Dividend Stock: ટાટા સન્સની કમાણી ૨૧.૮% વધી: બોર્ડે કરી બમ્પર ડિવિડન્ડની ઘોષણા, જાણો કયા ટ્રસ્ટને કેટલી મળશે રકમ
ટાટા ગ્રુપની મુખ્ય હોલ્ડિંગ કંપની ટાટા સન્સ (Tata Sons) એ નાણાકીય વર્ષ ૨૦૨૬માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા જંગી નફો નોંધાવ્યો છે. કંપનીએ પોતાના આ જંગી નફાનો એક મોટો હિસ્સો પોતાના શેરધારકો વચ્ચે ડિવિડન્ડ સ્વરૂપે વહેંચવાની તૈયારી કરી લીધી છે. કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા વાર્ષિક નાણાકીય અહેવાલ મુજબ, આ વર્ષે ટાટા સન્સે રૂ. ૩૧,૯૬૧ કરોડનો ચોખ્ખો નફો કર્યો છે, જે ગયા નાણાકીય વર્ષના રૂ. ૨૬,૨૩૨ કરોડના નફા કરતાં ૨૧.૮ ટકા વધુ છે.

આ સમયગાળા દરમિયાન કંપનીની કુલ આવકમાં પણ મજબૂત વૃદ્ધિ નોંધાઈ છે. ટાટા સન્સની કુલ આવક ૯.૧ ટકા વધીને રૂ. ૪૨,૩૬૭ કરોડ પર પહોંચી ગઈ છે, જે નાણાકીય વર્ષ ૨૦૨૫માં રૂ. ૩૮,૮૩૫ કરોડ હતી. ઉત્કૃષ્ટ નાણાકીય પરિણામોને પગલે હવે કંપની બોર્ડે પોતાના રોકાણકારો માટે ઐતિહાસિક ડિવિડન્ડની ભલામણ કરી છે.
પ્રતિ શેર રૂ. ૧,૧૦,૭૧૭ ડિવિડન્ડની ભલામણ: ડિવિડન્ડમાં ૭૦% નો જંગી વધારો
ટાટા સન્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે પ્રતિ શેર રૂ. ૧,૧૦,૭૧૭ ના ડિવિડન્ડ આપવાની ભલામણ કરી છે. નોંધનીય છે કે ગયા નાણાકીય વર્ષમાં કંપનીએ પ્રતિ શેર રૂ. ૬૪,૯૦૦ નું ડિવિડન્ડ ચૂકવ્યું હતું. આ સરખામણીએ આ વર્ષે ડિવિડન્ડની રકમમાં લગભગ ૭૦ ટકાનો મજબૂત વધારો કરવામાં આવ્યો છે.
જો કંપનીની આગામી વાર્ષિક સાધારણ સભા (AGM) માં શેરધારકો દ્વારા આ દરખાસ્તને મંજૂરી આપવામાં આવશે, તો ટાટા સન્સે કુલ રૂ. ૪,૪૭૫ કરોડ ડિવિડન્ડ પેટે ચૂકવવા પડશે.
જણાવી દઈએ કે ટાટા સન્સ શેરબજારમાં લિસ્ટેડ કંપની નથી, તેથી આ ડિવિડન્ડનો સીધો લાભ સામાન્ય શેરબજારના રોકાણકારોને મળશે નહીં, પરંતુ કંપનીના પ્રમોટર્સ, ટ્રસ્ટ્સ અને મુખ્ય શેરધારકોને થશે.

કોને થશે સૌથી વધુ ફાયદો?
આ ડિવિડન્ડની ચૂકવણીથી સૌથી મોટો ફાયદો ટાટા ટ્રસ્ટ્સ (Tata Trusts) ને થશે. ટાટા સન્સમાં સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટ સહિતના વિવિધ ટ્રસ્ટ્સ મળીને લગભગ ૬૬ ટકા હિસ્સેદારી ધરાવે છે.
સર દોરાબજી ટાટા ટ્રસ્ટ: આ ટ્રસ્ટને જંગી ડિવિડન્ડ પેટે રૂ. ૧,૨૫૨ કરોડથી વધુની રકમ મળશે.
નોએલ ટાટા: ટાટા સન્સમાં ૪,૦૬૦ શેર વ્યક્તિગત રીતે કે તેમના હસ્તક ધરાવતા નોએલ ટાટાને પણ ડિવિડન્ડ તરીકે આશરે રૂ. ૪૫ કરોડ મળશે.
શાપૂરજી પાલનજી ગ્રુપ: ટાટા સન્સમાં ૧૮.૩૭ ટકાની મોટી હિસ્સેદારી ધરાવતા મિસ્ત્રી પરિવાર (SP ગ્રુપ) ને પણ આ ડિવિડન્ડ ઘોષણાથી મોટો આર્થિક લાભ થશે.
ટ્રસ્ટ્સ દ્વારા સામાજિક કાર્યોમાં ઉપયોગ
ટાટા સન્સ પાસેથી મળતી આ ડિવિડન્ડની રકમનો ઉપયોગ ટાટા ટ્રસ્ટ્સ દેશભરમાં શિક્ષણ, આરોગ્ય, કેન્સર હોસ્પિટલોના નિર્માણ, ગ્રામીણ વિકાસ અને વિવિધ સામાજિક કલ્યાણકારી કાર્યો માટે કરશે. ટાટા ગ્રુપની પરંપરા મુજબ તેમની હોલ્ડિંગ કંપનીની મોટાભાગની કમાણી પુનઃ સમાજના ઉત્થાન માટે વાપરવામાં આવે છે, જે આ વર્ષે પણ જાળવી રાખવામાં આવશે.
