મોનસૂનમાં આંખના ઇન્ફેક્શનથી કેવી રીતે રહેવું સુરક્ષિત? ડૉક્ટરની સલાહ વિના આઈ ડ્રોપ્સ નાખવાનું ટાળો
ચોમાસાની ઋતુ કાળઝાળ ગરમીમાંથી રાહત તો અપાવે છે, પરંતુ આ વાતાવરણ પોતાની સાથે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ લઈને આવે છે. આ દિવસોમાં સૌથી વધુ જોવા મળતી તકલીફોમાંથી એક છે આંખનું ઇન્ફેક્શન (આંખો આવવી / કંજંકટિવાઇટિસ). વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવા, દૂષિત પાણીના સંપર્કમાં આવવા અને સ્વચ્છતાનો અભાવ હોવાને કારણે આ મોસમમાં બેક્ટેરિયા તથા વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાય છે.

જો સમયસર આંખોની યોગ્ય કાળજી લેવામાં ન આવે, તો સમસ્યા ગંભીર બની શકે છે. તેથી આંખોમાં લાલાશ, પાણી પડવું, બળતરા કે ખંજવાળ જેવા લક્ષણોને ક્યારેય સામાન્ય ગણીને અણગણવા ન જોઈએ.
ચોમાસામાં આંખનું ઇન્ફેક્શન કેમ વધે છે?
આરોગ્ય નિષ્ણાતો અને ‘ASG આઈ હોસ્પિટલ’ના રિપોર્ટ અનુસાર, માત્ર વરસાદનું પાણી સીધું આંખમાં પડવાથી જ ઇન્ફેક્શન નથી થતું, પરંતુ આ ઋતુમાં હવામાં બેક્ટેરિયા અને વાયરસ ઝડપથી ફેલાય છે.
ભીડભાડ વાળી જગ્યાઓ પર જવું, અસ્વચ્છ હાથે આંખોને સ્પર્શ કરવો, સંક્રમિત વ્યક્તિના રૂમાલ કે ટુવાલનો ઉપયોગ કરવો અને કોન્ટેક્ટ લેન્સની યોગ્ય સફાઈ ન રાખવી એ ઇન્ફેક્શન ફેલાવાના મુખ્ય કારણો છે. જો કોઈ સંક્રમિત વ્યક્તિ પોતાની આંખને અડ્યા પછી દરવાજાનો હેન્ડલ, મોબાઈલ, ટેબલ કે અન્ય વસ્તુઓને સ્પર્શ કરે છે, તો ત્યાંથી વાયરસ અન્ય લોકો સુધી સરળતાથી પહોંચી જાય છે.

આંખના ઇન્ફેક્શનના સામાન્ય લક્ષણો
જો તમને અથવા તમારા પરિવારના કોઈ સભ્યને નીચે મુજબના લક્ષણો જણાય, તો સાવચેત થઈ જવું:
આંખો ગુલાબી કે લાલ થઈ જવી.
સતત અશ્રુ કે પાણી વહેવું.
આંખોમાં અતિશય ખંજવાળ કે બળતરા થવી.
આંખમાંથી પીળો કે સફેદ ચીકણો પદાર્થ (ડિસ્ચાર્જ) નીકળવો.
પોપચાં પર સોજો આવી જવો.
સવારે ઊઠતી વખતે પોપચાં ચોંટી જવા.
આંખમાં કચરો કે રેતી ખૂંચતી હોય તેવી અનુભૂતિ થવી.
દરેક લાલ આંખ ઇન્ફેક્શન નથી હોતી: સ્વ-દવા (Self-Medication) થી બચો
ચોમાસામાં વાતાવરણમાં ધૂળ, પ્રદૂષણ, એલર્જી કે સતત મોબાઈલ-લેપટોપની સ્ક્રીન જોવાથી પણ અસ્થાયી રૂપે આંખો લાલ થઈ શકે છે. તેથી દરેક લાલ આંખને ઇન્ફેક્શન માનીને ડૉક્ટરની સલાહ વિના જાતે જ એન્ટિબાયોટિક આઈ ડ્રોપ્સ ખરીદીને નાખવા જોખમી છે. જો આંખમાં અસહ્ય દુખાવો હોય, ઝાંખું દેખાવા લાગે કે પ્રકાશ પ્રત્યે સંવેદનશીલતા વધે, તો તુરંત જ આંખના નિષ્ણાત ડૉક્ટર (ઓપ્થેલ્મોલોજિસ્ટ) નો સંપર્ક કરવો જોઈએ.
કયા લોકોને વધુ સાવચેતીની જરૂર છે?
કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરતા લોકો.
નાના બાળકો અને વૃદ્ધો.
ડાયાબિટીસ ધરાવતા દર્દીઓ.
ઓછી રોગપ્રતિકારક શક્તિ (Weak Immunity) ધરાવતા લોકો.
તાજેતરમાં આંખની સર્જરી કે ઓપરેશન કરાવનાર દર્દીઓ.
ઘરમાં ઇન્ફેક્શન ફેલાતું કેવી રીતે અટકાવવું?
જો ઘરમાં કોઈ એક વ્યક્તિને કંજંકટિવાઇટિસ કે વાયરલ ઇન્ફેક્શન થયું હોય, તો તે પરિવારના અન્ય સભ્યોમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ શકે છે. એક જ ટુવાલ, ઓશિકું, રૂમાલ, આઈ ડ્રોપ્સ, ચશ્મા કે મેકઅપ સાધનો શેર કરવાથી સંક્રમણ વધે છે. તેથી સંક્રમિત વ્યક્તિએ પોતાની પર્સનલ વસ્તુઓ બિલકુલ અલગ રાખવી જોઈએ.
ચોમાસામાં આંખોની કાળજી લેવાના સરળ ઉપાયો
હાથની સફાઈ: વારંવાર સાબુ અને પાણીથી હાથ ધોવાની ટેવ પાડો.
સ્પર્શ ટાળો: ગંદા કે અસ્વચ્છ હાથે ક્યારેય આંખોને ન અડવો.
મોં ધોવું: બહારથી આવ્યા પછી આંખો અને ચહેરાને સાફ પાણીથી હળવા હાથે ધોવો.
કોન્ટેક્ટ લેન્સ ધારકો માટે: લેન્સ પહેરતા કે ઉતારતા પહેલાં હાથ બરાબર સાફ કરો. લેન્સને ક્યારેય નળના પાણીથી ન ધોવો. ઇન્ફેક્શન થાય ત્યારે લેન્સ પહેરવાનું તુરંત બંધ કરી દેવું.
વ્યક્તિગત સફાઈ: તમારો ટુવાલ કે રૂમાલ કોઈને ન આપો અને સંક્રમણ સમયે જૂનો આઈ-મેકઅપ વાપરવાનું ટાળો.
ઇન્ફેક્શન થાય તો શું કરવું?
જો આંખો લાલ થાય કે પાણી પડે, તો સૌથી પહેલા આંખોને ચોળવાનું બંધ કરો. આંખની સફાઈ માટે એકદમ સાફ કોટન કે સૂરક્ષિત રૂમાલનો ઉપયોગ કરો. બળતરા ઓછી કરવા માટે ઠંડા પાણીની પટ્ટીથી હળવો શેક કરી શકાય છે. સૌથી મહત્વની વાત એ છે કે, ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ક્યારેય પણ સ્ટીરોઈડ કે એન્ટિબાયોટિક ડ્રોપ્સ આંખમાં ન નાખો. યોગ્ય સમયે યોગ્ય સારવાર કરવાથી જ આંખોની રોશની અને સ્વાસ્થ્ય સુરક્ષિત રહે છે.
