3 વિષયોની પરીક્ષા રદ્દ થતાં રાહુલ ગાંધી આક્રમક, શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ UGC-NET જૂન ૨૦૨૬ અંતર્ગત લેવાયેલી ૩ મહત્ત્વપૂર્ણ વિષયોની પરીક્ષાઓ રદ્દ કરીને ફરીથી યોજવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ નિર્ણય સોશિયોલોજી (સમાજશાસ્ત્ર), અંગ્રેજી અને કોમર્સ વિષયો માટે લેવામાં આવ્યો છે. આ પરીક્ષાઓ ૨૨ થી ૩૦ જૂન દરમિયાન યોજાઈ હતી.
એજન્સી દ્વારા બનાવવામાં આવેલી નિષ્ણાતોની સમિતિના તપાસ રિપોર્ટમાં બહાર આવ્યું છે કે પ્રશ્નપત્રોમાં વ્યાકરણની ભૂલો, ભાષાંતરની ખામીઓ અને ભૂતકાળની પરીક્ષાઓના પ્રશ્નોનું પુનરાવર્તન થયું હતું. હવે આ ૩ વિષયોની ફરીથી પરીક્ષા સપ્ટેમ્બર ૨૦૨૬માં યોજવામાં આવશે.
📢 UGC-NET June 2026 | Important Notice
NTA had received several complaints about multiple errors in the papers of English, Commerce and Sociology. NTA formed a committee to enquire into and look into these errors and as per the recommendation of the committee, NTA will… pic.twitter.com/oejnlRSe0c
— National Testing Agency (@NTA_Exams) August 16, 2026
રાહુલ ગાંધીનો પીએમ મોદી અને NTA પર સીધો પ્રહાર
વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે લખ્યું, “મોદીજી, જુઓ તમારી NTA એ ફરી શું કરી દીધું. જૂન મહિનામાં લેવાયેલી પરીક્ષાઓ બે મહિના પછી રદ્દ કરી દેવામાં આવી કારણ કે તેમણે ખોટા પ્રશ્નપત્રો તૈયાર કર્યા હતા અને જૂના પ્રશ્નો ફરીથી પૂછી લીધા હતા.”
તેમણે ઉમેર્યું કે દેશના હજારો ઉમેદવારો જેમણે વર્ષો સુધી સખત મહેનત કરી, ફોર્મ ભર્યા, ફી ચૂકવી અને દૂર-દૂરના કેન્દ્રો સુધી મુસાફરી કરી, હવે તેમને સપ્ટેમ્બરમાં આ બધું ફરીથી કરવું પડશે. ભૂલ NTA કરે છે પણ તેની સજા દેશના નિર્દોષ વિદ્યાર્થીઓએ ભોગવવી પડે છે.
“શિક્ષણ વ્યવસ્થા હવે પૈસા નિચોડવાનું મશીન બની ગઈ છે”
રાહુલ ગાંધીએ પોતાના નિવેદનમાં શિક્ષણ વ્યવસ્થાની કથળતી સ્થિતિ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, “મેં કોટા, દેહરાદૂન અને અલ્હાબાદ (પ્રયાગરાજ)માં પણ આ જ વાત કહી હતી અને આગળ પણ કહેતો રહીશ. હવે દેશમાં કોઈ સાચી શિક્ષણ વ્યવસ્થા બચી નથી. આ માત્ર વિદ્યાર્થીઓના પૈસા, મહેનત અને સમય નિચોડી લેતું મશીન બની ગયું છે.”
તેમના જણાવ્યા મુજબ, આ વ્યવસ્થા વિદ્યાર્થીઓ પાસે તેમની માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ છીનવી લે છે, પરંતુ બદલામાં તેમને નોકરી પણ આપી શકતી નથી. તેમણે NTA ને સવાલ કર્યો કે શું પરીક્ષા પહેલા જ આ પેપરો લીક થઈ ગયા હતા? પરંતુ એજન્સી અસલી સવાલનો જવાબ આપવાનું ટાળી રહી છે.
જવાબદેહી અને રાજીનામાની માંગ
કોંગ્રેસ નેતાએ મોદી ની એજન્સીઓની કાર્યશૈલી પર સવાલ ઉઠાવતા કહ્યું કે NTA ક્યારેય પોતાની ભૂલ સ્વીકારતી નથી. તેમણે માંગ કરી કે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આ દિશામાં પહેલું પગલું હોવું જોઈએ, છેલ્લું નહીં. આ સાથે NTA ના ટોચના નેતૃત્વની પણ જવાબદેહી નક્કી થવી જોઈએ.
સપ્ટેમ્બરમાં ફરીથી પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓને સાંત્વના આપતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, “આમાં તમારી કોઈ ભૂલ નથી. પીએમ મોદીએ એક એવું સિસ્ટમ બનાવ્યું છે જે એક પરીક્ષા પણ યોગ્ય રીતે કરાવી શકતું નથી. તમારા કિંમતી વર્ષો છીનવાઈ રહ્યા છે અને જ્યાં સુધી આનો યોગ્ય જવાબ નહીં મળે ત્યાં સુધી અમે ચૂપ નહીં બેસીએ.”
