Cancer Risk: કેન્સર પર નવું સંશોધન: 40% કેસ લાઈફસ્ટાઈલ આધારિત, દૈનિક આદતો બદલીને જીવલેણ બીમારીથી બચી શકાય છે
લાંબા સમય સુધી એવી માન્યતા હતી કે કેન્સર માત્ર વધતી ઉંમર, ખરાબ નસીબ અથવા આનુવંશિક (Genetic) કારણોસર જ થાય છે. પરંતુ, તબીબી વિજ્ઞાનના નવા સંશોધનો હવે આ જૂની વિચારસરણીને સંપૂર્ણપણે બદલી રહ્યા છે. પ્રતિષ્ઠિત મેડિકલ જર્નલ ‘નેચર મેડિસિન’ (Nature Medicine) માં પ્રકાશિત થયેલા એક ગહન અભ્યાસ અનુસાર, કેન્સરના લગભગ 40 ટકા કેસ અને આ બીમારીથી થતા અડધા ભાગના મૃત્યુ એવા જોખમી પરિબળો સાથે જોડાયેલા છે, જેને માત્ર યોગ્ય જીવનશૈલી (Healthy Lifestyle) અપનાવીને ખૂબ જ સરળતાથી ટાળી શકાય તેમ છે.

આપણી કઈ આદતો આપણને કેન્સર તરફ ધકેલી રહી છે?
આરોગ્ય નિષ્ણાતોના મતે સૌથી ચિંતાજનક બાબત એ છે કે કેન્સરનું જોખમ વધારતી ઘણી આદતો આપણી દૈનિક દિનચર્યાનો એક અવિભાજ્ય હિસ્સો બની ગઈ છે. મોડી રાત સુધી જાગવું, ઓફિસમાં કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહેવું (Sedentary Lifestyle), પેકેજ્ડ અને અતિશય પ્રોસેસ્ડ ફૂડ ખાવું, માનસિક તણાવને નજરઅંદાજ કરવો અને શારીરિક શ્રમનો સર્વથા અભાવ—આ તમામ પરિબળો ધીમે-ધીમે શરીરની રોગપ્રતિકારક શક્તિને ખોખલી કરે છે. શરૂઆતમાં આ નુકસાન દેખાતું નથી, પરંતુ વર્ષો પછી તે કેન્સર જેવા જીવલેણ રોગનું સ્વરૂપ ધારણ કરે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના અહેવાલમાં પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તમાકુ, અતિશય વજન (મોટાપો), દારૂનું સેવન, બિનઆરોગ્યપ્રદ આહાર, કસરતનો અભાવ અને વાયુ પ્રદૂષણ એ કેન્સરના એવા મુખ્ય કારણો છે જેને નિયંત્રિત કરી શકાય છે. ભારતમાં પણ લાઈફસ્ટાઈલ સંબંધિત કેન્સરના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે.
શા માટે યુવા પેઢી ઝડપથી આ બીમારીની ઝાપટે ચડી રહી છે?
જાણીતા કેન્સર નિષ્ણાત ડૉ. અનિંદ્ય મુખર્જીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા (TOI) ને જણાવ્યું કે, કેન્સર હવે માત્ર વૃદ્ધોની બીમારી નથી રહ્યું. હવે ખૂબ જ નાની ઉંમરના લોકોમાં પણ એવા કેન્સર ઝડપથી જોવા મળી રહ્યા છે જે અગાઉ માત્ર 50 વર્ષની ઉંમર પછી જ જોવા મળતા હતા. ધૂમ્રપાન, આલ્કોહોલનું સેવન, જંક ફૂડ, પ્રદૂષણ અને ૨૪ કલાક રહેતા માનસિક તણાવે દરેક ઉંમરના લોકોમાં કેન્સરનું જોખમ અનેકગણું વધારી દીધું છે.

સ્થૂળતા (શરીરની વધારાની ચરબી) કયા કેન્સરને નોતરે છે?
અમેરિકાની ‘નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યુટ’ ના સંશોધન મુજબ, શરીરમાં રહેલી જરૂરિયાત કરતાં વધુ ચરબી (Fat) સીધી રીતે અનેક પ્રકારના કેન્સર સાથે જોડાયેલી છે. જેમાં મુખ્યત્વે:
સ્તન કેન્સર (Breast Cancer)
કોલોરેક્ટલ કેન્સર (ગુદા અને આંતરડાનું કેન્સર)
ગર્ભાશયનું કેન્સર (Uterus Cancer)
કિડની, લિવર અને સ્વાદુપિંડનું (Pancreas) કેન્સર સામેલ છે.
વૈજ્ઞાનિકો સમજાવે છે કે જ્યારે શરીર લાંબા સમય સુધી ખરાબ જીવનશૈલીનો સામનો કરે છે, ત્યારે અંગોની અંદર લાંબાગાળાનો સોજો (Chronic Inflammation) વધવા લાગે છે. આ સોજો તંદુરસ્ત કોષોને નુકસાન પહોંચાડે છે અને કેન્સરના કોષોને વિકસવા માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે.
તમાકુ અને પેસિવ સ્મોકિંગનું અદ્રશ્ય જોખમ
ડૉ. મુખર્જીના જણાવ્યા અનુસાર, તમાકુ આજે પણ કેન્સરનું સૌથી મોટું અને રોકી શકાય તેવું કારણ છે. તેની અસર માત્ર ફેફસાં પર જ નથી થતી, પરંતુ મોં, ગળું, પેટ, કિડની અને બ્લેડર જેવા શરીરના અનેક અંગો તેનાથી પ્રભાવિત થાય છે. વળી, પોતે ધૂમ્રપાન ન કરવા છતાં બીજાના ધુમાડાના સંપર્કમાં આવવું, એટલે કે ‘પેસિવ સ્મોકિંગ’ પણ એટલું જ ખતરનાક છે. આ ઉપરાંત, શહેરોમાં વસતા લોકો માટે વાયુ પ્રદૂષણ (Air Pollution) હવે કેન્સરનું એક નવું અને ઝડપથી ઉભરી રહેલું મોટું જોખમ બની ગયું છે.
બચાવના ઉપાયો: કેવી રીતે સુરક્ષિત રહેવું?
આ વૈશ્વિક સંકટથી બચવા માટે ડૉક્ટરો માત્ર દવાઓ પર આધાર રાખવાને બદલે દૈનિક ટેવો સુધારવાની સલાહ આપે છે:
શરીરનું વજન સંતુલિત રાખો અને રોજ ઓછામાં ઓછી ૩૦ મિનિટ કસરત કે યોગ કરો.
આહારમાં પ્રોસેસ્ડ ફૂડ અને ખાંડના બદલે તાજા ફળો, લીલા શાકભાજી અને ફાઈબરયુક્ત ખોરાકનો સમાવેશ કરો.
તમાકુ, સિગારેટ અને દારૂના સેવનથી તદ્દન દૂર રહો.
માનસિક તણાવ મુક્ત રહેવા માટે પૂરતી ૭ થી ૮ કલાકની ઊંઘ લો અને મેડિટેશનનો સહારો લો.
