માતોમાં હિટ એન્ડ રન (Hit and Run) ના કિસ્સાઓમાં અકસ્માત સર્જીને ભાગી છૂટેલા વાહનોની ઓળખ કરવી અગાઉ પડકારજનક બનતી હતી. પરંતુ હવે અકસ્માત સ્થળની આસપાસના તમામ ટોલ પ્લાઝાના ટાઇમ સ્ટેમ્પ અને વાહન ટ્રેકિંગ ડેટાનું પૃથ્થકરણ કરીને ગુનેગાર વાહનનો સંપૂર્ણ રૂટમેપ મિનિટોમાં તૈયાર કરી શકાશે.
આ ઉપરાંત ભારતમા દર વર્ષે આશરે ૧.૫ થી ૨ લાખ જેટલા વાહનોની ચોરી થાય છે, જેમાં સૌથી વધુ કિસ્સાઓ દિલ્હી-એનસીઆર (Delhi-NCR) જેવા મેટ્રો શહેરોમાં નોંધાય છે. ચોરી થયેલા વાહનોને બહુ જ ઓછા સમયમાં અન્ય રાજ્યોમાં કે નેપાળ સરહદ પાર મોકલી દેવામાં આવતા હોય છે. હવે ટોલ પ્લાઝા પર સ્માર્ટ કેમેરા અને ટ્રેકિંગ સક્રિય હોવાથી આવા વાહનોને સરહદ ઓળંગતા પહેલા જ રસ્તામાં જ આંતરીને પકડી પાડવા સુરક્ષા દળો માટે અત્યંત સરળ બનશે.
