Lok shabha: પેપર લીક બિલ પર સંસદમાં તીખી બહસ: ‘યુવાનોનો આક્રોશ બનશે આપત્તિ’- અખિલેશ યાદવના પ્રહાર સામે રિજિજૂએ યાદ અપાવી ઇમરજન્સી
લોકસભામાં મંગળવારે ‘એન્ટી પેપર લીક બિલ’ પર ચર્ચા દરમિયાન સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે અત્યંત તીખી બહસ જોવા મળી હતી. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને સાંસદ અખિલેશ યાદવે કેન્દ્ર સરકાર પર શિક્ષણ વ્યવસ્થાને નબળી પાડવાનો, પેપર લીક રોકવામાં નિષ્ફળ જવાનો અને દેશના કરોડો યુવાનોના ભવિષ્ય સાથે ખિલવાડ કરવાનો ગંભીર આક્ષેપ મૂક્યો હતો.
બીજી તરફ, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ ભૂતકાળની કટોકટી (ઇમરજન્સી) નો ઉલ્લેખ કરીને વિપક્ષ પર પલટવાર કર્યો હતો. આ ચર્ચા દરમિયાન બંને નેતાઓ વચ્ચે અનેક મુદ્દાઓ પર સામસામે વાકપ્રહારો થયા હતા.

‘યુવાનોનો આક્રોશ સરકાર માટે આપત્તિ બની શકે છે’: અખિલેશ યાદવ
સંસદમાં બોલતા અખિલેશ યાદવે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું હતું કે, “સરકારે એ વાત ગંભીરતાથી વિચારવી જોઈએ કે આજે જે યુવા વર્ગ નિરાશ અને નારાજ છે, તે આવનારા સમયમાં સરકાર માટે મોટી આપત્તિ સાબિત થઈ શકે છે.” તેમણે ઉમેર્યું કે જો દેશમાં શિક્ષણ વ્યવસ્થા મજબૂત બનશે તો જ દેશની વાસ્તવિક પ્રગતિ શક્ય બનશે.
તેમણે સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવતા પૂછ્યું કે, “વર્ષ ૨૦૨૪ માં પણ સરકાર દ્વારા એન્ટી પેપર લીક કાયદો લાવવામાં આવ્યો હતો, છતાં દેશમાં સતત પેપર લીકની ઘટનાઓ કેમ બની રહી છે? સરકારે જવાબ આપવો જોઈએ કે તેમને ટૂંકા ગાળામાં ફરીથી આ જ બિલ ગૃહમાં લાવવાની જરૂર કેમ પડી?”
કિરેન રિજિજૂનો ઇમરજન્સીનો ઉલ્લેખ અને અખિલેશનો આકરો જવાબ
અખિલેશ યાદવના સવાલોનો જવાબ આપતાં કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, “યુવાનોના આંદોલન બાદ વિચાર-વિમર્શ કરીને કાયદો બનાવવો સારો કે આંદોલનને કચડી નાખવા માટે દેશમાં કટોકટી (ઇમરજન્સી) લાદી દેવી સારી?” રિજિજૂના આ નિવેદન બાદ ગૃહમાં ભારે હોબાળો મચી ગયો હતો.
મંત્રીની આ ટિપ્પણીનો જડબાતોડ જવાબ આપતાં અખિલેશ યાદવે જણાવ્યું કે, “અમે ભૂતકાળની ઇમરજન્સી નથી જોઈ, પરંતુ તાજેતરમાં દિલ્હીની સરહદો પર જે પરિસ્થિતિ સર્જાઈ હતી તે કોઈ કટોકટીથી કમ નહોતી. દિલ્હીમાં પોતાના હક્ક માટે પ્રદર્શન કરી રહેલા લોકો પર ટીયર ગેસના ગોળા છોડવામાં આવ્યા અને રસ્તાઓ પર ખીલીઓ ઠોકીને વીજળીના કરંટ મૂકવામાં આવ્યા હતા.” તેમણે ઉમેર્યું કે જો સરકારને ઇમરજન્સી યાદ આવતી હોય તો તેણે એ પણ યાદ રાખવું જોઈએ કે ઇમરજન્સી પછી સત્તા પરિવર્તન થયું હતું અને આ વખતે પણ દેશમાં સત્તા પરિવર્તન નિશ્ચિત છે.

પ્રાથમિક શિક્ષણ પર હુમલો અને ૬૯ હજાર શિક્ષક ભરતી કૌભાંડ
સરકાર પર આકરા પ્રહારો ચાલુ રાખતા અખિલેશ યાદવે આક્ષેપ કર્યો કે વર્તમાન સરકારે સૌથી પહેલા દેશના પ્રાથમિક શિક્ષણ પર પ્રહાર કર્યો છે. તેમણે સરકારી આંકડાઓનો ટાંકીને દાવો કર્યો કે દેશમાં એક લાખથી વધુ પ્રાથમિક શાળાઓ બંધ થઈ ચૂકી છે, જેમાં સૌથી વધુ શાળાઓ ઉત્તર પ્રદેશમાં બંધ કરવામાં આવી છે. પહેલા દેશમાં સાત લાખથી વધુ શાળાઓ હતી જે હવે ઘટીને છ લાખ આસપાસ રહી ગઈ છે.
આ ઉપરાંત, તેમણે યુપીના ચર્ચિત ૬૯ હજાર શિક્ષક ભરતી મામલાનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે આ ભરતીમાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું, જેના કારણે પછાત અને ગરીબ વર્ગના ઉમેદવારોના અધિકારો છીનવાઈ ગયા હતા.
NEET પરીક્ષા અને પેપર લીક મુદ્દે વળતરની માંગ
અખિલેશ યાદવે ૧૦મી અને ૧૨મી બોર્ડની પરીક્ષાઓ તેમજ NEET પરીક્ષામાં થયેલા પેપર લીકની ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે સતત પેપર લીક થવાથી સખત મહેનત કરતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે. NEET કૌભાંડ અને માનસિક તણાવના કારણે જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ આપતાં તેમણે પીડિત પરિવારોને ૧ કરોડ રૂપિયાનું વળતર આપવાની માંગ કરી હતી.
