Childhood Trauma: બાળપણની ઉપેક્ષા અને ટ્રોમા: પુખ્ત વયે થતા ક્રોનિક પેઇન પાછળનું અસલી કારણ
ઘણીવાર લોકો મોટી ઉંમરે સતત માઇગ્રેન, પેટની ગરબડ, અનિદ્રા, ક્રોનિક થાક, એન્ઝાયટી (ચિંતા) કે આખા શરીરના અસાધ્ય દુખાવા જેવી સમસ્યાઓથી પીડાતા હોય છે. વર્ષો સુધી દવાઓ અને સારવાર કરાવવા છતાં પણ જ્યારે રીપોર્ટ સામાન્ય આવે છે, ત્યારે ડોક્ટરો પણ મૂંઝવણમાં મુકાઈ જાય છે. આધુનિક ન્યુરોસાયન્સ અને મેડિકલ સાયન્સ હવે સ્વીકારે છે કે આ તમામ શારીરિક તકલીફોનું મૂળ બાળપણમાં અનુભવેલી હિંસા, ડર, ઉપેક્ષા કે ભાવનાત્મક અસ્થિરતામાં છુપાયેલું હોઈ શકે છે. બાળપણનો આઘાત માત્ર એક માનસિક સ્થિતિ નથી, પરંતુ તે શરીરની રોગપ્રતિકારક શક્તિ (Immunity) અને નર્વસ સિસ્ટમને કાયમ માટે બદલી નાખે છે.

બોડી રીપોર્ટ નોર્મલ, પણ શરીર કેમ રહે છે બીમાર?
પ્રતિષ્ઠિત હેલ્થ એક્સપર્ટ ડૉ. પ્રિતિકા સિંઘે એક તબીબી અહેવાલમાં જણાવ્યું છે કે, હોસ્પિટલોમાં એવા અસંખ્ય દર્દીઓ આવે છે જેમના તમામ પેથોલોજીકલ રીપોર્ટ્સ એકદમ નોર્મલ હોય છે, પરંતુ તેમનું શરીર ગંભીર રોગોના લક્ષણો દર્શાવતું હોય છે.
તેમણે એક 40 વર્ષીય મહિલા દર્દીનું ઉદાહરણ આપતા સમજાવ્યું કે, આ મહિલા લાંબા સમયથી પીઠના અસહ્ય દુખાવા, આંતરડાની તકલીફ અને અતિશય એન્ઝાયટીથી પીડાતી હતી. અસંખ્ય ડોક્ટરોની મુલાકાત લીધા પછી પણ કોઈ ચોક્કસ શારીરિક કારણ ન મળ્યું. પરંતુ જ્યારે તેની હિસ્ટ્રી તપાસવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે બાળપણમાં તેણે ઘરેલું હિંસા જોઈ હતી અને માતા-પિતા તરફથી ભારે ભાવનાત્મક ઉપેક્ષા (Emotional Neglect) નો સામનો કરવો પડ્યો હતો. આ બાળપણના ટ્રોમાએ તેના શરીરમાં ક્રોનિક પેઈનનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
‘ફાઈટ ઓર ફ્લાઈટ’ મોડ અને શરીર પર તેની ઘાતક અસરો
જ્યારે કોઈ બાળક લાંબા સમય સુધી ડર, હિંસા અથવા અસુરક્ષિત વાતાવરણમાં ઉછરે છે, ત્યારે તેનું મગજ સતત એલર્ટ મોડ પર રહે છે. તબીબી ભાષામાં આને ‘ફાઈટ ઓર ફ્લાઈટ’ (Fight or Flight) મોડ કહેવામાં આવે છે. આ સ્થિતિમાં શરીર સતત ‘કોર્ટિસોલ’ અને ‘એડ્રેનાલિન’ જેવા સ્ટ્રેસ હોર્મોન્સ મુક્ત કરે છે.
બાળપણમાં લાંબા સમય સુધી આ હોર્મોન્સનું ઊંચું સ્તર રહેવાના કારણે શરીરની પ્રણાલી કાયમી ધોરણે પ્રભાવિત થાય છે. આ જ કારણ છે કે આવા બાળકો જ્યારે મોટા થાય છે, ત્યારે તેમનામાં હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ઓટોઇમ્યુન ડીસીઝ (જેમાં શરીરની પ્રતિકારક શક્તિ પોતાના જ કોષોને નુકસાન કરે છે), ડિપ્રેશન, મેદસ્વીતા અને ઊંઘની ગંભીર વિકૃતિઓ જોવા મળે છે.

વૈશ્વિક સંશોધનો શું કહે છે? (The ACE Study)
આ વિષય પર તબીબી જગતનું સૌથી મોટું અને ચર્ચિત સંશોધન અમેરિકામાં થયું હતું, જેને ‘એડવર્સ ચાઇલ્ડહુડ એક્સપિરિયન્સિસ’ (ACE – Adverse Childhood Experiences) સ્ટડી તરીકે ઓળખવામાં આવે છે. ‘સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન’ (CDC) અને ‘કેઝર પરમેનેન્ટે’ દ્વારા સંયુક્ત રીતે કરાયેલા આ અભ્યાસમાં 17,000 થી વધુ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા.
આ રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો થયો કે જે લોકોએ બાળપણમાં શારીરિક-માનસિક હિંસા, જાતીય શોષણ, માતા-પિતાના છૂટાછેડા અથવા ઘરમાં નશાખોરી જેવી પરિસ્થિતિઓ જોઈ હતી, તેમનામાં પુખ્ત વયે હૃદયરોગ, કેન્સર અને ક્રોનિક ફેફસાની બીમારીઓનું જોખમ સામાન્ય લોકો કરતા અનેક ગણું વધારે હતું.
તેવી જ રીતે, પ્રખ્યાત મેડિકલ જર્નલ ‘JAMA પિડિયાટ્રિક્સ’ માં પ્રકાશિત થયેલા અન્ય એક સંશોધનમાં પણ બાળપણના ટ્રોમા અને મોટા થઈને થતા ઓટોઇમ્યુન રોગો વચ્ચે સીધો જૈવિક સંબંધ હોવાનું સાબિત થયું છે.
