રૂપિયાને મળી મજબૂતી: ભારતીય વિદેશી મુદ્રા ભંડારમાં જંગી ઉછાળો, ગોલ્ડ રિઝર્વમાં પણ થયો મોટો વધારો
ભારતીય અર્થતંત્ર માટે આર્થિક મોરચે ખૂબ જ સકારાત્મક સમાચાર સામે આવ્યા છે. 31 જુલાઈના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન દેશના વિદેશી મુદ્રા ભંડાર (Foreign Exchange Reserves) માં 10.51 અબજ ડોલરનો જંગી વધારો નોંધાયો છે. આ નોંધપાત્ર ઉછાળા સાથે ભારતનું કુલ વિદેશી હૂંડિયામણ વધીને 692.87 અબજ ડોલર ના સ્તરે પહોંચી ગયું છે.
ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડામાં આ માહિતી આપવામાં આવી છે. નોંધનીય છે કે આના એક અઠવાડિયા પહેલા પણ વિદેશી મુદ્રા ભંડારમાં 6.12 અબજ ડોલરનો ઉમેરો થયો હતો અને તે 682.35 અબજ ડોલર પર પહોંચ્યો હતો.

અગાઉ ઓલ-ટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો હતો ભંડાર
ચાલુ વર્ષે 27 ફેબ્રુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનું વિદેશી હૂંડિયામણ 728.49 અબજ ડોલરના ઓલ-ટાઇમ હાઇ (સર્વોચ્ચ) સ્તરે પહોંચી ગયું હતું. જોકે, ત્યારબાદ વૈશ્વિક ઘટનાક્રમો અને ભૌગોલિક-રાજકીય તણાવને કારણે તેમાં સમયાંતરે ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ હવે ફરીથી તેમાં મજબૂત વાપસી થઈ રહી છે.
પશ્ચિમ એશિયામાં યુદ્ધના કારણે રૂપિયા પર દબાણ અને ભંડારમાં ઘટાડો
ફેબ્રુઆરીના અંતમાં અમેરિકા, ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે વધેલા સૈન્ય તણાવ અને યુદ્ધની સ્થિતિને કારણે મધ્ય પૂર્વ (West Asia) નું વાતાવરણ અત્યંત વણસી ગયું હતું. વૈશ્વિક અનિશ્ચિતતાઓને કારણે ભારતીય રૂપિયા પર ભારે દબાણ સર્જાયું હતું.
રૂપિયાના મૂલ્યને કડાકાથી બચાવવા અને સ્થાનિક ચલણને સ્થિર રાખવા માટે રિઝર્વ બેંકે માર્કેટમાં હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. RBI એ બજારમાં ડોલર વેચવા પડ્યા હતા, જેના પરિણામે સતત કેટલાક સપ્તાહ સુધી ભારતનો વિદેશી મુદ્રા ભંડાર ઘટતો રહ્યો હતો.
ગોલ્ડ રિઝર્વ અને ફોરેન કરન્સી અસ્કયામતોમાં મોટો વધારો
31 જુલાઈના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારના તમામ મુખ્ય ઘટકોમાં વધારો નોંધાયો છે:
વિદેશી મુદ્રા અસ્કયામતો (FCA): હૂંડિયામણનો સૌથી મોટો હિસ્સો ધરાવતી વિદેશી મુદ્રા અસ્કયામતો 8.75 અબજ ડોલર વધીને 564.68 અબજ ડોલર થઈ ગઈ છે. ડોલરના સંદર્ભમાં માપવામાં આવતી આ અસ્કયામતોમાં યુરો, પાઉન્ડ અને યેન જેવી બિન-અમેરિકી ચલણોના મૂલ્યમાં થતા ફેરફારોની અસર પણ સામેલ હોય છે.
ગોલ્ડ રિઝર્વ (સ્વર્ણ ભંડાર): આ ગાળા દરમિયાન ભારત દેશના ગોલ્ડ રિઝર્વના મૂલ્યમાં પણ 1.68 અબજ ડોલરનો વધારો થયો છે, જેથી તે વધીને 104.74 અબજ ડોલર ની સપાટીએ પહોંચી ગયું છે.
સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ (SDR): વિશેષ ઉપાડ અધિકાર (SDR) 4.8 કરોડ ડોલર વધીને 18.67 અબજ ડોલર થયા છે.

IMF માં ભારતની અનામત અસ્કયામતો વધી
રિઝર્વ બેંકના ડેટા અનુસાર, ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ (IMF) માં ભારતની અનામત સ્થિતિ (Reserve Position) પણ 2.8 કરોડ ડોલર વધીને 4.78 અબજ ડોલર થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં વિદેશી ચલણનો પ્રવાહ (Foreign Inflow) વધારવા માટે ભારત સરકાર અને RBI દ્વારા FCNR(B) એટલે કે ફોરેન કરન્સી નોન-રેસિડેન્ટ (બેંક) એકાઉન્ટ્સ સહિત ઘણા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા હતા. આ નીતિ વિષયક પ્રયાસોના પરિણામે અત્યાર સુધીમાં દેશમાં આશરે 32 અબજ ડોલરનો વિદેશી મૂડીપ્રવાહ પ્રાપ્ત થઈ ચૂક્યો છે, જેણે અર્થતંત્રને મજબૂતી આપી છે.
