RBI: શું હવે ભારતમાં ચાલશે પ્લાસ્ટિકની નોટો? જાણો શા માટે કાગળની નોટો બદલવા જઈ રહી છે રિઝર્વ બેંક
ભારતીય રિઝર્વ બેંક (RBI) દેશની ચલણી સિસ્ટમને વધુ આધુનિક અને સુરક્ષિત બનાવવા તરફ એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક કદમ ઉઠાવવાની તૈયારી કરી રહી છે. કેન્દ્રીય બેંક હવે પરંપરાગત કાગળની નોટોના સ્થાને પોલિમર (પ્લાસ્ટિક) બેંક નોટો લાવવાની યોજના પર ઝડપથી કામ કરી રહી છે. આ દિશામાં આગળ વધતા, RBI ની કરન્સી પ્રિન્ટિંગ વિંગ દ્વારા વૈશ્વિક સ્તરની કંપનીઓ પાસેથી ખાસ પોલિમર સબસ્ટ્રેટ (પ્લાસ્ટિક શીટ) ની સપ્લાય માટે ‘એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ’ (EOI) મંગાવવામાં આવ્યા છે. આ પગલું સ્પષ્ટ સંકેત આપે છે કે આવનારા સમયમાં ભારતીય ચલણમાં એક મોટો ફેરફાર જોવા મળી શકે છે.

ઉલ્લેખનીય છે કે પોલિમર બેંક નોટો એક ખાસ પ્રકારની સિન્થેટિક પ્લાસ્ટિક શીટમાંથી બનાવવામાં આવે છે. ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રિટન, ન્યૂઝીલેન્ડ અને સિંગાપોર જેવા વિશ્વના અનેક વિકસિત દેશોમાં વર્ષોથી પ્લાસ્ટિકની નોટો ચલણમાં છે. આ દેશોનો અનુભવ દર્શાવે છે કે આવી નોટો ખૂબ જ લાંબા સમય સુધી ખરાબ થયા વિના ઉપયોગમાં લઈ શકાય છે.
શા માટે જરૂરી છે પોલિમર (પ્લાસ્ટિક) નોટો?
નાણાકીય અને તકનીકી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, પોલિમર નોટોની સૌથી મોટી ખાસિયત તેમની મજબૂતાઈ અને લાંબુ આયુષ્ય છે. કાગળની નોટોની સરખામણીએ પ્લાસ્ટિકની નોટો અંગેના મુખ્ય ફાયદાઓ નીચે મુજબ છે:
લાંબી ટકઉક્ષમતા: પ્લાસ્ટિકની નોટો કાગળની નોટો કરતાં લગભગ અઢી થી ચાર ગણો વધુ સમય સુધી ચાલે છે, જેથી નવી નોટો છાપવાનો સરકારી ખર્ચ ઘટે છે.
પાણી અને ગંદકી સામે રક્ષણ: આ નોટો પાણી, ભેજ, તેળ, ધૂળ અને ગંદકીથી જલ્દી પ્રભાવિત થતી નથી. સામાન્ય રીતે ધોવાઈ જવા છતાં પણ તેને કોઈ નુકસાન થતું નથી.
નકલી નોટો પર લગામ: પોલિમર નોટોમાં અત્યાધુનિક સિક્યોરિટી ફીચર્સ ઉમેરી શકાય છે, જેના કારણે નકલી નોટો (Fake Currency) બનાવવી લગભગ અશક્ય બની જાય છે.
હાલ કયા તબક્કામાં છે RBI ની આ યોજના?
હાલના તબક્કે RBI એ પોલિમર સબસ્ટ્રેટની સપ્લાય માટે આંતરરાષ્ટ્રીય કંપનીઓ પાસેથી અરજીઓ મંગાવી છે. આ ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેનારી કંપનીઓ માટે એ અનિવાર્ય શરત રખાઈ છે કે તેઓ અગાઉ કોઈ દેશની કેન્દ્રીય બેંક માટે પોલિમર નોટો બનાવવાનો અનુભવ ધરાવતી હોવી જોઈએ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા ધોરણોનું પાલન કરતી હોવી જોઈએ.
જોકે, આ પૂરી પ્રક્રિયા હજુ પ્રાથમિક તબક્કામાં છે. RBI એ હજુ સુધી એ સ્પષ્ટ કર્યું નથી કે સૌથી પહેલાં કયા મૂલ્યની (જેમ કે ₹૧૦, ₹૨૦ કે ₹૫૦) નોટો પોલિમરમાં જારી કરવામાં આવશે અથવા તો આ નોટો બજારમાં ક્યારથી મૂકવામાં આવશે.

શું જૂની કાગળની નોટો બંધ થઈ જશે?
પ્લાસ્ટિક નોટોના સમાચાર સામે આવતાં જ સામાન્ય લોકોમાં એવી આશંકા જાગી શકે છે કે શું કાગળની નોટો અચાનક બંધ થઈ જશે. પરંતુ સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ યોજનાનો અર્થ એવો બિલકુલ નથી કે વર્તમાન કાગળની નોટો તુરંત જ રદ કે બંધ કરી દેવાશે.
RBI દ્વારા આવી કોઈ નોટબંધી જેવી જાહેરાત કરાઈ નથી. શક્યતા એ છે કે શરૂઆતના તબક્કામાં પોલિમર નોટો મર્યાદિત સંખ્યામાં બજારમાં મૂકવામાં આવશે અને બંને પ્રકારની (કાગળ અને પ્લાસ્ટિક) નોટો અમુક સમય સુધી સાથે જ ચલણમાં રહેશે.
ભારતમાં પહેલાં પણ થઈ ચૂક્યું છે ટ્રાયલ
અત્રે નોંધનીય છે કે ભારતે વર્ષ 2013 માં ₹10 ની પોલિમર નોટોનું મર્યાદિત સ્તરે દેશના 5 શહેરોમાં પ્રાયોગિક પરીક્ષણ (Trial) કર્યું હતું. જોકે તે સમયે વિવિધ કારણોસર આ યોજના આગળ વધી શકી નહોતી. પરંતુ હવે ફરી એકવાર RBI આ આધુનિક ટેકનોલોજી અપનાવવા સક્રિય બની છે. જો આ યોજના સફળતાપૂર્વક લાગુ થશે, તો ભારતીય કરન્સી પહેલાં કરતાં વધુ મજબૂત, સુરક્ષિત અને આધુનિક બનશે.
