Google Pay: રોજિંદા ખર્ચ પર બચત: Google Pay Flex SBI Card થી કમાઓ કેશબેક, જાણો કેવી રીતે મળશે શૂન્ય વાર્ષિક ફીનો લાભ
આજના ડિજિટલ યુગમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ સતત વધી રહ્યો છે. પોતાની આર્થિક જરૂરિયાતો અને લાઈફસ્ટાઈલ વચ્ચે સંતુલન જાળવવા માટે મોટાભાગના લોકો ક્રેડિટ કાર્ડનો સહારો લે છે. અત્યાર સુધી બજારમાં અનેક બેંકોના ક્રેડિટ કાર્ડ ઉપલબ્ધ હતા, પરંતુ હવે ટેકનોલોજી અને બેંકિંગ ક્ષેત્રના બે દિગ્ગજોએ સાથે મળીને એક નવું દમદાર કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ માર્કેટમાં ઉતાર્યું છે.

Google Pay Flex SBI Card: શું છે ખાસિયત?
ગૂગલ પે (Google Pay) અને એસબીઆઈ કાર્ડ (SBI Card) એ સંયુક્ત રીતે ‘Google Pay Flex SBI Card’ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ ખાસ કરીને એવા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે જેઓ રોજિંદા જીવનમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને ઓનલાઇન શોપિંગ વધુ કરે છે.
આ કાર્ડની સૌથી મોટી ખાસિયત એ છે કે ગ્રાહકો પોતાના ક્રેડિટ કાર્ડ સંબંધિત તમામ સેવાઓ, બિલ પેમેન્ટ અને એકાઉન્ટ મેનેજમેન્ટ સીધું ગૂગલ પે એપ દ્વારા જ કંટ્રોલ કરી શકશે, જેનાથી અલગ બેંકિંગ એપ ડાઉનલોડ કરવાની જરૂર રહેશે નહીં.
વાર્ષિક ₹૧૮,૦૦૦ સુધીના રિવૉર્ડ્સ અને ‘Stars’ સિસ્ટમ
આ નવા ક્રેડિટ કાર્ડ પર ગ્રાહકોને આકર્ષક કેશબેક અને રિવૉર્ડ પોઈન્ટ્સ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે:
સ્ટાર્સ (Stars) સિસ્ટમ: કાર્ડ દ્વારા કરવામાં આવતા ખર્ચ પર ગ્રાહકોને રિવૉર્ડ તરીકે ‘Stars’ મળશે. અહીં ૧ સ્ટાર = ૧ રૂપિયો ગણવામાં આવશે.
ખર્ચ પર લાભ: દર ₹૫૦૦ ના ખર્ચ પર ગ્રાહક મહત્તમ ૮ સ્ટાર્સ સુધી કમાઈ શકે છે. જોકે, કેટલા સ્ટાર્સ મળશે તેનો આધાર બિલિંગ સાયકલ દરમિયાન કરવામાં આવેલા કુલ ખર્ચ પર રહેશે.
કેશબેકનો તાત્કાલિક ઉપયોગ: બંને કંપનીઓના દાવ મુજબ, આ કાર્ડધારક એક વર્ષમાં આશરે ₹૧૮,૦૦૦ સુધીના રિવૉર્ડ્સ કમાઈ શકે છે. આ કમાયેલા સ્ટાર્સનો ઉપયોગ ગૂગલ પે પર કોઈપણ યુપીઆઈ કે બિલ પેમેન્ટ કરતી વખતે સીધો જ કરી શકાશે.

જોઈનિંગ ફી, રિન્યૂઅલ અને વેલકમ બેનિફિટ્સ
ગ્રાહકો માટે આ કાર્ડના ફી માળખા અને લાભો નીચે મુજબ રાખવામાં આવ્યા છે:
જોઈનિંગ અને એન્યુઅલ ફી: આ ક્રેડિટ કાર્ડની પ્રારંભિક જોઈનિંગ ફી ₹૪૯૯ + ટેક્સ નક્કી કરવામાં આવી છે. વાર્ષિક રિન્યૂઅલ સમયે પણ આટલી જ ફી ચૂકવવાની રહેશે.
ફી માફી (Fee Waiver): જો ગ્રાહક અગાઉના વર્ષમાં કાર્ડ દ્વારા કુલ ₹૧ લાખ કે તેથી વધુનો ખર્ચ કરે છે, તો તેની આગામી વર્ષની વાર્ષિક ફી સંપૂર્ણપણે માફ કરી દેવામાં આવશે.
₹૧,૦૦૦ નો વેલકમ બેનિફિટ: નવા ગ્રાહકોને કાર્ડ એક્ટિવેટ કરવા પર ₹૧,૦૦૦ સુધીના વેલકમ બેનિફિટ્સ મળશે. જેમાં ગૂગલ પેથી પ્રથમ પેમેન્ટ કરવા પર ₹૫૦૦ નો લાભ અને જોઈનિંગ ફી ભર્યા બાદ ₹૫૦૦ ના મૂલ્યના વધારાના સ્ટાર્સનો સમાવેશ થાય છે.
