Jio IPO: રૂપિયા ૩૭,૭૦૦ કરોડના મેગા IPO માટે Jio એ સેબી પાસે જમા કરાવ્યો ડ્રાફ્ટ; આકાશ અંબાણી સંભાળશે એમડી પદ
મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ડિજિટલ વિંગ ‘જિયો પ્લેટફોર્મ્સ’ (Jio Platforms) ના આઈપીઓ (IPO) ની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા રોકાણકારો માટે એક બહુ મોટા સમાચાર સામે આવ્યા છે. કંપનીએ પોતાના મેગા આઈપીઓ લોન્ચિંગ પહેલા પોતાની ટોપ લીડરશીપમાં એક મોટો ફેરફાર કર્યો છે.

કંપનીએ કિરણ થોમસ (Kiran Thomas) ના સ્થાને પંકજ પવાર (Pankaj Mohan Pawar) ને પોતાના નવા સીઈઓ (Chief Executive Officer) તરીકે નિયુક્ત કર્યા છે. લીડરશીપમાં થયેલા આ ફેરફારની સત્તાવાર માહિતી માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI) પાસે જમા કરાવવામાં આવેલા ડ્રાફ્ટ પેપર્સ (DRHP) દ્વારા સામે આવી છે. સેબીના આ દસ્તાવેજો મુજબ, પૂર્વ સીઈઓ કિરણ થોમસે ૨૩ માર્ચ ૨૦૨૬ ના રોજ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું અને તેના બીજા જ દિવસે એટલે કે ૨૪ માર્ચ ૨૦૨૬ થી પંકજ પવારે નવા સીઈઓ તરીકે કંપનીની કમાન સંભાળી લીધી છે.
કોણ છે જિયો પ્લેટફોર્મ્સના નવા સીઈઓ પંકજ પવાર?
૫૩ વર્ષના પંકજ પવાર રિલાયન્સ ગ્રુપના ખૂબ જ જૂના અને વિશ્વાસુ સાથી છે. તેઓ વર્ષ ૨૦૦૦ થી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા છે અને તેમને કન્ઝ્યુમર તેમજ ડિજિટલ બિઝનેસ સેક્ટરમાં અંદાજે ૩૦ વર્ષનો લાંબો અને બહોળો અનુભવ છે.
જિયો પ્લેટફોર્મ્સના સીઈઓ બનતા પહેલા તેઓ જિયોની ટેલિકોમ ઓપરેટિંગ યુનિટ ‘રિલાયન્સ જિયો ઇન્ફોકોમ’ (Reliance Jio Infocomm) ના મેનેજિંગ ડિરેક્ટર (MD) તરીકે ફરજ બજાવી રહ્યા હતા અને આ નવી જવાબદારી સાથે પણ તેઓ એમડી તરીકેનું પદ ચાલુ રાખશે.
જિયોનો મેગા IPO ક્યારે આવી રહ્યો છે?
શેરબજારના વિશ્લેષકો અને અહેવાલો અનુસાર, જિયો પ્લેટફોર્મ્સનો આઈપીઓ ઓગસ્ટથી ઓક્ટોબર ૨૦૨૬ ની વચ્ચે ભારતીય શેરબજારમાં દસ્તક આપી શકે છે. કંપનીએ ગત ૧૯ જૂને સેબી પાસે પોતાનો ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) જમા કરાવી દીધો છે, જે આ દિશામાં મોટું પગલું છે.
આ આઈપીઓ ભારતીય કોર્પોરેટ ઇતિહાસનો સૌથી મોટો આઈપીઓ સાબિત થઈ શકે છે. કંપની આ પબ્લિક ઈશ્યૂ દ્વારા બજારમાંથી અંદાજે ૪ અબજ ડોલર (આશરે ૩૭,૭૦૦ કરોડ રૂપિયા) એકત્ર કરવાની તૈયારી કરી રહી છે. આ આઈપીઓ માટે જિયો પ્લેટફોર્મ્સનું કુલ વેલ્યુએશન આશરે ૧૩૭ બિલિયન ડોલર (આશરે ૧૧.૫ લાખ કરોડ રૂપિયા) આંકવામાં આવી રહ્યું છે.

IPO ના ફંડનો ઉપયોગ ક્યાં થશે?
આ આઈપીઓની સૌથી ખાસ વાત એ છે કે આમાં કોઈ ‘ઓફર ફોર સેલ’ (OFS) રાખવામાં આવ્યું નથી. આનો અર્થ એ થાય છે કે કંપનીના વર્તમાન પ્રમોટર્સ કે રોકાણકારો પોતાના હિસ્સાના શેર વેચવાના નથી. આ આઈપીઓ સંપૂર્ણપણે ‘ફ્રેશ ઈશ્યૂ’ (નવા શેર) આધારિત હશે, જેમાં ૨૭ કરોડ સુધીના નવા શેર બહાર પાડવામાં આવી શકે છે.
આ આઈપીઓ દ્વારા એકત્રિત કરવામાં આવનારી તમામ રકમ સીધી કંપનીના ખાતામાં જશે. જિયો પ્લેટફોર્મ્સ આ ફંડનો ઉપયોગ નીચે મુજબના કાર્યો માટે કરશે:
બિઝનેસ ગ્રોથ: કંપનીના વિવિધ ડિજિટલ અને ટેલિકોમ નેટવર્ક બિઝનેસના વિસ્તરણ માટે.
AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજી અને ડેટા સેન્ટર્સ ડેવલપ કરવા માટે.
દેવાની ચુકવણી: કંપની પર રહેલા જૂના દેવા કે લોનની ભરપાઈ કરીને બેલેન્સ શીટને વધુ મજબૂત કરવા માટે.
બોર્ડ ઓફ ડિરેક્ટર્સનું નવું માળખું:
ડ્રાફ્ટ પેપર્સ અનુસાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી જિયો પ્લેટફોર્મ્સના બોર્ડમાં ચેરમેન અને નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે રહેશે. જ્યારે આકાશ અંબાણી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર (MD) તરીકેની જવાબદારી સંભાળશે. તેમના ભાઈ-બહેન ઈશા અંબાણી અને અનંત અંબાણી તેમજ અંબાણી પરિવારના ખાસ ગણાતા મનોજ મોદી પણ નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે બોર્ડમાં સામેલ રહેશે.
