Cyber Fraud: બેંગલુરુના વેપારીને એક ભૂલ પડી મોંઘી: લગ્નના કાર્ડના નામે ₹5 લાખની ઓનલાઈન ઠગાઈ
ઓનલાઈન છેતરપિંડીની પદ્ધતિઓ હવે પહેલા કરતા વધુ ખતરનાક અને ચતુર બની ગઈ છે. સાયબર અપરાધીઓ લોકોની ભાવનાઓ અને વિશ્વાસનો ફાયદો ઉઠાવીને નવી નવી રીતો અપનાવી રહ્યા છે. તાજેતરમાં આવો જ એક કિસ્સો બેંગલુરુથી સામે આવ્યો છે, જ્યાં એક ઉદ્યોગપતિને WhatsApp પર આવેલી લગ્નની કંકોતરીએ લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે.

શું છે આ ‘વેડિંગ ઇન્વિટેશન સ્કેમ’?
અહેવાલો મુજબ, 42 વર્ષીય વેપારી નૂર નાહિદ ખાન એક એવી સાયબર જાળમાં ફસાઈ ગયા જેને ‘WhatsApp Wedding Invite Scam’ કહેવામાં આવે છે. આ છેતરપિંડીમાં માત્ર એક મેસેજ અને એક ફાઈલ ડાઉનલોડ કરવાની ભૂલને કારણે તેમનું બેંક ખાતું ખાલી થઈ ગયું હતું.
લગ્નના કાર્ડના નામે મોકલવામાં આવ્યો ખતરનાક મેસેજ
પીડિતને WhatsApp પર એક મેસેજ મળ્યો જેમાં લખ્યું હતું કે તેમને લગ્ન સમારોહમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. મેસેજમાં વિનંતી કરવામાં આવી હતી કે લગ્નની સંપૂર્ણ વિગતો જોવા માટે સાથે મોકલવામાં આવેલું ઇન્વિટેશન (કંકોતરી) ડાઉનલોડ કરો. આ મેસેજ જોવામાં એકદમ સામાન્ય અને અસલી લગ્નના આમંત્રણ જેવો જ લાગતો હતો, તેથી બિઝનેસમેનને તેમાં કોઈ જોખમ જણાયું નહીં. પરંતુ સાયબર ઠગોએ આ જ વિશ્વાસનો ફાયદો ઉઠાવ્યો.
APK ફાઈલ ડાઉનલોડ કરતા જ ખેલ શરૂ થયો
મેસેજની સાથે એક ‘APK’ ફાઈલ મોકલવામાં આવી હતી. APK એ હકીકતમાં એન્ડ્રોઈડ એપ ઈન્સ્ટોલ કરવા માટેની ફાઈલ હોય છે. પીડિતે વધુ વિચાર્યા વગર તે ફાઈલ ડાઉનલોડ કરી લીધી અને જરૂરી પરમિશન (પરવાનગી) પણ આપી દીધી. અહીંથી જ આખી રમત બગડી. પોલીસના જણાવ્યા અનુસાર, આ ફાઈલ દ્વારા ફોનમાં એક ખતરનાક એપ ઈન્સ્ટોલ થઈ ગઈ જેણે મોબાઈલની તમામ મહત્વની સુવિધાઓ પર નિયંત્રણ મેળવી લીધું. આમાં બેંકિંગ એપ્સ, UPI એપ્સ, કેમેરા અને અન્ય સંવેદનશીલ ડેટાનો સમાવેશ થતો હતો.

માત્ર 9 મિનિટમાં ખાતું ખાલી રિપોર્ટ અનુસાર, સવારે આશરે 4:45 થી 4:54 વાગ્યાની વચ્ચે પીડિતના ખાતામાંથી અનેક UPI ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા. જોતજોતામાં ખાતામાંથી આશરે ₹5,00,440 ઉપડી ગયા. સૌથી ડરામણી વાત એ હતી કે પીડિતને ત્યાં સુધી કંઈ ખબર પડી નહીં જ્યાં સુધી બેંકમાંથી પૈસા કપાયા હોવાના મેસેજ આવવા લાગ્યા. એટલે કે સાયબર ગુનેગારોએ મોબાઈલ એક્સેસ મળતા જ બેંકિંગ સિસ્ટમમાં ઘૂસણખોરી કરી લીધી હતી.
પોલીસે તપાસ શરૂ કરી ફરિયાદ મળ્યા બાદ પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તપાસ એજન્સીઓનું માનવું છે કે આ કોઈ મોટા સાયબર ફ્રોડ નેટવર્કનો હિસ્સો હોઈ શકે છે. આ જ પ્રકારના મેસેજ શહેરના અન્ય ઘણા લોકોને પણ મોકલવામાં આવ્યા હોવાની માહિતી મળી છે.
આવા સ્કેમથી કેવી રીતે બચશો?
સાયબર એક્સપર્ટ્સનું કહેવું છે કે WhatsApp પર આવતી કોઈપણ APK ફાઈલને ડાઉનલોડ કરતા પહેલા અત્યંત સાવધાની રાખવી જોઈએ.
જો ફાઈલ અજાણ્યા નંબર પરથી આવી હોય, તો તેને તરત જ ડિલીટ કરી દેવી.
Google Play Store સિવાય અન્ય કોઈ લિંક કે ફાઈલ દ્વારા એપ ઇન્સ્ટોલ કરવી હંમેશા જોખમી છે.
કોઈપણ એપને બેંકિંગ કે મોબાઈલ એક્સેસની પરવાનગી આપતા પહેલા તેની વિશ્વસનીયતા તપાસો.
લગ્નની કંકોતરી હંમેશા ફોટો (Image) કે PDF સ્વરૂપે હોય છે, ક્યારેય એપ (APK) ફાઈલ તરીકે હોતી નથી.
